________________ 73 હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય સુખ અને એશઆરામ માટે ઉપયોગ કરવો એ ગૃહસ્થને માટે મોટું પાપ કે અધર્મ બની રહે છે. મનુસ્મૃતિ કહે છે કે, “જે ગૃહસ્થાશ્રમી હંમેશાં પરાત્રથી (પારકાના પરસેવાથી પેદા થયેલા ધન અને અન્નથી) પુષ્ટ બને છે, તેનાં દાન, યજ્ઞ, તપ અને અધ્યયન જે તેની મહેનતનું ખાતો હોય તેનાં થઈ જાય છે; અને મરણ પછી તે તેના અન્નદાતાને ત્યાં (જની મહેનતનો લાભ પોતે ઉઠાવ્યો છે તેને ત્યાં) પશુરૂપે અવતરે છે.”૧૯ કેળવણીની સંસ્થાઓ, દવાખાનાં, અનાથાશ્રમો, ધર્મશાળાઓ વગેરે સામાજિક સંસ્થાઓને દરેક રીતે સહાયભૂત થવા તત્પર એવો ગૃહસ્થ પોતાના કુટુંબની ઉપેક્ષા કરે તે સ્વાભાવિક રીતે યોગ્ય ગણાય નહિ. આથી હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ગૃહસ્થને એવી આજ્ઞા આપવામાં આવી છે કે તે કુટુંબમાં સુખ, સમૃદ્ધિ, સંપ અને શાંતિની વૃદ્ધિ થાય તે માટે નિરંતર કાળજી રાખે અને વૃદ્ધો, બીમાર માણસો,સ્ત્રીઓ, અતિથિઓ, નોકરો અને ઢોરઢાંકરની પણ પ્રેમભરી સંભાળ લેવામાં સાવધાન રહે. 3. વાનપ્રસ્થાશ્રમ : વાનપ્રસ્થાશ્રમ એટલે ગૃહસ્થાશ્રમમાંથી નિવૃત્ત થઈ એકાંતમાં સાધના કરવાનો ગાળો. હિન્દુ શાસ્ત્રોનો આદેશ છે કે માણસ જ્યારે એકાવનમાં વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જાણે કે તેણે વનમાં પ્રવેશ કર્યો એમ સમજીને સંસારથી નિવૃત્ત અને વિરક્ત થવાનો તેણે પ્રયત્ન કરવો જોઈએ. આમ, વાનપ્રસ્થાશ્રમીનો એ ધર્મ છે કે તે બ્રહ્મચર્યાશ્રમ દરમિયાન મેળવેલી વિદ્યા અને ગૃહસ્થાશ્રમ દરમિયાન મેળવેલા અનુભવનો ઉપયોગ કરીને પોતાની બુદ્ધિને સ્થિર કરે અને જગતના નાશવંત પદાર્થો અને સંબંધોમાંથી પોતાની વૃત્તિ પાછી ખેંચી લઈને જ્ઞાનયોગ, કર્મયોગ કે ભક્તિયોગની સાધના વડે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો જીવનમુક્ત બનવાનો યત્ન કરે. 4. સંન્યાસાશ્રમઃ સંન્યાશ્રમ એટલે સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરીને એકાકી આત્મારૂપે કેવળ લોકહિતમાં જ રત રહેવાનો ગાળો. વાનપ્રસ્થાશ્રમમાં શરૂ કરેલી સાધના પુરી થતાં સાધક સાધક મટીને સિદ્ધ બને છે અને તે પછી તેના જીવનનો ચોથો ભાગ કે સંન્યાશ્રમ શરૂ થાય છે. સંન્યાસીની આધ્યાત્મિક સ્થિતિનું વર્ણન કરતાં ગીતાકાર કહે છે કે - “આસક્ત નહિ જે ક્યાંય, જિતાત્મ, નિસ્પૃહી સદા, પર નિષ્કર્મની સિદ્ધિ તેને સંન્યાસથી મળે”૨૦ આમ, જીવન્મુક્તની દશાને પામીને સંન્યાસી જગન્ગનો ધર્મ સમજાવે છે, એટલે કે પોતાને થયેલ જ્ઞાનલાભનો કેવળ લોકકલ્યાણાર્થે સમભાવપૂર્વક ઉપદેશ કરે છે. સંન્યાસીના ઉપદેશની વાણી અને તેના સમગ્ર વર્તનમાં સત્ય અને અહિંસાનું કેટલી હદે પાલન થવું જોઈએ એ બાબતનો ખ્યાલ મનુસ્મૃતિ અને શિક્ષાપત્રીનાં નીચેના વચનો પરથી આવશે :