Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૬૫ જેમ ચૈત્યવંદનમાં મુદ્રાદિ વિધિ અને જઘન્ય વગેરે નવ પ્રકાર “આવી રીતે કરવા” તેવું પ્રતિપાદન પણ નથી, અને પ્રાણાતિપાતનો જેમ નિષેધ કરેલ છે તેમ તેનો નિષેધ પણ કરેલ નથી. આવાં અનુષ્ઠાનો હોય તેને ગીતાર્થ નિષેધે નહીં, તો પછી આગમોક્ત અનુષ્ઠાન તો જ નિષેધે. આ અનુષ્ઠાન ન કરવું તેવો ઉપદેશ પણ ન આપે. જે અર્થ, હેતુ કે પ્રશ્ન અજાણ્યો હોય, ન જોયો હોય, ન સાંભળ્યો હોય તેવો જો લોકોને કહે તો તે અરિહંત, કેવલી અને બંનેથી પ્રરૂપાયેલ ધર્મની આશાતના કરે. તેમને ભગવતીસૂત્ર અનુસાર આલોચના કરવી પડે. નહીંતર અનંતસંસાર વધી થાય. જે સૂત્રઅનિષિદ્ધ આચરણાને નિષેધે તે પણ અરિહંત આદિની આશાતનાનો ભાગી થાય. માટે પૂર્વે કહેલા આચાર્યોની નિરવદ્ય આચરણાને સમસ્ત પ્રકારે અનુમોદન આપે છે અને સૂત્રનિરપેક્ષ દેશના આપે તેમનું સાહસ ભડભડ બળતા અગ્નિમાં પ્રવેશ કરવાવાળાથી પણ અધિક ગણાય છે.
સૂત્રબાહ્ય એટલે કે આગમમાં ન કહેલ વસ્તુ કે વિચારની જે દેશના આપે તે દીર્ધસંસારી થાય. એક વાક્ય ખોટું બોલવાથી મરીચિ કોડાકોડી સાગરોપમ સંસારમાં ભમેલો. તેવી રીતે ઉત્સુત્રભાષણ કરનારો જીવ ચીકણા કર્મ બાંધે. ઉન્માર્ગનો ઉપદેશ કરી માર્ગનો નાશ કરે તે પ્રાણી સંસાર વધારે. ગુપ્ત હૃદયી, માયાવી, શઠાચારી જીવ તિર્યંચનું આયુષ્ય બાંધે. સૂત્રથી વિપરીત પ્રરૂપણા કરનાર ઘણો કાળ અપાર સંસારમાં ભમે છે. પ્રશ્ન :- શું આગમ અર્થનો જાણ પણ કોઈ અન્યથા વાદ અંગીકાર કરે ?
જવાબ :- દેખાય જ છે. આ દુષમકાળમાં વક્ર-જડ-ભવભ્રમણથી ન ડરવાવાળા કેટલાક જીવો છે જ. વળી આગમ અનિષિદ્ધ હોય અને પ્રાચીન અનેક ગીતાર્થીએ આચરેલ હોય તેવી ક્રિયા ધર્મીજનોએ ન કરવી' એવું કહેવાવાળા પણ છે જ. દેરાસરમાં અનેક બિંબ કરાવી એક પ્રતિમાજીને મોટા કરી મૂળનાયકપદે સ્થાપવા, વિવિધ પ્રકારે પૂજા-સ્નાત્ર આદિ ઓચ્છવ કરવા, દેરાસરમાં દેવવંદન કરવું આવી ઘણી ક્રિયાઓ પૂર્વપુરુષોએ પરંપરાથી કહેલી છે. આવી ક્રિયાઓને નિષેધ કરવાવાળા પણ પડ્યા છે. તે એમ કહે કે પૂર્વરૂઢિ તો અવિધિ છે. હમણાંની વિધિ આ છે. આવું કહી પૂર્વાચાર્યોની મર્યાદા નિષેધ કરાવે એવા ઘણા દુ:સાહસિકો આ સમયમાં દેખાય છે.