________________ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો 45 કેવળ અનુવાદથી ચલાવી લેવું પડે. આથી ઊલટું, વચનામૃતો રૂપે, આખ્યાનો રૂપે કે ભજનો રૂપે મળતી સંતવાણી લોકભાષામાં જ હોય છે અને તેથી લોકોને તેમાંથી ધાર્મિક જીવનને લગતું માર્ગદર્શન અને પ્રેરણા સરળતાથી મળી રહે છે. આ ઉપરાંત સંતોની વાણી જે તે જમાનાની વાણી હોય છે તેમજ તેમાં જીવનના અનુભવનો સાચો અર્ક હોય છે. આને લીધે પણ સંતોની વાણી પરોક્ષ શાસ્ત્રોના ઉપદેશ કરતાં વધારે પ્રસ્તુત અને ચોટદાર બની રહે છે. આથી જ હિન્દુ ધર્મમાં જુદા જુદા પ્રાંતોની લોકભાષામાં લખાયેલી સંતોની અનુભવવાણીને સંસ્કૃતમાં લખાયેલા બીજા શાસ્ત્રગ્રંથો જેટલી જ પવિત્ર અને પ્રમાણભૂત ગણવામાં આવે છે. ભારતવર્ષના પ્રાંતે પ્રાંતે થઈ ગયેલા, સંતવાણીરૂપ શાસ્ત્રોના રચયિતા સંતપુરુષોમાં રામાનંદ, કબીર, નાનક, દાદુ, તુલસીદાસ, સુરદાસ, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ, રામદાસ, અખો, નરસિંહ મહેતા, મીરાંબાઈ, શ્રી સ્વામિનારાયણ, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ અને વિનોબા ભાવેનાં નામો ઇતિહાસપ્રસિદ્ધ છે. ઉપર્યુક્ત સંતોનાં વચનામૃતો, કથામૃતો, ઉપનિષદૂ, ગીતા, ભાગવત વગેરે પરનાં પ્રવચનો તેમજ ભજનોમાંથી અનેક હિન્દુ સાધકોને ઉત્તમોત્તમ ધાર્મિક જીવન માટેની પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે છે એ હકીકતને અનુલક્ષીને પ્રો. મહાદેવને યથાર્થ જ લખ્યું છે કે “જો હિન્દુ ધર્મના હાર્દભૂત સિદ્ધાંતોએ આ વિશાળ દેશના છેલ્લામાં છેલ્લા અને નીચામાં નીચા માણસના ઘરની અંદર ઉખેડી ન શકાય એટલી ઊંડી જડ ઘાલી હોય તો તેમાં લોકોની ભાષામાં લખાયેલાં ભક્તિપ્રધાન કાવ્યો (ભજનો)નો ફાળો નાનોસૂનો નથી.” આ બધાં વચનામૃતો અને ભજનોને “વેદ”ને નામે ઓળખી શકાય. “કારણ કે શું વેદે પોતે જ એવી ઘોષણા નથી કરી કે વેદો ઘણા છે, અનંત છે (નંતા વૈ વેવાદ) 242