________________ પ્રકરણ-૨ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ - જયેન્દ્રકુમાર યાજ્ઞિક 1. ધર્મનું એકત્વ અને ધર્મોની અનેકતા પહેલા પ્રકરણમાં ધર્મ કે ધાર્મિક જીવન અંગે આપણે જે વિચાર કર્યો તે હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ કે જરથોસ્તી ધર્મને લગતો ન હતો પણ કોઈ પણ ધર્મમાં જોવા મળતા ધર્મના સર્વસામાન્ય સ્વરૂપને લગતો હતો. ધર્મનું મૂળતત્ત્વ કે સ્વરૂપ એક હોવા છતાં જગતમાં ફક્ત એક જ ધર્મ નથી. પૃથ્વી પરના જુદા જુદા દેશો, માનવઇતિહાસના જુદા જુદા યુગો, અને માનવસ્વભાવના જુદા જુદા અંશોને કારણે ધર્મનું મૂળતત્ત્વ એક હોવા છતાં અનેક ધર્મો અને એ ધર્મોના પણ વિવિધ પંથો અને પેટાપંથો અસ્તિત્વમાં આવે છે. આ રીતે ઉદ્ભવતા જુદા જુદા “પંથો” કે “અનુગમોમાં જુદા જુદા ધર્મો' તરીકે ઓળખાય છે અને તેથી જ એમ કહેવાય છે કે “ધર્મ એક છે પણ ધર્મો અનેક છે.” ધર્મ એક છે પણ ધર્મો અનેક છે” એ કથનનો અર્થ સ્પષ્ટ કરવા માટે આપણે કેટલાંક ઉદાહરણો લઈશું. બીજી રીતે કહીએ તો, 1. જ્ઞાન, 2. ભક્તિ, 3. નીતિ અને 4. વૈરાગ્ય- એ ધાર્મિક જીવનનાં ચાર અંગોને અનુલક્ષીને એકનો એક ધર્મ અનેક રૂપો કઈ રીતે ધારણ કરે છે તે દર્શાવવાનો આપણે અનુક્રમે યત્ન કરીશું. 1. આપણે જોઈ ગયાં કે દરેક ધર્મના જ્ઞાનકાંડમાં પરમતત્ત્વનું સ્વરૂપ અને તેના જીવ અને જગત સાથેના સંબંધ અંગેની માન્યતાઓનો સમાવેશ થતો હોય છે. પરમતત્ત્વનું સ્વરૂપ અને તેના જીવ અને જગત સાથેના સંબંધ અંગે અનેક પ્રશ્નો ઉદ્દભવે છે, જેમાંના કેટલાક નીચે મુજબ છે : 1. પરમતત્ત્વ એક છે કે અનેક ? 2. પરમતત્ત્વમાં વ્યક્તિમાં હોય તેવા ગુણો છે કે નહિ ? અર્થાત તે સાકાર છે કે નિરાકાર ? સગુણ છે કે નિર્ગુણ ? 3. પરમતત્ત્વ આ જગતમાં અંતર્યામી છે કે તે આ જગતથી સંપૂર્ણપણે પર છે ? 4. પરમતત્ત્વ માણસના જીવ કે આત્માથી જુદું તત્ત્વ છે કે આત્મા અને પરમાત્મા એક જ છે ?