________________ 38 જગતના વિદ્યમાન ધમ વેદના ઉપર્યુક્ત ત્રણ વિભાગોના વિષયોના ઉપર આપેલા નમૂનાઓ જોતાં એ સ્પષ્ટ થશે કે ધાર્મિક જીવનનું લાગણીગત પાસું કે ભક્તિરૂપ અંગ વૈદિક સંહિતામાં વ્યક્ત થાય છે. બ્રાહ્મણગ્રંથો ધર્મના ક્રિયાપરક પાસા કે નૈતિક અંગને લગતા છે, જયારે આરણ્યકો તેમજ ઉપનિષદો દ્વારા ધાર્મિક જીવનના જ્ઞાનાત્મક પાસાને ન્યાય મળે છે. આમ, એ સ્પષ્ટ થાય છે કે પરિપૂર્ણ ધાર્મિક જીવનમાં ભક્તિ, કર્મ અને જ્ઞાન એ ત્રણેની આવશ્યકતા છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને વેદના આ ત્રણ વિભાગોની રચના થયેલી છે. આનંદશંકર ધ્રુવ કહે છે તેમ વેદમાં “મૂળ સંહિતા જ હતી. તથાપિ એમાં બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ ઉમેરી, સર્વને એકત્ર કરી, સર્વ એક વેદ યા શ્રુતિને નામે પરમ પ્રમાણ માનવામાં ઋષિઓએ ધર્મના તત્ત્વનું ઘણું ઊંડું જ્ઞાન દર્શાવ્યું છે કારણ કે એ ત્રણે ભાગને એકઠા કરીને લેતાં જ ધર્મનું પૂરેપૂરું સ્વરૂપ બંધાય છે. ધર્મનાં ત્રણ અંગો છે - ભક્તિ, કર્મ અને જ્ઞાન; અને તે, વેદના આ ત્રણ ભાગમાં ક્રમવાર પ્રતીત થાય છે.૨૨ 2. વેદાંગ અને સ્મૃતિઓઃ વેદાંગ અને સ્મૃતિઓનો સંક્ષિપ્ત પરિચય આપતાં આનંદશંકર ધ્રુવે લખ્યું છે: “વેદનો શુદ્ધ ઉપચાર કરવા માટે, એમાં બતાવેલી યજ્ઞની ક્રિયાઓ યોગ્ય રીતે કરવા માટે, વગેરે કામ સારુ કેટલાંક પુસ્તકો રચવામાં આવ્યાં તે “વેદાંગ” કહેવાય છે. “વેદાંગ એટલે વેદનાં અંગ યાને સાધન; વેદને મદદગાર થનારાં પુસ્તકો, વેદાંગ છ છે : 1. શિક્ષા (વેદના ઉચ્ચાર કરવાનું શીખવાર ગ્રંથ), 2. કલ્પ (યજ્ઞભાગની ક્રિયાઓનો વિધિ બતાવનાર ગ્રંથ), 3. વ્યાકરણ, 4. છન્દ, 5. જ્યોતિષ અને 6. નિરુક્ત (વેદના શબ્દોની વ્યુત્પત્તિ આપી એના અર્થ કરવાની રીત બતાવનાર ગ્રંથ).”૨૩ “સર્વ વેદાંગોમાં “કલ્પ યાને કલ્પસૂત્ર એ મુખ્ય છે. “કલ્પ એટલે ક્રિયા અથવા વિધિ; અને “સૂત્ર” એટલે અલ્પાક્ષરી વાક્યો. કલ્પસૂત્રના ત્રણ વર્ગ પાડવામાં આવે છે : શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર અને ધર્મસૂત્ર. શ્રૌતસૂત્રમાં શ્રુતિમાં કહેલી યજ્ઞની ક્રિયાઓ શી રીતે કરવી એ બતાવેલું હોય છે. ગૃહ્યસૂત્રમાં ઘરમાં કરવાની ધાર્મિક ક્રિયાઓનો તથા ઉપનયન-વિવાહાદિ સંસ્કારોનો વિધિ બતાવેલો છે. ધર્મસૂત્રમાં, મુખ્યત્વે કરીને, બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણોના તથા બ્રહ્મચારી, ગૃહસ્થ વગેરેના આશ્રમોના ધર્મોનું તેમજ વારસો, લેણદેણ વગેરે દુનિયાના વ્યવહાર તથા કાયદાને લગતી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે.૨૪ ધર્મસૂત્રોમાંથી આગળ જતાં વિશાળ સ્મૃતિઓ રચાઈ. સ્મૃતિઓ ઘણી છે, પણ તે સર્વમાં મનુ, યાજ્ઞવલ્કય અને પરાશરની સ્મૃતિઓ મુખ્ય અને વિશેષ જાણીતી છે.”૨૫ પ્રત્યેક સ્મૃતિમાં વ્યક્તિગત તેમજ સામાજિક વ્યવહારને લગતા નિયમો કે કાયદાઓ આપેલા હોય છે. આ નિયમો કે કાયદાઓ પ્રમાણે વ્યવહાર કરવાનો ધર્મ સૌ કોઈને પ્રાપ્ત થતો હોઈ સ્મૃતિને “ધર્મશાસ્ત્રને નામે પણ ઓળખવામાં આવે છે.