Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ભાગ ગણધરભગવંતોએ દ્વાદશાંગીમાં સૂત્ર રૂપે ગુંથી છે. તેમાં પણ બારમું અંગ દૃષ્ટિવાદ કે જેમાં ચૌદપૂર્વોનું જ્ઞાન હતું તે વિચ્છેદ પામ્યું છે. બાકી રહેલા અગિયાર અંગો તથા તેના મૂલાધારે પાછળથી બનાવેલાં શેષ શાસ્ત્રો કે જેને હાલ ૪૫ આગમશાસ્ત્રો કહેવાય છે. તે ૪૫ આગમશાસ્ત્રોમાં ત્રણે કાળના પદાર્થોના ઘણા ઘણા ભાવો જણાવ્યા છે.તો પણ પદાર્થો અનંતાનંત છે. તેના ભાવો એકેકના અનંતાનંત છે. જ્યારે શાસ્ત્રો જે છે તે પરિમિત છે. ધારો કે એક એક આગમનાં ૧૦૦૦ પાનાં કલ્પીએ તો પણ ૪૫OOO થી ૫૦૦૦૦ પાનાં થાય. તેમાં કેટલું લખી શકાય ? અર્થાત્ સર્વ ભાવો લખી શકાતા નથી. કહી શકાતા નથી. જે કંઈ લખ્યું છે કહ્યું છે તે બધું મળીને સર્વભાવોનો અનંતાનંતમો ભાગ છે. તેથી બધું આગમમાં કહેલું જ હોય એમ બનતું નથી. (જો કે લક્ષણથી તો કહેલું હોય જ છે ફક્ત શબ્દથી કહેલું ન પણ હોય) તેથી આગમમાં જે જે વ્યવહારો કહેલા હોય, બતાવ્યા હોય તે તે જ, શુદ્ધ વ્યવહાર કહેવાય છે. એવું વિધાનાત્મક લક્ષણ ન કરતાં, ગ્રંથકારશ્રી નિષેધાત્મક લક્ષણ કરે છે કે
“જેહ ન આગમ વારીઓ” = આગમશાસ્ત્રોમાં જે વ્યવહારનો નિષેધ ન કર્યો હોય “આ વ્યવહાર ન આદરવો” એમ નિષેધપણે જેનું કથન કરેલું ન હોય, તે શુદ્ધ વ્યવહાર જાણવો.
તથા ગણધર ભગવંતો પછી જે જે અશઠ=ઉત્તમ આચાર્ય ભગવંતો થઈ ગયા કે જે ભવભીરૂ, જ્ઞાની, ગીતાર્થ, સંવિગ્ન પાક્ષિક અને સંઘના હિતચિંતક આદિ મહાગુણોથી ગરિષ્ઠ હતા. તેઓએ ચતુર્વિધ શ્રી સંઘમાં રહેલા જીવોનું કલ્યાણ થાય તેવા જે જે અશઠ આચારો ઉત્તમ આચારો જ્યારે જ્યારે પ્રયોજન પડ્યું ત્યારે ત્યારે આદર્યા અને તેમની પાછળ થયેલા અન્ય ગીતાર્થ ભગવંતોએ વાર્યા નહીં. પરંતુ બહુમાન આપીને તે આચારોને સ્વીકાર્યા, એવા છે જે આચારો-વ્યવહારો-ક્રિયામાર્ગો છે તે સઘળો શુદ્ધ વ્યવહાર કહેવાય છે. આ શુદ્ધ વ્યવહારનું સામાન્યથી ત્રણ પદોવાળું આ લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org