________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો સામાન્ય રીતે માણસની સાધના અનેક જન્મે ફળે છે એમ કહેવાનો અર્થ એ નથી કે જીવાત્મા માટે અનેક જન્મો અનિવાર્ય છે. જો જીવાત્મા દઢ સંકલ્પ અને પ્રબળ પુરુષાર્થ કરે તો તે આ ને આ જન્મ પણ કર્મબંધન અને જન્મમરણના ફેરામાંથી છૂટી પોતાના મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકે છે. ગીતામાં કહ્યું છે કે, “મોટો દુરાચારી પણ જો મને અનન્ય ભાવે ભજે તો તે સાધુ થયો જ માનવો, કેમ કે હવે એનો સારો સંકલ્પ છે. એ તુરંત ધર્માત્મા થાય છે ને નિરંતર શાંતિ પામે છે.”૨૯ જીવાત્મા અને પરમાત્માનો સંબંધઃ હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે જીવાત્માને પરમાત્માનું અવલંબન છે, જ્યારે પરમાત્મા જીવાત્માથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. પ્રત્યેક જીવાત્મામાં પરમાત્મા અંતર્યામીરૂપે વસેલો છે અને એ પરમાત્માની અંતર્યામી શક્તિને લીધે જ જીવાત્માનું અસ્તિત્વ, જ્ઞાન અને ક્રિયા શક્ય બને છે. ગીતામાં કહ્યું છે કે, “વસીને સર્વભૂતોનાં હૃદયે પરમેશ્વર, માયાથી ફેરવે સૌને, જાણે યંત્ર પર ધર્યા.”૩૦ એટલે કે જેવી રીતે કોઈ યંત્ર વીજળી કે તેના જેવી બીજી કોઈ શક્તિથી ચાલે છે તેવી રીતે જીવાત્માનો બધો વ્યવહાર પરમાત્માની અંતર્યામી શક્તિથી ચાલે છે. ફરક માત્ર એટલો છે કે યંત્રોને જેમ ચલાવવામાં આવે છે તેમ ચાલે છે, જ્યારે જીવાત્મા પરમાત્માની શક્તિનો ઉપયોગ કરીને પોતાના સ્વતંત્ર સંકલ્પથી સારાં કે નરસાં કર્મોમાં પ્રવૃત્ત થઈ શકે છે. જીવાત્માએ પોતે સ્વતંત્ર રીતે કરેલાં કર્મો માટે જીવાત્મા જવાબદાર છે અને તેથી પરમાત્મા તેને તે મુજબનું ફળ આપે છે. આમ, પરમાત્મા એ જીવાત્માનો અંતર્યામી શક્તિદાતા હોવા ઉપરાંત કર્મફળપ્રદાતા પણ છે. પરમાત્મા કર્મફળપ્રદાતા છે એમ કહેવાનો અર્થ એ નથી કે એ માત્ર તટસ્થ ન્યાયાધીશ તરીકે વર્તનારો રાજાધિરાજ છે. પરમાત્માનો જીવાત્મા સાથેનો સંબંધ માતાપિતાનો સંતાનો સાથે કે પ્રેમીજનોનો પ્રિય પાત્રો સાથે હોય તેવો પણ છે. જે જીવાત્મા પોતાનાં કુકર્મો અંગે હૃદયપૂર્વક પશ્ચાત્તાપ કરે છે અને પોતાની નૈતિક શુદ્ધિ માટે નિષ્ઠાભર્યા પ્રયત્નો કરે છે તેને પરમાત્મા માફી આપે છે અને કુકર્મોનાં માઠાં ફળથી બચાવી લે છે. આ રીતની કૃપા કરવામાં ઈશ્વર પક્ષપાત નથી કરતો, કારણ કે હૃદયપૂર્વકનો પશ્ચાત્તાપ અને નૈતિક શુદ્ધિ માટેના નિષ્ઠાભર્યા પ્રયત્નો પણ એક જાતના કર્મો જ છે. રાજગોપાલાચારીના શબ્દોમાં કહીએ તો, “પાપકર્મની જેમ પસ્તાવો પણ કર્મ છે અને તે નજીકના ભૂતકાળ પરના આત્માના વિજયનું દ્યોતક છે.”૩૧ જીવાત્માનાં આવાં કર્મને ધ્યાનમાં લઈને પ્રેમાળ પરમાત્મા આગલાં કુકર્મોની માફી આપવાની કૃપા કરે તો તેમાં પક્ષપાતનો દોષ આવતો નથી. ખરી રીતે જોતાં કુકર્મોની માફી આપે ત્યારે જ નહિ પણ માફી ન આપે ત્યારે પણ પરમાત્માની જીવાત્મા પર કૃપા તો વરસતી જ હોય છે, કારણ કે નિત્યતૃપ્ત એવા પરમાત્મા માટે