________________ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો 33 નહિ. એ દૂષણ નથી, પણ ભૂષણ છે. જગતના સર્વધર્મોમાં આ મુશ્કેલી એ એના જીવન્તપણાની જ નિશાની છે. પ્રકૃતિમાં જેમ વસ્તુ ઊંચી, તેમ એની સંઘટનામાં વધારે ઝીણવટ અને ગૂંચ વધારે તેમ એનું લક્ષણ બાંધવું વધારે મુશ્કેલ પડે છે. હિન્દુ ધર્મનું કોઈ એક સીધુંસાદું લક્ષણ આપી શકાય તેમ નથી એ હકીક્તને અનુલક્ષીને ડો. રાધાકૃષ્ણને હિન્દુ ધર્મનું નીચે પ્રમાણે વર્ણન કરેલું છે : સિંધુકાંઠાની પ્રાચીન સંસ્કૃતિના આચારવિચારથી માંડીને સદા બદલાતી આકાંક્ષાઓ ને ટેવો, કલ્પનાઓ ને રૂઢિઓનું જે જટિલ અને બહુરંગી પટોળું આજે જોવામાં આવે છે ત્યાં સુધીનો, જે વિકાસ છે તેનું નામ હિન્દુ ધર્મ છે.” સમાજની જુદી જુદી પરિસ્થિતિ અને વ્યક્તિની જુદી જુદી કક્ષાઓને અનુલક્ષીને અનેક રૂપે પ્રગટ થતા રહેલા હિન્દુ ધર્મે તેના મૂળ સિદ્ધાંતોને કાયમ માટે ટકાવી રાખ્યા છે. આથી જ તેનું “સનાતન ધર્મ એવું નામ સાર્થક છે. આમ, જેવી રીતે ભારતીય સંસ્કૃતિમાં અનેકતા છતાં એકતા રહેલી છે તેવી જ રીતે હિન્દુ ધર્મમાં પણ વિવિધ રૂપોની અંદર સનાતન સત્યોની એકતા જળવાઈ રહેલી છે. ડૉ. રાધાકૃષ્ણન્ યથાર્થ કહે છે કે “હિન્દુ ધર્મના વિવિધ, અને કેટલીક વાર એકબીજાનો વિરોધ કરતા સંપ્રદાયો તરફ નજર નાંખીએ, તો આપણને વિમાસણ થાય કે હિન્દુ ધર્મ એ અનેક ભિન્ન ભિન્ન ધર્મોનો શંભુમેળો તો નથી? પણ એ સંપ્રદાયોની પાછળ રહેલાં આત્મપરાયણ જીવન, ધર્મનિષ્ઠા અને પુરુષાર્થ તરફ ધ્યાન આપીએ, તો આપણને તેમાં એકસૂત્રતા જોવા મળે, ને કંઈક અકળ એવી એકરૂપતા જડી આવે."" આ અકળ એકરૂપતા કે હિન્દુ ધર્મનાં સનાતન સત્યોને કળવાના પ્રયત્નરૂપે આપણે અહીં ઈશાવાસ્ય ઉપનિષદ્રના પ્રથમ શ્લોકનું કથન અને વિવરણ કરીશું. આ શ્લોક અંગે ગાંધીજીએ એમ કહેવું છે કે હિન્દુ ધર્મનાં બધાં શાસ્ત્રો નષ્ટ થઈ જાય તો પણ જો હિન્દુઓને ઈશોપનિષદૂનો પહેલો જ શ્લોક બરાબર યાદ રહી ગયો હોય તો ફક્ત એ એક જ શ્લોકને આધારે હિન્દુ ધર્મ સદા જીવંત રહી શકે તેમ છે. આ શ્લોક નીચે પ્રમાણે છે : ॐ ईशा वास्यमिदं सर्वम् यत्किञ्च जगत्यां जगत् / तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्वनम् / / અર્થ : ઈશ્વર આ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. આ જગતના પ્રત્યેક પરિવર્તનશીલ અને નાશવંત પદાર્થોમાં ઈશ્વરનો વાસ છે. તેને ત્યાગીને ભોગવતો રહે. કોઈનાયે ધનનો લોભ રાખીશ નહિ. વિવરણ: ઈશ્વર એ એક જ આખરી અને પરમ સત્ તત્ત્વ છે. આ આખું જગત તેની જ અભિવ્યક્તિ છે. જગતના અણુએ અણુમાં એ વ્યાપેલો છે. આ જ્ઞાન