________________ પ્રકરણ-૪ હિન્દુ ધર્મના તાત્વિક સિદ્ધાંતો - જયેન્દ્રકુમાર યાજ્ઞિક 1. પરમાત્માનું કે ઈશ્વરનું સ્વરૂપઃ હિન્દુ ધર્મમાં પરમાત્માનાં બે સ્વરૂપ સ્વીકારવામાં આવ્યાં છે : ૧.સગુણ અને ૨.નિર્ગુણ. આ બંને સ્વરૂપ એક જ પરમાત્માનાં છે અને તેથી પરમાત્માના સ્વરૂપનો સંપૂર્ણ ખ્યાલ મેળવવા માટે આ બંને વિષે સ્પષ્ટતા કરવાની આવશ્યક્તા છે. 1. પરમાત્માનું સગુણ સ્વરૂપઃ પરમાત્માના સગુણ સ્વરૂપનું નામ “ભગવાન” છે. ભગવાન એટલે પરમ પવિત્ર અને ઐશ્વર્યવાન. એનાં ઐશ્વર્યોનું સંક્ષેપમાં વર્ણન કરવું હોય તો કહી શકાય કે તે સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છે અને સર્વજ્ઞ છે. પરમાત્મા સર્વશક્તિમાન છે એમ કહેવાનો માત્ર એટલો જ અર્થ નથી કે તેની શક્તિને કોઈ મર્યાદા નથી. પરમાત્માના સર્વશક્તિમાનપણાનો અર્થ એવો પણ થાય છે કે આ જગતમાં જ્યાં જ્યાં જે જે પ્રકારની શક્તિ દેખાય છે તે બધી પરમાત્માની જ છે. આથી જ પરમાત્મા કે પુરુષોત્તમ ગીતામાં સ્પષ્ટ કહે છે કે, જે કોઈ સત્ત્વમાં કાંઈ લક્ષ્મી,વીર્ય, વિભૂતિ વા, જાણ તે સઘળું મારા તેજના અંશથી થયું." સર્વશક્તિમાન હોવા ઉપરાંત પરમાત્મા સર્વવ્યાપી છે. અર્થાત્ તે સર્વનો અંતર્યામી અને નિયામક છે. ગીતાકારના શબ્દોમાં કહીએ તો, પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી હું પ્રાણીઓને ધારણ કરું છું, અને રસો ઉત્પન્ન કરનાર ચન્દ્ર થઈ બધી વનસ્પતિઓનું પોષણ કરું છું. જઠરાગ્નિ બની પ્રાણીઓના દેહનો આશ્રય લઈ હું પ્રાણ અને અપાન વાયુ વડે ચારે પ્રકારનું અન્ન પચાવું છું. હું બધાંના હૃદયને વિષે રહેલો છું.” સર્વશક્તિમાન, સર્વાન્તર્યામી અને સર્વનિયામક પરમાત્મા સર્વજ્ઞ તો હોવા જ જોઈએ, કારણ કે જે સર્વજ્ઞ ન હોય તે સર્વના અંતરમાં રહીને સર્વનું નિયમન કેવી રીતે કરી શકે? સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને સર્વજ્ઞ પરમાત્મા તમામ મૂલ્યોનું અધિષ્ઠાન છે. એટલે કે સત્યમ્, શિવમ્ અને સુંદરમ્ જેવા ગુણો તેનામાં પરિપૂર્ણ