Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વિપ્રલંભ અને સંયોગરૂપ શૃંગાર રસરૂપ ભક્તિ હોય છે તેમજ પ્રસંગ અનુસાર વિવિધ રસોની સંકુલ અભિવ્યક્તિ થાય છે.
ભક્ત પરમાત્માનાં દર્શન કરવા ઇચ્છે છે, તેના સ્વરૂપને જાણવા ચાહે છે. ભક્ત જેમ જેમ પરમાત્મસ્વરૂપને જાણતો જાય છે, તેમ તેમ પોતાના આત્મા અને પરમાત્મા વચ્ચે પારમાર્થિક એકતાને ઓળખે છે અને તાત્ત્વિક એકતાની અનુભૂતિ પામે છે. આ ભક્તિમાં શાંતરસ મુખ્ય બને છે, તત્ત્વજ્ઞાન જેનો સ્થાયી ભાવ છે એવી આ શાંતરસની ભક્તિ તે જ બીજા અર્થમાં આત્મજ્ઞાન. ચોવીશીસ્વરૂપમાં આનંદઘનજી, દેવચંદ્રજી, પદ્મવિજયજી આદિ સર્જકોએ આત્મા અને જૈનદર્શનમાં દર્શાવેલી નિશ્ચયનય સ્વરૂપ એકતાને વિશેષરૂપે વર્ણવે છે, એ અર્થમાં તેમની ચોવીશીઓ જ્ઞાનપ્રધાન ચોવીશી છે.
કવિ ભક્તિભાવની અભિવ્યક્તિ કરતો પોતાના આરાધ્યદેવોના ચરિત્ર-સંકીર્તન તરફ પ્રેરાતો હોય છે. ચોવીશીમાં કેટલાક કવિઓએ ચોવીશીમાં ચરિત્રસંકીર્તનનો એક નિશ્ચિત ઢાંચો પસંદ કર્યો છે. આ કવિઓ પ્રત્યેક તીર્થકરોના જીવનની નિશ્ચિત વિગતોને કાવ્યસ્વરૂપ આપે છે. આવી મુખ્યત્વે નિશ્ચિત ઢબની રચનાઓને ચરિત્રપ્રધાન ચોવીશી' એ નામે વર્ગીકૃત કરવામાં આવી છે. ભાવવિજયજી, પદ્મવિજયજી, જ્ઞાનસારજી હરખચંદજી આદિ અનેક કવિઓની રચના ચરિત્રપ્રધાન સ્વરૂપની કહી શકાય.
આ વર્ગીકરણ અતિચુસ્ત સ્વરૂપનું નથી. જ્ઞાનપ્રધાન ચોવીશીરચનામાં પણ કેટલાંક સ્તવનો હૃદયના ભક્તિભાવને પ્રગટ કરતાં હોય. દા.ત, આનંદઘન ચોવીશીના તેરમા વિમલનાથ સ્તવનમાં ભક્તિભાવની પ્રબળપણે અભિવ્યક્તિ થઈ છે. એ જ રીતે ભક્તિપ્રધાન એવી ચોવીશીનાં પણ કેટલાંક સ્તવનો ચરિત્રપ્રધાન સ્વરૂપ ધરાવતાં હોય. ચોવીશી એ સ્તવનસમૂહ સ્તવનોના ગુચ્છ પ્રકારનું સ્વરૂપ છે. એક રચના અંતર્ગત અનેક રચનાઓ હોવાથી આવું બનવું સ્વાભાવિક ગણાય.
વર્ગીકરણના આધારરૂપે સમગ્ર ચોવીશીનો પ્રધાન સૂર કયો છે તે મહત્ત્વનું છે. ચોવીશીના પ્રધાન સૂર કે કેન્દ્રિય અનુભૂતિને આધારે જ આ વર્ગીકરણ નિશ્ચિત કરાયું છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અતિશય પ્રચલિત થયેલી ચોવીશીની પરંપરાનું મૂળ આગમ સાહિત્યમાં જોવા મળે છે. આ પરંપરા સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં પુષ્ટ થઈ અને સમગ્ર ભારતમાં ફેલાયેલા ભક્તિઆંદોલનને લીધે મધ્યકાળમાં સ્તવન-ચોવીશીરૂપે વ્યાપક થતી અનુભવાય છે. આ ચોવીશી સ્વરૂપનો વિક્રમના ૧૬મા શતકથી પ્રારંભ થાય છે. શતકવાર ઉપલબ્ધ થતી ચોવીશીઓની યાદી અને તેનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે.
ર૬ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org