________________ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય બીજી જગા કરતાં મંદિર કે દેવાલયમાં જ કંઈક વધારે શાંત અને સાત્વિક મનોવૃત્તિવાળો બને છે. એનું રહસ્ય બીજું શું છે? મૂર્તિ એ ઉપાસનાની સહાયક છે હું મૂર્તિપૂજાને પાપ માનતો નથી.”૪૦ મૂર્તિપૂજા દ્વારા જે ભક્તિભાવ સિદ્ધ કરવાનો છે તે થઈ ગયા પછી મૂર્તિપૂજા જરૂરી રહેતી નથી એ વાત શિવપુરાણમાં આ રીતે કહેવામાં આવી છે : “ઈશ્વરની હાજરી સહેજે અનુભવાય એ “સહજ સમાધિની અવસ્થા ઉત્તમ છે ધ્યાનધારણા વગેરે ક્રિયાઓ બીજે નંબરે છે; મૂર્તિની પૂજા ત્રીજે નંબરે છે; અને હોમ, યાત્રા વગેરે છેક છેલ્લાં આવે છે.૪૧ પ્રાર્થના : મૂર્તિપૂજા અંગેના ઉપર્યુક્ત હિન્દુ વિચારો પરથી સ્પષ્ટ થશે કે હિન્દુઓમાં મૂર્તિપૂજા થાય છે પણ તે અનિવાર્યપણે થવી જ જોઈએ એવો હિન્દુ ધર્મનો આગ્રહ નથી અને તેથી કેટલાક હિન્દુઓ મૂર્તિપૂજાનું અવલંબન લીધા સિવાય પણ પ્રાર્થના કરે છે. હિન્દુ ધર્મની દૃષ્ટિએ પૂજા એ પ્રાર્થનાનો જ એક પ્રકાર છે, પ્રાર્થનાના બીજા પ્રકારોમાં મંત્રજાપ, સ્તોત્રપાઠ, ભગવાનના કલ્યાણકારી ગુણોનું અને તેમના મહિમાનું ચિંતવન, પોતાના દોષોથી મુક્ત થવા માટે તેમજ ઉત્તમ પ્રકારની ભક્તિના ઉદય માટે કૃપાયાચના, ભગવાનની ભક્તવત્સલતા અને કરુણામયતાનો અનુભવ, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. 3. વ્રતો અને ઉત્સવો : વર્ષના અમુક અમુક દિવસોએ જગતના વ્યવહારમાં રજા પાડીને નિરાહારી કે માત્ર ફળાહારી રહીને ભગવાનનાં ધ્યાનભજન અને આત્મનિરીક્ષણમાં આખો દિવસ ગાળવાનો હિન્દુ ધર્મશાસ્ત્રોએ આદેશ આપેલો છે. ગોકુલાષ્ટમી, રામનવમી, મહિનામાં બે વાર આવતી એકાદશી અને શિવરાત્રી એ પ્રકારનું વ્રત કરવા માટેના વિશેષ જાણીતા દિવસો છે. માણસની આધ્યાત્મિકતા અને ભક્તિભાવનાનું સાતત્ય જળવાઈ રહે અને સંસારની વિટંબણાઓમાં તે પોતાના અંતિમ લક્ષ્યને સાવ ભૂલી ન જાય તે માટે આ વ્રતોની યોજના છે. વ્રતના દિવસો એ વ્યક્તિગત સાધનાના દિવસો તો છે જ. તેમની સામુદાયિક સાધના પર પણ અસર પડે તે હેતુથી હિન્દુ ધર્મશાસ્ત્રોએ વ્રતના દિવસોએ મંદિરમાં અને ઘેર ઉત્સવ મનાવવાની પણ આજ્ઞા કરેલી છે. પ્રો.મહાદેવન કહે છે તેમ મંદિરો એ સ્થળમાં ઊભા કરવામાં આવેલાં પ્રતીકો છે, જ્યારે ઉત્સવો એ કાળમાં ગોઠવવામાં આવેલાં પ્રતીકો છે. 42 વ્યાપક જનસમુદાયને ઈશ્વરાભિમુખ બનાવવામાં આ બંને પ્રકારનાં પ્રતીકો ઘણો મોટો ભાગ ભજવે છે. 3. હિન્દુ ધર્મમાં વૈરાગ્યભાવના અને તેની અભિવ્યક્તિ 1. વૈરાગ્યનું સ્વરૂપ : 1. વૈરાગ્યની વ્યાખ્યા : શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ ગુણો ધરાવતા આ જગતના વિવિધ ભૌતિક પદાર્થોને માણસ અનુક્રમે પોતાની શ્રવણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય નેગેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયો વડે ભોગવે છે.