________________ 56 જગતના વિદ્યમાન ધર્મો તો પોતાની પ્રકૃતિ સામે લડીને પોતાની સ્વતંત્ર સંકલ્પશક્તિ વડે એવા કર્મો કરી શકે છે કે જેના પરિણામે તેની પ્રકૃતિ તામસિક મટીને સાત્વિક બની શકે. કર્મનો નિયમ અને પુનર્જન્મનો સિદ્ધાંત : જીવાત્માના સાંસારિક સ્વરૂપનું નૈતિક દષ્ટિએ વર્ણન કરતાં આપણે જોયું કે જીવાત્માને પોતાનાં કાયિક, વાચિક અને માનસિક પુણ્યકર્મ કે પાપકર્મોનું યોગ્ય ફળ ભોગવવું પડે છે. જે નિયમ અનુસાર આમ બને છે તેને કર્મનો નિયમ કહે છે. જેવી રીતે પાણીમાં મીઠું મૂકવામાં આવે તો તે ઓગળી જાય એવો ભૌતિકજગતનો કાર્યકારણ નિયમ છે તેવી રીતે કર્મનો નિયમ એ નૈતિક જગતનો કાર્યકારણ નિયમ છે. કર્મનો નિયમ જણાવે છે કે જીવાત્માએ કરેલું કોઈ પણ કર્મ એળે જતું નથી (“કૃતનાશ'૨૫ નથી, કર્યું ક્યાંય જતું. નથી), એટલું જ નહિ, કોઈ પણ જીવાત્માને જે કોઈ સંયોગો કે અનુભવો પ્રાપ્ત થાય છે તે તેણે પોતે ભૂતકાળમાં કરેલાં કર્મોને આભારી હોય છે. એટલે કોઈ પણ જીવાત્માને અન્ય જીવાત્માએ કરેલાં કર્મોનું ફળ ભોગવવું પડતું નથી (‘અકૃતામ્યુપગમ” નથી, નહિ કરેલું ભોગવવાનું આવતું નથી). હિન્દુ ધર્મમાં કર્મના નિયમની સાથે પુનર્જન્મનો સિદ્ધાંત સાંકળી લેવામાં આવ્યો છે. આ જન્મમાં માણસને જે પ્રકારના ભૌતિક સંયોગો અને માનસિક સુખદુઃખ થાય છે તે બધાનું કારણ તેણે આ જન્મમાં જ કરેલાં કર્મો હોતાં નથી. તે જ રીતે માણસ આ જન્મમાં જે કર્મો કરે તે બધાંનાં ફળ તેને આ જ જન્મમાં મળી જતાં નથી. આમ, આ જન્મ પહેલાં પણ માણસનો જન્મ હતો અને એ પૂર્વભવનાં કેટલાંક કર્મોનું ફળ તેને આ જન્મમાં મળે છે અને આ જન્મ પછી પણ માણસને જન્મ હશે ને તે આગલા ભવમાં તેને આ જન્મે કરેલાં કર્મોનો યોગ્ય બદલો મળશે. આમ, કર્મના નિયમનો ખુલાસો કરતી વખતે પુનર્જન્મના સિદ્ધાંતની જરૂર પડતી હોઈ, હિન્દુ ધર્મનાં લગભગ બધાં દર્શનોમાં આ બંનેનો એકસાથે વિચાર કરી કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત'નું પ્રતિપાદન કરવામાં આવે છે. કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંત પ્રમાણે, ભૂતકાળમાં જીવાત્માના અનેક જન્મો થયેલા છે અને જ્યાં સુધી તે જુદી જુદી વાસનાઓના સંતોષ માટે કર્મો કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી એ કર્મોનાં ફળ ભોગવવા માટેની જન્મ-મરણરૂપ જંજાળ તેને માટે ચાલુ રહેશે. આમ, કામના કે વાસનાનો ત્યાગ એ આ જંજાળમાંથી છૂટવાનો ઉપાય છે. છોડીને કામના સર્વ ફરે જે નર નિઃસ્પૃહ, અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ ભારત.”૨૭ સામાન્ય રીતે કામના અને અહંતા-મમતાનો ત્યાગ એક જન્મની સાધનાથી થઈ શક્તો નથી. પણ જો જન્મોજન્મ સાધનાનું સાતત્ય ચાલુ રહે તો જીવાત્મા અનેક જન્મને અંતે જન્મમરણરૂપી જંજાળમાંથી છૂટી પોતાના મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. ખંતથી કરતો યત્ન દોષોથી મુક્ત તે થઈ, ઘણા જન્મ થઈ સિદ્ધ યોગી પામે પરંગતિ.”૨૮