________________ 74 જગતના વિદ્યમાન ધર્મો મનુસ્મૃતિમાં લખ્યું છે કે, “સંન્યાસીએ સત્ય અને અહિંસાથી યુક્ત તેમજ અપકાર, કપટ, કઠોરતા, ક્રૂરતા અને નિંદાથી રહિત વાણી બોલવી. સંન્યાસી દષ્ટિથી પવિત્ર ડગલું મૂકે (જીવજંતુ કચડાઈ ન જાય તેની કાળજી રાખીને), વસ્ત્રથી ગાળેલું પાણી પીએ અને સત્યથી પવિત્ર થયેલી વાણી બોલે..”૨૧ ( શિક્ષાપત્રી કહે છે કે સંન્યાસીને “કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય, ને તે પોતાને ગાળ દે અથવા મારે તો એ સહન જ કરવું; પણ તેને સામી ગાળ ન દેવી; ને મારવો નહિ; અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું; પણ તેનું ભૂંડુ થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.”૨૨ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની ઉપર્યુક્ત વ્યવસ્થા માણસને ક્રમિક રીતે જીવનના પરમ પુરુષાર્થ-મોક્ષ તરફ લઈ જવાની વ્યવસ્થા છે. હિન્દુ ધર્મ એમ માને છે કે સામાન્ય રીતે માણસ આ રીતની ચાર અવસ્થાઓમાંથી પસાર થઈને પૂર્ણતાને પામતો હોય છે. પરંતુ તેમાં અપવાદને પણ અવકાશ છે. દા.ત. શંકરાચાર્યે બ્રહ્મચર્યાશ્રમ પછી સીધો જ સંન્યાસાશ્રમનો સ્વીકાર કર્યો હતો. આશ્રમવ્યવસ્થા અંગે એક નોંધપાત્ર મુદ્દો એ છે કે વર્ણવ્યવસ્થાની જેમ આશ્રમવ્યવસ્થા પણ માનવસ્વભાવના ઊંડા જ્ઞાન પર રચાયેલી છે અને તેથી જેવી રીતે કોઈ પણ સમાજમાં વર્ણવ્યવસ્થા જેવી કોઈ વ્યવસ્થા હોય એ વ્યક્તિ અને સમાજના હિતની દૃષ્ટિએ જરૂરી છે તેવી જ રીતે કોઈ પણ વ્યક્તિના જીવનમાં આશ્રમવ્યવસ્થા જેવી કોઈ વ્યવસ્થા હોય એ તેના નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ એ ચાર આશ્રમોમાં છેલ્લો આશ્રમ એવો છે કે ત્યાં સુધીનો વિકાસ એક જ જન્મે તો વિરલ સંતપુરુષો જ સાધી શકે. પણ બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમના ધર્મોનું પાલન કરીને પછી નિવૃત્તિવયે વાનપ્રસ્થાશ્રમીની રીતે રહેવાનો યત્ન કરવાનું તો કોઈ પણ માણસ માટે શક્ય છે. આમ, “જમાનો બદલાયો છે એમ બહાનું બતાવીને આશ્રમવ્યવસ્થાનાં સનાતન તત્વોને અવગણવાને બદલે એ સનાતન તત્ત્વોને અનુસરીને પોતાના સમગ્ર જીવનને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમની યોજનામાં ગોઠવવાનો સાવધાનીપૂર્વક પ્રયત્ન કરવો એ પ્રત્યેક હિન્દુનો ધર્મ છે. આજનો હિન્દુ આ ધર્મથી ચલિત થયો છે એ વાતનો અફસોસ કરતાં ગાંધીજી કહે છે કે “તમે હિન્દુસ્તાનના ચારે ખૂણા ફરી વળો તોય તમને સાચો બ્રહ્મચારી કે સાચો ગૃહસ્થ શોધ્યોએ જડશે નહિ, વાનપ્રસ્થાશ્રમી અને સંન્યાસીની તો વાત જ ક્યાં રહી?”૨૩ જરૂર છે. આપણે હિન્દુ ધર્મના સાચા હાર્દને આપણા હૃદયમાં પુનઃ પ્રગટ કરીએ અને પછી પૂછીએ કે તેનાથી આપણા આત્માને સંતોષ મળે છે કે નહિ.”૨૪