________________ 58 જગતના વિદ્યમાન ધર્મો કર્મ પ્રમાણે ફળ આપવાની ક્રિયા પણ અહેતુકી કૃપાનું જ પરિણામ છે. આમ, જો જગત પરનું નૈતિક શાસન એ ઈશ્વરની કૃપાને જ આભારી હોય તો કર્મનો નિયમ અને ઈશ્વરની કૃપા વચ્ચે વિરોધ છે એવી મૈકનિકૉલ જેવા હિન્દુધર્મના અભ્યાસીઓએ કરેલી વાત બિલકુલ વાહિયાત ઠરે છે. જીવાત્મા અને પરમાત્માના કૃપામૂલક પ્રેમસંબંધ અંગે એ વાત પણ નોંધપાત્ર છે કે ગીતામાં તો શ્રીકૃષ્ણ ત્યાં સુધી કહ્યું છે કે “જે લોકો અનન્ય ભાવે મારું ચિંતવન કરતાં મને ભજે છે તે નિત્ય મારાં જ રત રહેલાના યોગક્ષેમનો ભાર હું ઉઠાવું છું.”૩૩ 2. જીવાત્માનું મૂળ સ્વરૂપ : જીવાત્માના સાંસારિક સ્વરૂપને સમજવા માટે આપણે જીવાત્માનાં શરીર, મન અને નૈતિક ચારિત્ર્યનું વર્ણન કર્યું. જીવાત્મા મૂળ સ્વરૂપે આ બધાથી જુદો અને પર છે. જો જીવાત્મા પોતાના શરીર, મન વગેરેથી જુદો ન હોય તો તે “મારું શરીર', “મારું મન વગેરે શબ્દપ્રયોગોવાળી ભાષા વાપરી શકે નહિ. આમ, જીવાત્મા શરીર, મન વગેરેમાં વ્યાપેલો હોવા છતાં અને તેમના સ્વરૂપને જાણતો હોવા છતાં તે તેમનાથી જુદો અને પર છે. અર્થાત્ મૂળ સ્વરૂપે જીવાત્મા ત્રણ દેહ, ત્રણ અવસ્થા અને પાપપુણ્યના સંસ્કાર એ બધાથી પર કેવળ સચ્ચિદાનંદ કે બ્રહ્મસ્વરૂપ છે. જીવાત્મા સત્ સ્વરૂપ છે, કારણ કે તે અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાતન છે, શરીર હણાયાથી તે હણાતો નથી.”૩૪ જીવાત્મા જ્ઞાનસ્વરૂપ છે, કારણ કે તે પોતાની જ્ઞાનશક્તિ વડે સમગ્ર શરીરમાં વ્યાપેલો છે અને શરીર, ઇન્દ્રિયો, મન વગેરેનું જ્ઞાન ધરાવે છે. જીવાત્મા આનંદસ્વરૂપ છે, કારણ કે સુષુપ્તિ અવસ્થામાં જ્યારે તે સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીરોથી રહિત હોય છે ત્યારે તે પોતાના સ્વરૂપાનંદની ઝાંખી કરે છે. સંસારમાં ભટક્તા જીવાત્માને પોતે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એવું જ્ઞાન નથી તેનું કારણ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ છે. આ આસક્તિ (કામના)ને કારણે જીવાત્મા મોહમાં ફસાય છે અને તે શરીર, ઇન્દ્રિયો અને મનને જ પોતાનું રૂપ સમજી તેમના લાલનપાલનમાં રત રહે છે અને પરિણામે તેને પોતાના મૂળ સચ્ચિદાનંદ સ્વરૂપનું જ્ઞાન થતું નથી. ગીતામાં આ વાત ઘણી અસરકારક રીતે કહેવાઈ છે : “ધુમાડે અગ્નિ ઢંકાય, રજે ઢંકાય દર્પણ, ઓરથી ગર્ભ ઢંકાય, તેમ જ જ્ઞાન કામથી. કામ રૂપી મહાઅગ્નિ, તૃપ્ત થાય નહિ કદી, તેનાથી જ્ઞાન ઢંકાયું, જ્ઞાનીનો નિત્ય શત્રુ તે.”૩૫ 3. જીવાત્માનો મોક્ષ : જીવાત્માને તેના મૂળ સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તે તેના સાંસારિક સ્વરૂપનાં વળગણો-ત્રણ પ્રકારનાં શરીર, ત્રણ અવસ્થાઓ અને જુદા જુદા વિષયભોગની કામનાઓ અને એ કામનાઓને કારણે થતાં કર્મો અને તેને