________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો પ૯ પરિણામે પ્રાપ્ત થતું જન્મમરણના ફેરારૂપી મહાદુઃખ-થી સંપૂર્ણપણે અને કાયમને માટે છૂટે છે, મોક્ષ પામે છે. મુક્તાત્મા માટે કોઈ પણ પ્રકારના દુઃખની ક્યારેય પણ શક્યતા રહેતી નથી. આથી હિન્દુ ધર્મમાં મોક્ષની સ્થિતિને આત્યંતિક દુઃખનિવૃત્તિની સ્થિતિ તરીકે વર્ણવવામાં આવે છે. મોક્ષાવસ્થા એ કેવળ આત્યંતિક દુઃખનિવૃત્તિની અભાવાત્મક સ્થિતિ જ નથી, તેમાં ભાવાત્મક શાશ્વત આનંદની પ્રાપ્તિ પણ છે. ગીતાકાર કહે છે તેમ “જ્યાં પહોંચી ન ફરે પાછા, મારું તે ધામ ઉત્તમ. અર્થાત્ મોક્ષરૂપ ધામ કે પદને જે જીવાત્મા પામે છે તે જીવાત્માને સાંસારિક સ્વરૂપ સાથે સંકળાયેલાં જન્મમરણ, જરા અને વ્યાધિનાં દુઃખો તો ક્યારેય ભોગવવાં પડતાં નથી; એટલું જ નહિ પણ તેના દિવ્ય અને શાશ્વત આનંદમાં ક્યારેય ઓટ આવતી નથી, નિરંતર ભરતી જ આવ્યા કરે છે.૩૭ છે. પરમાત્માના નિર્ગુણ સ્વરૂપનું વર્ણન કરતી વખતે આપણે જોઈ ગયાં કે પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આપણે એ જોઈ ગયાં કે હિન્દુ ધર્મમાં જીવાત્માને પણ ત્રણ પ્રકારના દેહ અને ત્રણ પ્રકારની અવસ્થાઓથી સંપૂર્ણપણે પર અને સચ્ચિદાનંદ સ્વરૂપ માનવામાં આવ્યો છે. આથી સ્વાભાવિક રીતે આ પ્રશ્ન ઊઠે છે કે “મોક્ષાવસ્થામાં જ્યારે જીવાત્મા પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે ત્યારે તે પરમાત્મા જ બની જાય છે કે તેનાથી જુદો રહે છે?” જીવાત્માના મૂળ સ્વરૂપ અને પરમાત્મા વચ્ચે અભેદ છે એમ શંકરાચાર્ય જેવા અદ્વૈતવાદી વેદાંતીઓ માને છે, જ્યારે તેમની વચ્ચે ભેદ છે એમ મખ્વાચાર્ય જેવા દ્વૈતવાદી વેદાંતીઓ માને છે. વેદાંતના વિવિધ આચાર્યો વચ્ચે આ બાબતમાં મતભેદો પડ્યા છે તેનું મૂળ કારણ એ છે કે મોક્ષાવસ્થામાં જીવાત્માને પરમાત્મા સાથે જે સંબંધ હોય છે તે અલૌકિક અને સાક્ષાત અનુભવનો વિષય છે, લૌકિક વર્ણનનો નહિ. આમ છતાં જયારે તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે આપણા લૌકિક અનુભવમાંથી ઉપમાઓ લેવાનું અનિવાર્ય બને છે. એક જ પ્રકારના અનુભવનું વર્ણન જુદી જુદી ઉપમાઓને આધારે થતું હોવાથી વર્ણનોમાં જુદાપણું આવે છે ને મતભેદો ઊભા થાય છે. આ મતભેદોના નિરસનનો માર્ગ ચૈતન્ય મહાપ્રભુના “અચિંત્ય ભેદભેદ દર્શનમાંથી મળી રહે તેમ છે. ચૈતન્ય મહાપ્રભુના મત પ્રમાણે, મોક્ષાવસ્થામાં જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જે સંબંધ છે તે “અચિંત્ય' (ચિંતવન કે વિચાર દ્વારા બરાબર સમજી ન શકાય તેવો) છે અને “ભેદ તેમજ “અભેદ' બંનેને લગતો છે. આ અચિંત્ય ભેદભેદની સમજૂતી આપતાં આનંદશંકર ધ્રુવ લખે છે કે “પરમાત્મા સાથે જીવનો આશ્રયાશ્રિત અને ભેદભેદ સંબંધ છે : પરમાત્મા આશ્રય છે, જીવ આશ્રિત છે, પણ એ એવી નિકટ રીતે જોડાયેલા છે કે એમનો ભેદ છતાં અભેદ છે એમ કહી શકાય. એ અભેદ તે એવી રીતે કે જેમ મધુમક્ષિકા મધુ (પુષ્પરસ)થી ભિન્ન છે, છતાં એ મધુનું પાન કરી એનાથી ભરાય છે, એની સાથે તન્મય-અભિન્ન થાય છે, તેમ જીવાત્મા પરમાત્મના રસથી ભરાઈ પરમાત્મારૂપ બની જાય છે.”૩ આમ, વૈતવાદી તેમજ