________________ પ્રકરણ-૫ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય " - જયેન્દ્રકુમાર યાજ્ઞિક પ્રાસ્તાવિક : આગલા પ્રકરણમાં વર્ણવેલી જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગની કડક સાધના કરવાનું બહુજનસમુદાય માટે શક્ય નથી. આથી સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊઠે છે કે બહુજનસમુદાય માટેની હિન્દુ સાધનાનું સ્વરૂપ કેવું છે? આ પ્રશ્નના જવાબરૂપે હિન્દુ ધર્મશાસ્ત્રો એમ જણાવે છે કે દરેક હિન્દુએ નીતિનું પાલન કરવું જોઈએ અને ભક્તિ અને વૈરાગ્યની ભાવનાને પોષણ મળે તેવી કેટલીક ક્રિયાઓ કરવી જોઈએ. બહુજનસમુદાય માટેની આ હિન્દુ સાધનાનો પરિચય મેળવવા માટે આપણે અહીં 1. હિન્દુ ધર્મના નૈતિક સિદ્ધાંતો, 2. હિન્દુ ધર્મમાં ભક્તિભાવના ને તેની અભિવ્યક્તિ અને 3. હિન્દુ ધર્મમાં વૈરાગ્યભાવના ને તેની અભિવ્યક્તિ એ ત્રણ બાબતોની ક્રમશઃ સમજૂતી મેળવીશું. 1. હિન્દુ ધર્મના નૈતિક સિદ્ધાંતો : હિન્દુ ધર્મના નૈતિક સિદ્ધાંતોનો ખ્યાલ મેળવવા માટે આપણે અહીં આ ચાર બાબતોની સ્પષ્ટતા કરીશું: 1. ચાર પુરુષાર્થ, 2. વર્ણધર્મ, 3. આશ્રમધર્મ અને 4. સાધારણ ધર્મ. 1. ચાર પુરુષાર્થ : માણસ બુદ્ધિશીલ પ્રાણી છે અને તેથી એ જે કંઈ પ્રવૃત્તિ કરે તેનો કોઈક હેતુ હોય જ છે. જીવનની વિવિધ પ્રવૃત્તિઓના હેતુઓ કે જીવનધ્યેયોને હિન્દુ ધર્મમીમાંસકોએ ચાર ભાગમાં વહેચેલા છે. આ ચારમાંના પ્રત્યેકને પુરુષાર્થ કહે છે. આમ, પુરુષાર્થ એટલે જીવનધ્યેય. પુરુષાર્થ ચાર છે : 1. ધર્મ, 2. અર્થ, 3. કામ અને 3. મોક્ષ. 1. ધર્મઃ ધર્મ એટલે કર્તવ્યના પાલનથી પ્રાપ્ત થતો નૈતિક લાભ. પોતાના કર્તવ્યનું બરાબર પાલન કરનાર માણસ સદાચારી અને સદ્ગણી ગણાય છે. આમ, કર્તવ્યપાલનરૂપ સદાચારનું આચરણ કરવું અને તેને અનુરૂપ સદ્ગુણો કેળવવા એ હિન્દુ ધર્મની દષ્ટિએ માણસના જીવનનું એક ધ્યેય છે. જે માણસ આ ધ્યેયને સિદ્ધ કરે છે તે ધર્મ નામના પુરુષાર્થને સિદ્ધ કરે છે. એક પુરુષાર્થ તરીકે ધર્મનું એટલું બધું