________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૦૦
સંલીનતા નામનો છઠ્ઠો તપાચાર
इन्द्रियादिचतुर्भेदा, संलीनता निगद्यते । बाह्यतपोऽन्तिमो भेदः, स्वीकार्यः स्कन्दकर्षिवत् ॥१॥
ભાવાર્થ :- “ઈન્દ્રિયાદિક ચાર પ્રકારે સંલીનતા કહેલી છે, તે બાહ્યતપનો છેલ્લો ભેદ સ્કંદકઋષિની જેમ અંગીકાર કરવો.”
સંલીનતા એટલે ગુપ્તપણું અર્થાત્ શયન, ભોજન વિગેરે અપ્રગટપણે કરવું તે. તે સંલીનતાના ચાર ભેદ છે. તે વિષે પૂર્વાચાર્યોએ કહ્યું છે કે -
इंदियकसायजोए, पडुच्च संलीणया मुणेयव्वा ।
तह य विवित्तचरिया, पन्नत्ता वीयरागेहिं ॥१॥
ભાવાર્થ :- “ઈન્દ્રિય, કષાય અને યોગ આશ્રયી ત્રણ સંલીનતા તથા વિવિક્તચર્યા એ ચોથી સંલીનતા જાણવી, એમ વીતરાગ જિનેશ્વરે કહ્યું છે.”
શ્રોત્રઈન્દ્રિય વડે મધુર કે અમધુર (કટુ) શબ્દો ઉપર રાગ-દ્વેષ ન કરવો, તે શ્રોત્રેન્દ્રિય સંલીનતા કહેવાય છે. એ પ્રમાણે ચક્ષુ ઈન્દ્રિય વિગેરેમાં પણ સમજવું. એમ પાંચ પ્રકારે ઈન્દ્રિય સંલીનતા જાણવી. ઉદયમાં નહિ આવેલા કષાયોને રોકવા તથા ઉદયમાં આવેલાને નિષ્ફલ કરવા તે કષાયસંલીનતા જાણવી. મન, વચન, કાયાના અશુભ યોગોનો નિરોધ કરવો ને શુભ યોગની ઉદીરણા કરવી તે યોગસંલીનતા જાણવી અને સ્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત આરામાદિકમાં નિવાસ ક૨વો, તે વિવિક્ત શયન ભોજન સંલીનતા જાણવી. આ પ્રમાણે ચારે પ્રકારની સંલીનતા પાળવી. જેઓ તેનું પાલન કરતા નથી, તેઓ શ્રવણમાત્રથી જ ધર્મનું ગ્રહણ ક૨ના૨ તાપસની જેમ મોટી દુઃખપરંપરાને પામે છે.
શ્રવણમાત્રગ્રાહી તાપસનું દૃષ્ટાંત
કોઈ ગામમાં કોઈ એક બ્રાહ્મણ પાપથી ભય પામીને તાપસ થયો. તેણે ‘કૃપયા ધર્મ:’ (દયાથી ધર્મ થાય છે) એ વાક્ય સાંભળ્યું હતું. એકદા કોઈ તાપસ સન્નિપાતના વ્યાધિથી પીડાતો હતો, તેને વૈઘે ઠંડું જલ પીવાનો નિષેધ કર્યો હતો. એક વખત બીજા સર્વ તાપસો કોઈ પ્રસંગે અન્ય સ્થાને ગયા હતા. તે વખતે પેલા રોગી તાપસે આ નવીન તાપસ પાસે ઠંડું પાણી માગ્યું. તેથી ‘કૃપા વડે ધર્મ થાય છે' એમ જાણીને તેણે તે રોગીને ઠંડું જલ આપ્યું. તેથી તે રોગી બહુ પીડા પામ્યો. તે વૃત્તાંત જાણીને બીજા તાપસોએ તે નવીન તાપસને ઘણો ધિક્કાર્યો કે - “અરે મૂર્ખ !