Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી છે. મને સંસારસાગરથી આ જ ગુરુ તારશે એમ સમજીને તેઓના ફંદામાં ફસાઈ જાય છે. જાળમાં ફસાયા પછી ક્યારેક ખ્યાલ આવે છે કે આપણે ફસાયા છીએ, અને ક્યારેક રાગાન્ધતાના કારણે ખ્યાલ પણ આવતો નથી કે આપણે ફસાયા છીએ. તે શિષ્યો પણ તેવા પ્રકારના ગુરુઓના સંપર્કથી અને અનાદિની મોહની વાસનાની બળવત્તરતાથી તેવા બાહ્યવ્યવસાયોના કામકાજમાં જ લયલીન થઈ જાય છે. સંસારસાગર તરવાને બદલે બાહ્યવ્યવસાયોની જ મોહમાયામાં રંગાઈ જવાથી અને તેના જ હિસાબ-કિતાબમાં અંજાઈ જવાથી સંસારસાગરમાં ડૂબી જાય છે.
આવા ગુરુઓ અને તેઓને અનુસરનારા શિષ્યો સાધુવેષમાં (સંયમમાં) હોવા છતાં મનમાં કરવા ધારેલા બાહ્યવ્યવસાયોને પૂર્ણ કરવાની માનસિક ચિંતામાં અને તેના જ વહીવટની આળપંપાળમાં ઓતપ્રોત બનવાથી આરંભ-સમારંભ આચરવારૂપ દ્રવ્ય-પાપબંધનોમાં તથા ચંડાળ ચોકડીને આચરવા રૂપ ભાવ-પાપબંધનોમાં નિરંતર વર્તતા જ રહે છે. આવા પ્રકારના પાપના બંધનોમાં જે વર્તે છે, જે સ્વયં નિર્ગુણી છે, જે પોતે સંસારથી તર્યા નથી, તેવા કુગુરુઓ અન્યને સંસારસાગરથી કેમ તારી શકશે ? ભદ્રિક પ્રજા આવા ગુરુઓને ધર્મગુરુ સમજીને માન આપે છે. અને આ ગુરુઓ તે ભદ્રિક જીવોની ભદ્રિકતાનો અને અજ્ઞાનતાનો સ્વાર્થ સાધવામાં ઉપયોગ કરે છે. આ બન્નેમાં કોઈ તરતું નથી કે તારતું નથી. કેવળ ભદ્રિક આત્માર્થી જીવો છેતરાય છે.
કહ્યાગરો શિષ્યવર્ગ મળે, પાંચ-પંદર ધનવાન પુરુષો અનુયાયી બને, બોલવા-ચાલવાની બાહ્ય છટા પ્રાપ્ત થઈ જાય, તેના કારણે સમાજમાં કદાચ માન-મોટાઈ મળી જાય. પરંતુ હૃદયમાં વૈરાગ્ય અને નિશ્ચય દૃષ્ટિ ખીલી ન હોય ત્યારે અનાદિની ઘર કરીને દબાઈને રહેલી કષાયોની ચોકડી ભભૂકી ઉઠે છે. ધર્મનાં કાર્યોના નામે ધર્મવિરુદ્ધ પ્રરૂપણા અને ધર્મવિરુદ્ધ આચરણા કરવા દ્વારા આ ગુરુઓ જૈનશાસનની ભારે વિડંબના (નિંદા-આશાતના) કરે છે અને કરાવે છે. સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org