________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો 63 કર્મયોગના મૂલ્યાંકન અંગે એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે જ્ઞાનયોગની સાધના કરતાં કર્મયોગની સાધના પ્રમાણમાં સરળ છે અને તેમાં પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગનો સમન્વય છે, કારણ કે નિષ્કામ કર્મયોગી સંસારમાં રહે છે પણ સંસારનો હોતો નથી. આના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે વૈરાગ્યશીલ માણસ જ કર્મયોગની સાધના કરી શકે છે. 3. ભક્તિયોગ : ભક્તિયોગની સાધનામાં પરમાત્માની શરણાગતિ સ્વીકારી તેમની અનન્યભાવે ભક્તિ કરવાની હોય છે. પરમાત્માની ભક્તિ કરવી એટલે તેમના અપાર સ્નેહનો અનુભવ કરવો. આ પ્રકારની ભક્તિ તો જ શક્ય બને કે જો સાધક શ્રદ્ધાળુ, સદાચારી અને વૈરાગ્યશીલ હોય, એટલે કે ભક્તિયોગના સાધકે એવી શ્રદ્ધા હોવી જોઈએ કે પરમાત્મા સર્વશક્તિમાન્ન, સર્વવ્યાપક અને સર્વજ્ઞ હોવા ઉપરાંત શરણાગત પ્રતિપાલક, પતિતપાવન અને ભક્તવત્સલ પણ છે. આવી શ્રદ્ધાના ઉદય માટે સાધકનાં શરીર અને મન નૈતિક દૃષ્ટિએ અતિશય શુદ્ધ હોય એ આવશ્યક છે, કારણ કે વિચાર અને આચારની શુદ્ધિ એ સાચી શ્રદ્ધાના ઉદયની પહેલી શરત છે. પરમાત્મા પરની સાચી શ્રદ્ધા માટે જરૂરી એવી નૈતિક શુદ્ધિ તો જ ટકી શકે કે જો સાધક વૈરાગ્યશીલ હોય. આમ, પરમાત્માનાં ઐશ્વર્ય અને પ્રેમનું જ્ઞાન, નીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો જ પરમાત્માની અનન્ય ભાવવાળી કે એકાંતિક ભક્તિ શક્ય બને છે. એકાંતિક ભક્તની સ્થિતિ અને પ્રાપ્તિ વિશે ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે “જે પ્રાણીમાત્ર પ્રત્યે દોષરહિત, સર્વનો મિત્ર, દયાવાન, ક્ષમાવાન, અહંતા-મમતારહિત, સુખ-દુઃખને વિષે સરખો, સદાય સંતોષી, યોગયુક્ત, ઇન્દ્રિયનિગ્રહી, દઢ નિશ્ચયવાળો છે, અને મારે વિષે જેણે પોતાનાં બુદ્ધિ ને મન અર્પણ કર્યા છે, એવો મારો ભક્ત મને પ્રિય છે.”૫૩ “હું કેવડો અને કોણ છું એ ભક્તિ વડે યથાર્થ જાણે છે અને મને એમ યથાર્થપણે જાણીને મારામાં પ્રવેશ કરે છે. મારો આશ્રય લેનાર સદા સર્વ કર્મ કરતો છતો મારી કૃપા વડે શાશ્વત અવ્યય પદને પામે છે.”૫૪ ભક્તિયોગના મૂલ્યાંકનના સંદર્ભમાં એ સ્પષ્ટ કરવું ઘટે કે ભક્તિમાર્ગ એ રાજમાર્ગ છે એટલે કે ભક્તિમાર્ગની સાધના સર્વદેશી છે. કોઈ પણ પ્રકારનો માણસ કોઈ પણ પરિસ્થિતિમાં ભક્તિ કરી શકે છે. આમ, ભક્તિ સર્વસુલભ અને સુગમ વસ્તુ છે. આમ છતાં ઉત્તમોત્તમ ભક્તિભાવની અનુભૂતિ દુર્લભ રહેતી હોય તો તેનું કારણ માનવસ્વભાવમાં રહેલી અહંકારી જડતા જ છે.