________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો પ૩ ઉપસંહાર : પરમાત્માના સગુણ અને નિર્ગુણ સ્વરૂપના ઉપર્યુક્ત વર્ણનના અનુસંધાનમાં એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે પરમાત્મા બે છે - એક સગુણ અને બીજા નિર્ગુણ - એવી હિન્દુ ધર્મની માન્યતા નથી. પરમાત્મા એક જ છે. જ્યારે એ પરમાત્માનો વિચાર જગતના સંદર્ભમાં કરવામાં આવે છે ત્યારે તેના સગુણ અને અંતર્યામી સ્વરૂપ પર ભાર મૂકવામાં આવે છે અને જ્યારે આ જગતથી નિરપેક્ષ રીતે પરમાત્માનો વિચાર કરવામાં આવે છે ત્યારે તેના નિર્ગુણ અને પર સ્વરૂપ પર ભાર મૂકવામાં આવે છે. આમ, સગુણ અને નિર્ગુણ, અંતર્યામી અને પર, એ બંને એક જ પરમાત્માનાં બે સ્વરૂપો છે. અને તેથી તેમની વચ્ચે કોઈ દૈત નથી. પરમાત્માનું સ્વરૂપ જ એવું અલૌકિક છે કે તેઓ આ જગતમાં વ્યાપ્ત હોવા છતાં તેનાથી સંપૂર્ણપણે પર પણ રહી શકે. ગીતાકારના શબ્દોમાં : “મેં જ મારા અવ્યક્ત સ્વરૂપથી આ આખું જગત વ્યાપ્યું છે. મારામાં - મારે આધારે સર્વ પ્રાણી છે : હું તેમને આધારે નથી.” અને તેથી “પ્રાણીઓ મારામાં નથી એમ પણ કહેવાય. એ મારું યોગબળ તું જો.”૧૮ 2. જીવાત્માનું સ્વરૂપ અને તેનો પરમાત્મા સાથેનો સંબંધ H હિન્દુ ધર્મની દષ્ટિએ શરીર, મન અને આત્મા (જીવાત્મા) જુદાં છે અને તેથી શરીર અને મનના બંધનમાં રહેવું એ જીવાત્માનો મૂળ સ્વભાવ નથી. જો કે તેની સાંસારિક કે બદ્ધાવસ્થા દરમિયાન જીવાત્મા શરીર અને મન સાથે અનિવાર્યપણે સંકળાયેલો રહે છે. આમ, જીવાત્માના સ્વરૂપનો સંપૂર્ણ ખ્યાલ મેળવવા માટે 1. જીવાત્માનું સાંસારિક સ્વરૂપ અને 2. જીવાત્માનું મૂળ સ્વરૂપ એ બંનેનો વિચાર કરવાનું આવશ્યક બને છે. 1. જીવાત્માનું સાંસારિક સ્વરૂપઃ સંસારમાં ભટકતા જીવનું સ્વરૂપ સમજવા માટે હિન્દુ ધર્મમાં તેનો શારીરિક, માનસિક અને નૈતિક એ ત્રણ દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. 19 જીવાત્માનું શારીરિક સ્વરૂપ : શારીરિક દૃષ્ટિએ વિચારતાં હિન્દુ ધર્મતત્ત્વવેત્તાઓને એમ જણાય છે કે જીવાત્માને 1. શૂળ, 2. સૂક્ષ્મ અને 3. કારણ એ ત્રણ પ્રકારનાં શરીરો છે. સ્થૂળ શરીર પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતનું બનેલું છે. સ્થૂળ શરીર વડે જાગ્રતાવસ્થામાં જીવાત્મા આ જગતના વિવિધ પદાર્થોનો ઉપભોગ કરી શકે છે. મૃત્યુ વખતે જીવાત્મા મરતો નથી પણ તે આ સ્થળ શરીરને છોડી જાય છે. ગીતાકારની રીતે કહીએ તો આપણે જેમ પહેરેલું એક કપડું બદલીને બીજું ધારણ કરીએ છીએ તેમ જીવાત્મા એક સ્થૂળ શરીરને છોડીને બીજું સ્થળ શરીર ધારણ કરે છે. ત્યજી દઈ જીર્ણ થયેલ વસ્ત્રો, લે છે નવાં જેમ મનુષ્ય બીજાં; ત્યજી દઈ જીર્ણ શરીર તેમ, પામે નવાં અન્ય શરીર દેહી.૨૦