________________ 39 હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો મન યાજ્ઞવલ્કય, પરાશર વગેરે અનેક ધર્મજાગ્રત પુરુષોએ જુદાં જુદાં ધર્મશાસ્ત્રો રચ્યાં છે એ હકીકતનો થોડો ખુલાસો કરવો જરૂરી છે. હિન્દુ ધર્મમાં એમ સ્વીકારવામાં આવ્યું છે કે અમુક નૈતિક સિદ્ધાંતો શાશ્વત રીતે સત્ય હોવા છતાં એ નૈતિક સિદ્ધાંતોને અનુસરવા માટે માણસે પોતાના વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે એ બાબતનો કોઈ નિર્ણય આખરી હોતો નથી. આનું કારણ એ છે કે જુદા જુદા દેશકાળની જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે સદાચરણના નિયમોમાં જુદા જુદા ફેરફાર કરવાની જરૂર પડે છે. સદાચરણના નિયમોમાં આ રીતનો જરૂરી ફેરફાર કરવાનો અધિકાર કોનો? સામાન્ય માણસને આવો અધિકાર આપવામાં આવે તો તેનો દુરુપયોગ થાય અને સમાજમાં નૈતિક અંધાધૂંધી ફેલાય. આથી હિન્દુ ધર્મમાં આર્ષદૃષ્ટા ધર્મપુરુષને જ આવો અધિકાર આપવામાં આવ્યો છે. આવા અધિકારની રૂએ મનુ, યાજ્ઞવલ્કય, પરાશર વગેરે યુગપુરુષોએ ઈશ્વરપ્રેરણા અને અંતરાત્માના અવાજને અનુસરીને લોકોને યુગધર્મ સમજાવવા માટે, લોકોએ વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં પાળવાના નિયમો કે કાયદાઓની સ્પષ્ટતા કરવા માટે સ્મૃતિઓ કે ધર્મશાસ્ત્રોની રચના કરેલી છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે આ રીતે રચાયેલાં અનેક ધર્મશાસ્ત્રો એકબીજાથી મૂળભૂત રીતે જુદાં નથી. માનવસ્વભાવ એકસરખો રહેતો હોવાથી માનવસમાજને બધી પરિસ્થિતિમાં લાગુ પડે એવા કેટલાક મૂળભૂત નિયમો કે કાયદાઓ બધાં ધર્મશાસ્ત્રોમાં સમાનપણે જોવા મળે છે. આમ, કાળક્રમે જેમાં અનિવાર્યપણે ફેરફાર કરવો પડે તેવા નિયમોની બાબતમાં જ એક યુગનું ધર્મશાસ્ત્ર બીજા યુગના ધર્મશાસ્ત્રથી જુદું પડે છે. 3. ઈતિહાસોઃ સ્મૃતિઓ કે ધર્મશાસ્ત્રોમાં આપવામાં આવેલા સદાચરણના નિયમોનું જ્ઞાન બહુજનસમુદાય સુધી પહોંચાડવું હોય તો તેમને નૈતિક બોધ મળી રહે તેવી તેમજ વાસ્તવિક જીવનમાં માર્ગદર્શક થઈ પડે તેવી વાર્તાઓ કહેવી જોઈએ. મહાન પુરુષોનાં જીવનચરિત્રોને લગતી આ રીતની વાર્તાઓ દ્વારા સદાચરણનું જ્ઞાન આપનારાં હિન્દુ ધર્મશાસ્ત્રોને ઈતિહાસો કહે છે. આવા ઈતિહાસમાં 1. રામાયણ અને 2. મહાભારત એ બે મહાકાવ્યોનો સમાવેશ થાય છે. 1. રામાયણ : રામાયણના મૂળ લેખક આદ્યકવિ મહર્ષિ વાલ્મીકિ છે. તેમાં મર્યાદા પુરુષોત્તમ (સદાચરણના નિયમરૂપ ધર્મની મર્યાદામાં રહેનાર ઉત્તમ પુરુષ) સૂર્યવંશી રામની કથા છે. આનંદશંકર ધ્રુવ કહે છે તેમ રામાયણમાં “ગૃહધર્મ અને રાજધર્મનો ઉત્તમ ઉપદેશ છે. ઘરમાં સૌ કુટુમ્બીઓએ પરસ્પર કેવા સ્નેહથી વર્તવું જોઈએ એ જુદા જુદા દાખલા લઈને બતાવ્યું છે. પિતાના વચન ખાતર પુત્ર રામે વનવાસ સ્વીકાર્યો; પત્નીએ પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી થવું જોઈએ તેથી સીતાજી રામ સાથે વનવાસ ગયાં; ભાઈ લક્ષ્મણે વનમાં તેમજ રાવણ સામે યુદ્ધમાં