________________
મધ્યકાલીન કૃતિઓનાં શીર્ષક રચનામાં એકસૂત્રતા જોવા મળતી નથી. એક જ કૃતિ માટે બે ત્રણ શીર્ષક દર્શાવવામાં આવે છે. દા.ત. ઉદયરત્ન કૃતિ સ્થૂલિભદ્ર નવરસ-રાસ-સંવાદ. વિષયોને કેન્દ્રમાં રાખીને પણ શીર્ષક રચના થઈ છે. મેતારજ મુનિની સક્ઝાય, શાંતિનાથની આરતી, પાર્શ્વનાથ વિવાહલો, સ્થૂલભદ્ર ફાગુ વગેરે અહીં પ્રથમ શબ્દ વસ્તુપ્રધાન અને બીજો શબ્દ કાવ્યપ્રકાર સૂચવે છે. કાવ્ય પ્રકારો સાથે સંબંધ ધરાવતા શીર્ષકની પ્રથા સર્વસામાન્ય જોવા મળે છે. ગૌતમસ્વામીનો છંદ, વિમલ પ્રબંધ, હિતશિક્ષા રાસ, રૂષભગુણ વેલિ, પંચકલ્યાણક પૂજા વગેરે ઉદાહરણ પરથી શીર્ષક નિર્દેશની માહિતી પ્રાપ્ત થાય છે. વ્યક્તિવાચક અને તાત્ત્વિક વિષયોને સ્પર્શતા શીર્ષકનો પ્રયોગ થયો છે.
મધ્યકાલીન સાહિત્ય હસ્તપ્રતોમાં સંગ્રહિત થયું છે. હસ્તપ્રતો ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. કોબા, અમદાવાદ, દિલ્હી, જેસલમેર, પાટણ, ખંભાત, જયપુર, બિકાનેર, વડોદરા, લીંબડી વગેરે સ્થળોએ હસ્તપ્રતો સુરક્ષિત છે. મુદ્રણ કલાના વિકાસથી આ ક્ષેત્રમાં પણ થોડું સંશોધન થયું છે. આ સાહિત્ય સાધુ-કવિઓએ પોતાની જ્ઞાનોપાસનાના પરિપાકરૂપે સમયે સમયે આમજનતા સુધી પહોંચાડવા માટે ગુજરાતી ભાષામાં રચના કરી છે. બાલાવબોધ, કાવ્ય, પ્રશ્નોત્તર, અનુવાદ, વિવેચન વગેરે દ્વારા વિપુલ સાહિત્ય પ્રાપ્ત થાય છે. આ સમયના જાણીતા કવિઓમાં શ્રાવક કવિ રૂષભદાસ, ઉપા. યશોવિજયજી, યોગી મહાત્મા આનંદઘનજી, આ. હીરવિજયસૂરિ, ઉપા. વિનયવિજયજી, કવિ સમયસુંદરગણિ, કવિરાજ દીપવિજયજી (વડોદરા), કવિ પંડિત વીરવિજયજી, વિજય લક્ષ્મીસૂરિ, ઉદયરત્ન, જ્ઞાનવિમલસૂરિ, પદ્મવિજયજી, પૂ. દેવચંદ્રજી, ઉપા. સકળચંદ્ર, રૂપવિજયજી, મોહનવિજયજી, દેવચંદ્રજી, નયસુંદર, વિનયહર્ષ વગેરેનું સાહિત્ય નોંધપાત્ર છે.
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org