________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ માર્ગમાં જ ચાલ્યા આવે છે.” ગૌતમે પૂછ્યું કે “હે સ્વામિન્ ! તે આપના શિષ્ય થશે કે નહીં ?” સ્વામી બોલ્યા કે “થશે.” તે સાંભળીને ગૌતમસ્વામી તેની સન્મુખ ગયા, અને જલ્દીથી તેને મળીને પૂછ્યું કે “હે સ્કન્દક ! તમે કુશળ છો ?” (અહીં ગૌતમ ગણધરે અસંયમી સન્મુખ ગમન, કુશળ પ્રશ્ન વગેરે કર્યું, તે અનેક લાભ જોવાથી, અથવા પ્રથમથી જ પોતાના ગુરુને તેના આવવાનું જ્ઞાન થયું હતું, તે વડે પ્રભુનો જ્ઞાનાતિશય જણાવવા માટે અથવા તે ‘સ્કંદકને વ્રતનો સમય સમીપે જ છે’ એમ ભાવાર્હત્ વીરપ્રભુના વાક્યથી જાણીને પોતાનું નિર્માનીત્વ જણાવવા માટે કર્યું છે.) પછી શ્રી ગૌતમસ્વામીએ તેને કહ્યું કે “હે પૂર્વ મિત્ર ! તમે પિંગલ મુનિએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરો પૂછવા માટે મારા ધર્મગુરુ પાસે આવો છો.” તે સાંભળીને સ્કંદકે પૂછ્યું કે - “તમે મારા મનની હકીકત શી રીતે જાણી ? ગૌતમ ગણધરે કહ્યું કે “અમારા ગુરુ ત્રિકાળમાં એકાન્તે કરેલું, પ્રત્યક્ષ કરેલું અથવા ભવિષ્યમાં કરવાનું તે સર્વ જાણે છે. તેમને સાદિ અનન્ત ભાંગે જ્ઞાન રહેલું છે. તેમના વચનથી મેં તમારું આગમન વગેરે જાણ્યું.” સ્કંદક બોલ્યા કે – “તો હવે આપણે તમારા ધર્મગુરુ પાસે જઈએ.” પછી તે ગૌતમ ગણધરની સાથે પ્રભુ પાસે આવ્યા. શ્રી વીરસ્વામીએ પણ ગૌતમસ્વામીની જેમ જ વાત કરી. પછી સ્કન્દકે પ્રભુના સર્વજ્ઞપણાની પ્રતીતિ માટે તે પ્રશ્નોના અર્થ પૂછ્યાં. એટલે સ્વામી બોલ્યા કે “લોક દ્રવ્યાદિક ચાર પ્રકારનો છે. તેમાં દ્રવ્યથી લોક એક છે, પંચાસ્તિકાયના સ્વરૂપવાળો છે, સાન્ત છે અને પરિમાણયુક્ત છે. ક્ષેત્રથી લોક આયામ, વિખંભ અને પરિધિથી અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ છે, માટે સાન્ત છે. કાળથી અનાદિ અનન્ત છે, કોઈ પણ વખત આ લોક નહોતો, નથી કે નહિ હશે એવું નથી. અતીત કાળે હતો, વર્તમાન કાળે વિદ્યમાન છે અને ભવિષ્યકાળે પણ વિદ્યમાન હશે; તેથી હંમેશા નિત્ય છે અને શાશ્વત છે. ભાવથી લોક અનન્ત છે. કેમકે અનન્ત વર્ણ ગંધાદિક પર્યાય યુક્ત છે.
-
જીવ પણ દ્રવ્યથી એક અને નિત્ય છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળો અને સાન્ત છે; કાળથી ત્રણે કાળમાં અનન્ત છે અને શાશ્વત છે અને ભાવથી અનન્ત જ્ઞાનાદિ રત્નત્રયના પર્યાયોથી યુક્ત છે; કેમકે પ્રથમના ત્રણ શરીર (ઔદારિક, વૈક્રિય અને આહારક)ને આશ્રીને અનન્તા ગુરુલઘુ પર્યાયો છે અને તૈજસ તથા કાર્યણ એ બે શરીરને આશ્રીને અનન્તા અગુરુલઘુ પર્યાયો છે, તેણે કરીને જીવ યુક્ત છે તેથી ભાવથી જીવ અનન્ત છે.
સિદ્ધિ એટલે સિદ્ધ જીવની સમીપનું ક્ષેત્ર સિદ્ધશિલા જાણવી. તે સિદ્ધશિલા દ્રવ્યથી એક, સાન્ત અને ધ્રુવ છે; ક્ષેત્રથી પીસ્તાલીશ લાખ યોજન આયામ વિખુંભ પરિણામવાળી છે, કાળથી અનાદિ અનન્ત છે અને ભાવથી અનન્ત વર્ણાદિક પર્યાયોએ કરીને યુક્ત છે.
સિદ્ધ એટલે સકળ કર્મનો ક્ષય કરવાથી જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે તે. તે સિદ્ધ દ્રવ્યથી એકત્ર અને સાન્ત છે; ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળા છે, કાળથી સિદ્ધ સાદિ અનંત છે અને ભાવથી અનંત જ્ઞાનાદિક પર્યાયોથી યુક્ત, સાન્ત તથા અનંત છે.