Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪૮
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ગાથાર્થ= તમારા પ્રત્યેનો મને જે રાગ છે. તે જ એક મને મુક્તિ રૂપ વૃક્ષ ઉગાડવામાં મૂલબીજ સમાન બનશે. જો સામે દેવોનો સમુહ (દેવઋદ્ધિ) અને મનુષ્યોનો સમુહ (રાજઋદ્ધિ) મળે તો પણ તે અન્યને હે પરમાત્મા ! તમારા સમાન ગણું નહીં. તમારાથી તે સર્વે અત્યન્ત તુચ્છ છે. // ૧૧-૩ //
વિવેચન= હે સીમંધરસ્વામી પરમાત્મા ! તમારૂં શાસન પામ્યા પછી સત્સંગથી, સદ્ગુરુથી અને આગમશાસ્ત્રોથી ત્રણે કાળે અબાધિત એવી આપની વાણીનો મેં અભ્યાસ કર્યો છે. અનેક દર્શન શાસ્ત્રોની સાથે તેની પૂર્વાપર તુલના કરી છે. કાચના ટુકડાઓથી જેમ હીરો જુદો તરી આવે તેમ તમારી વાણી પૂર્વાપર અવિરુદ્ધ, ત્રણે કાળે અબાધિત, સર્વથા નિર્દોષ અને જેમ જેમ પાન કરીએ તેમ તેમ સરસ શેરડી કરતાં પણ અતિશય મીઠી લાગે છે. આવી સુંદર આ વાણીનો અભ્યાસ કર્યા પછી હીરાને હીરા તરીકે જાણ્યા બાદ, હીરા ઉપર જેમ અથાગ પ્રેમ જાગે છે તેમ મને તમારી વાણી ઉપર તથા અનુપમવાણી પ્રકાશિત કરનાર તરીકે તમારા ઉપર અતિશય રાગ થયો છે. તમે જ સાચા દેવ છો. તમે જ સાચા વીતરાગ છો. તમે જ સાચા યથાર્થવાદી છો. તમે જ પૂર્ણ સત્યવાદી છો. આવો આપશ્રી તરફનો પક્ષપાત મારા હૃદયમાં અતિશય જામી ગયો છે. તે કોઈનાથી ઉખેડી શકાય કે હચમચાવી શકાય તેમ નથી.
પરમાત્મા પ્રત્યેનો આ રાગ જ (પક્ષપાત જ) યથાર્થતાનો પક્ષપાત હોવાથી મને મુક્તિપદરૂપી વૃક્ષ ઉગાડવામાં (ફળવાળું બનાવવામાં) મૂલબીજ ભૂત થશે. જેમ મૂલબીજમાંથી આખું વૃક્ષ કાળાન્તરે ઉગે છે. તેમ આપશ્રી પ્રત્યેના રાગથી જ કાલાન્તરે મારી મુક્તિ થશે. આપશ્રી પ્રત્યે (એટલે કે આત્માના શુદ્ધ આત્મતત્ત્વ પ્રત્યે અર્થાત્ આત્માની સાચી વીતરાગાવસ્થા પ્રત્યે) એવો તો આ રાગ જામ્યો છે કે જો તેની સામે દેવદ્ધિ કોઈ આપે અથવા રાજ્યઋદ્ધિ કોઈ આપે તો પણ તે ઋદ્ધિને આપની સમાન એટલે કે આત્માની વીતરાગાવસ્થા સમાન ન ગણું. આપશ્રીનું તત્ત્વ પ્રાપ્ત કરવાનું ઘેલું મને એવું લાગ્યું છે કે કાળાન્તરે નાશવંત અને અસ્થિર એવી આ લૌકિક સંપત્તિમાં મન ચોંટતું જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org