Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨૮
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આવ્યું હોવાથી) આવ્યું એમ પણ કહેવાય છે. આ બધા નૈગમાદિ શેષ નયો છે જો શેષ સ્ટેશનોમાં મુંબઈ કંઈક કંઈક અંશે આવ્યું છે એમ ન માનીએ તો એક જ ક્ષણમાં અમદાવાદ-મુંબઈનું અંતર કપાતું નથી. માટે પૂર્વસ્ટેશનોમાં જે જે અંતર કપાતું ગયું તે બધાં (સાધન) કારણ છે. અને બોમ્બે સેન્ટ્રલનું આવવું તે કાર્ય છે. કારણ અને કાર્ય એક જ દ્રવ્યના પૂર્વ-ઉત્તરવર્તી પર્યાયો હોવાથી કથંચિત્ એક રૂપ છે.
એવી જ રીતે ચૌદમા ગુણસ્થાનકના અંતે સર્વકર્મોનો ક્ષયરૂપ સંપૂર્ણ નિર્જરા અને સર્વથા અબંધકતા રૂપ પૂર્ણ એવો ધર્મ ત્યાં છે. તે નિશ્ચયધર્મ છે. એવંભૂતનયની દૃષ્ટિએ યથાર્થધર્મ ત્યાં જ છે. પરંતુ તે નિશ્ચયધર્મના સાધનભૂત પહેલા ગુણઠાણે મિથ્યાત્વ મોળુ પડે, ત્યારથી જ જેટલો જેટલો ક્ષયોપશમભાવ ચાર ઘાતી કર્મોનો (વિશેષ કરીને મોહનીય કર્મનો) વધતો જાય તેટલો તેટલો ધર્મ તે તે ગુણઠાણે પણ
સ્વીકારવો જ જોઈએ. અહીં ધર્મ છે એમ જે કહેવાય છે. તે પૂર્વે જણાવ્યા પ્રમાણે ભિન્ન ભિન્ન નયોની અપેક્ષાએ જાણવું જો પૂર્વના ગુણસ્થાનકોમાં કર્મનો બંધ હોવાથી ધર્મ જ ન કહીએ તે એકદમ પૂર્ણધર્મ પ્રાપ્ત થાય જ નહીં. માટે પૂર્વ અવસ્થામાં કારણ કાળમાં પણ ધર્મતત્ત્વની આંશિક આંશિક પ્રગટતા વધતી જતી માનવી જોઈએ. તેથી ઉત્તર અવસ્થામાં આવનારા પૂર્ણધર્મ તત્ત્વ રૂપ કાર્યની સાથે એકતા કરીને સર્વ ગુણસ્થાનકોમાં ક્ષાયોપથમિકભાવ અને ક્ષાયિકભાવની યથાયોગ્ય પ્રાપ્તિ તે ધર્મ છે જ. એમ સમજવું જોઈએ.
સર્વગુણસ્થાનકોમાં પુણ્ય-પાપનો બંધ પણ યથાયોગ્ય ચાલુ જ છે. છતાં ગુણોનો આવિર્ભાવ પણ ચાલુ જ છે. તેથી બંધ હોવા છતાં પણ ગુણોના આવિર્ભાવ સ્વરૂપ ધર્મતત્ત્વ પણ અવશ્ય છે જ, તો જ બીજનો ચંદ્ર પુનમના દિવસે જેમ પરિપૂર્ણ પણે ખીલી ઉઠે છે. તેમ ચૌદમે ગુણઠાણે પરિપૂર્ણ ધર્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે. યોગદશા જ્યાં સુધી છે, ત્યાં સુધી બંધ રહેવાનું જ છે. પરંતુ તે ગુણસ્થાનકોમાં પણ જે ઉપયોગશુદ્ધિ છે તે ધર્મ પણ સાથે સાથે અવશ્ય હોય જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org