________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ચોથી
૧૦૫
હોત તો તો આ જીવે પોતાની વસ્તુનું દાન કર્યું કહેવાય અને દાતા તરીકેનું કર્તૃત્વ સ્વીકારી શકાય. પરંતુ આત્માના પોતાના ગુણોની અને ગુણોના આનંદ રૂપ સહજ સુખની સત્તા તો પોતાના આત્મામાં જ રહે છે. તે ગુણોરૂપ ધર્મતત્ત્વ કે તેનો સાહજિક આનંદ અન્યને આપી શકાતો નથી. (આપ સત્તા રહે આપમાં) અને “પુણ્યોદય” થી મળેલી ધનધાન્યાદિરૂપ પૌદ્ગલિક સામગ્રી બીજાને આપી શકાય છે. અને જીવ આપે પણ છે. પરંતુ તે પોતાની નથી, પુણ્યોદય રૂપ કર્મરાજાની હોય છે. પુણ્યોદય ચાલુ હોય ત્યાં સુધી જ રહેનારી છે. અર્થાત્ પરાયી વસ્તુ છે. પરાયી વસ્તુ પરને આપતાં દાતા કેમ કહેવાય ?
જેમ કાન્તિભાઈ નામના એક પુરુષે મુંબઈ જતા એવા વિજયભાઈને એક હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે આ એક હજાર રૂપિયા તમે મુંબઈ જાઓ છો તો ત્યાં રહેલા મારા ભાઈ શાન્તિલાલને આપજો. હવે મુંબઈ પહોંચ્યા પછી વિજયભાઈએ શાન્તિભાઈને (કાન્તિભાઈએ આપેલા) એક હજાર રૂપીયા આપ્યા. તો શું વિજયભાઈ એક હજાર રૂપીયાના દાતા કહેવાશે ? નહીં જ કહેવાય. કારણકે તે એક હજાર રૂપીયા વિજયભાઈ પાસે હોવા છતાં પણ વિજયભાઈની માલિકીના નથી, કાન્તિભાઈની માલિકીના છે.
બેંકોમાંથી કે સગાંવહાલાઓ પાસેથી ધંધા માટે લીધેલી લોનના પૈસા લેનારના હાથમાં હોવા છતાં શું તેનું તે દાન કરી શકે ? ના, ન જ કરી શકે, કારણ કે તે પૈસા લોન લેનારના હાથમાં હોવા છતાં પણ જરૂરિયાત પ્રમાણે લીધા હોવાથી તેની પોતાની માલિકીના નથી. બેંકની અને જમા આપનાર સગાંવહાલાંની માલિકીના છે. તેવી જ રીતે પુણ્યોદયથી પ્રાપ્ત થયેલી સંપત્તિ પણ હે આત્મા ! તારી પાસે છે. પરંતુ તે તારી નથી. પુણ્યકર્મરાજાની છે. હવે જો તે સંપત્તિ તારી નથી જ. તો તેનો દાતા તું કેમ થઈ શકે ? નાહક ‘દાતા’” તરીકેનું અભિમાન કેમ કરે છે ? હે આત્મા ! તું કંઈક વિચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org