________________ 62. જગતના વિદ્યમાન ધર્મો નિદિધ્યાસન કરવું જોઈએ. આ રીતે આત્માના સ્વરૂપનું જ્ઞાન વધુ ને વધુ સ્પષ્ટ અને નિશ્ચિત બનતું જાય છે અને આખરે એ જ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત્કાર એ ઇંદ્રિયો કે બુદ્ધિ વડે મળતું સામાન્ય જ્ઞાન નથી પણ અંતરાત્મામાં થતું પ્રત્યક્ષ દર્શન છે. આત્માનો સાક્ષાત્કાર થતાં જીવાત્મા તમામ કર્મબંધનોથી છૂટીને મોક્ષાવસ્થાને પામે છે. ગીતાકાર કહે છે કે “હે અર્જુન ! જેમ પ્રગટાવેલો અગ્નિ બળતણને બાળી નાખે છે તેમ જ જ્ઞાનરૂપી અગ્નિ બધાં કર્મોને બાળી નાંખે છે.”૪૭ એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે સામાન્ય માણસ માટે જ્ઞાનયોગની સાધના એ ઘણી “ધીમી અને કષ્ટપ્રદ ક્રિયા છે.”૪૮ કારણ કે તેમાં સંસારમાંથી નિવૃત્ત થઈને તેમજ સાધન-ચતુષ્ટયને સિદ્ધ કરીને, અંતરના ઊંડાણમાં જઈ અવ્યક્ત આત્માને પામવાનો પ્રયત્ન કરવાનો હોય છે. આથી જ ગીતામાં કહેવાયું છે કે, “અવ્યક્ત ચિત્ત ચોંટાડે, તેને ક્લેશ થતો વધુ; મહા પરિશ્રમે દેહી, પામે અવ્યક્તમાં ગતિ.” ઘણાયે જન્મને અંતે જ્ઞાની લે શરણું મુજ; સર્વ આ બ્રહ્મ' જાણે તે મહાત્મા અતિ દુર્લભ.”૪૯ 2. કર્મયોગઃ કર્મયોગની સાધના કરવી એટલે સમાજની તદ્દન નિઃસ્વાર્થભાવે સેવા કરવી. આપણે જોઈ ગયા કે વાસના કે કામના પૂરી કરવા માટે કરવામાં આવતાં કર્મોને લીધે માણસ જન્મમરણરૂપ સંસારચક્રમાં ફસાય છે. આથી ઊલટું, નિષ્કામભાવે કરવામાં આવેલાં કર્મો માણસને સંસારમાંથી મુક્ત કરી મોક્ષ અપાવે છે. ગીતામાં કર્મયોગનો જોરદાર ઉપદેશ આપવામાં આવેલો છે. ગીતાકારના મત પ્રમાણે સાધકે અકર્મમાં રાગ નહિ રાખવો જોઈએ; એટલે કે કર્મો કરવાનું નહિ છોડી દેવું જોઈએ, પણ કર્મના ફળની દૃષ્ટિ છોડી દેવી જોઈએ. કર્મફળની આશા વગર જગતની સેવા અર્થે અને પરમાત્માની પ્રસન્નતાર્થે કર્મો કરવા અને તેમાં સફળતા મળે કે નિષ્ફળતા એ બંનેમાં સમભાવ રાખવો એ જ શ્રીકૃષ્ણના મતે ખરો કર્મયોગ છે : “કર્મો જ અધિકારી તું, ક્યારેય ફળનો નહિ; મા હો કર્મફળ દષ્ટિ, મા હો રાગ અકર્મમાં. કર યોગે રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી; યશાયશ સમા માની-સમતા તે જ યોગ છે.”૫૦ ગીતાકારની દૃષ્ટિએ જે માણસ ફળની ઈચ્છાથી કર્મો કરે છે તે કૃપણ છે, દયાપાત્ર છે, કારણ કે તે ખરી રીતે તો પોતાનાં કર્મો દ્વારા પોતાના જ પગ પર કુહાડો મારે છે, પોતાને જ માટે બંધન ઊભું કરે છે. આનો અર્થ એ કે સમત્વબુદ્ધિવાળા નિષ્કામ કર્મયોગીમાં જ કર્મ કરવાનું ખરું કૌશલ્ય છે. ગીતાના શબ્દોમાં, સમતા એ જ કાર્યકુશળતા છે, કેમ કે સમત્વબુદ્ધિવાળા મુનિઓ કર્મથી ઉત્પન્ન થતાં ફળનો ત્યાગ કરીને જન્મબંધનમાંથી મુક્ત થઈ નિષ્કલંક પદ એવા મોક્ષને પામે છે.”૫ર