________________
મહાકાય દેશમાં અંદાજે ૨૦૦૦ જેટલા ધર્મો-મત-પંથો પ્રવર્તે છે ત્યારે અનેકાન્તવાદથી અન્ય ધર્મ-મત-પંથના વિચારોને સહિષ્ણુતાથી માનવા જોઈએ. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. સર્વધર્મ સમભાવ - ધાર્મિક સહિષ્ણુતાનું અનુસરણ કરવાથી રાષ્ટ્રની અને માનવ જાતની શાંતિ અને સલામતીનું રક્ષણ થશે. માણસ ધાર્મિક હોય તો તેનાથી કોઈ વાંધો નથી પણ ધર્મના નામે ઝનૂન અને કટ્ટરવાદી બની જાય છે ત્યારે સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વની શાંતિ જોખમાય છે. કોમી રમખાણોની શાંતિ-સલામતી- મોંઘવારી-હિંસા-આતંકવાદ જેવી સમસ્યાઓ ઉદ્ભવી છે માટે તેના સમાધાનમાં અનેકાન્તવાદથી વિચારવું જોઈએ. રાજકીય પક્ષાપક્ષીમાં જીવનની શાંતિ જોખમાય છે ત્યારે અનેકાન્તવાદથી નિષ્પક્ષ રીતે માનવ કલ્યાણની પ્રવૃત્તિને યોજનાઓને લક્ષમાં લેવી જોઈએ.
સત્તાની સાઠમારીમાંથી મુક્ત થઈને પ્રજાકલ્યાણની ભાવનાનો વિચાર કેન્દ્રસ્થાને રાખવો જોઈએ. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે અનેકાન્તવાદની વિચારધારાનું શિક્ષણ જરૂરી છે. શિક્ષણમાં ધર્મનાં મૂલ્યોનું સ્થાન અત્યંત જરૂરી છે. વ્યક્તિગત રીતે વિચારતાં જીવનમાં મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને મધ્યસ્થતા આ ચાર ભાવનાનો વિકાસ થવો જોઈએ. સમસ્યાઓનું સમાધાન જૈન ધર્મના મૂલ્યો દ્વારા સંપૂર્ણ શક્ય છે. જરૂર છે માત્ર માર્ગાનુસારીપણું, વિરતિધર્મ, તપ, ત્યાગ, સંયમ, અહિંસા, કર્મસત્તા, ચારભાવના, અનેકાન્તવાદ વગેરેનું શિક્ષણ અને આચરણ આવશ્યક છે. જીવનમૂલ્યો માત્ર આદર્શ નથી પણ વાસ્તવિક છે. એમ જૈન ધર્મના ઈતિહાસમાં અનેક દૃષ્ટાંત છે. એમ વિચારી મૂલ્યનિષ્ઠ જીવન જીવવું જોઈએ.
૨૨૨
Jain Education International
For Personal & Private Use Only
– ડૉ. કવીન શાહ
જ્ઞાનતીર્થની યાત્રા
www.jainelibrary.org