________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી
૨૩૯ પાપકર્મો જેમ નરકનો ભવ આપે, તેમ પુણ્યકર્મ બહુ બહુ તો સ્વર્ગનો ભવ આપે. પરંતુ બન્ને ભવો આખરે છે તો સંસાર જ. આ બન્ને ભવોમાં એક પણ ભવ મુક્તિરૂપ તો નથી જ. માટે પ્રભુની દ્રવ્યપૂજા સાવદ્ય હોવાથી પુણ્યબંધનું કારણ છે. અને પુણ્યબંધ સ્વર્ગપ્રાપ્તિનું કારણ છે. અને સ્વર્ગપ્રાપ્તિ એ પણ સંસાર જ છે. એટલે પ્રભુની દ્રવ્યપૂજા સંસારહેતુક જ થઈ તેથી કરવા લાયક નથી. આવો પ્રશ્ન કોઈ શિષ્ય કરે છે.
આ પ્રશ્નનો ઉત્તર ઉપાધ્યાયજી મહારાજ શ્રી આપે છે કે હે ભાઈ ! જો દ્રવ્યપૂજાને પુણ્યબંધનું, અને પુણ્યબંધને સ્વર્ગનું કારણ માનીને ત્યજવાની જ વાત કરશો તો મુનિઓ વડે આચરણ કરાતો “સરાગસંયમ” પણ ત્યજવા લાયક થઈ જશે. કારણ કે વીતરાગ અવસ્થાવાળો સંયમ તો ૧૧ થી ૧૪ ગુણસ્થાનકોમાં જ આવે છે. તે જ આદરવા લાયક થશે. તે સંયમ તો વર્તમાન કાળ ભરતક્ષેત્રમાં છે જ નહીં. અને ૫/૬ થી ૧૦ સુધી જે સંયમ હોય છે તે સરાગસંયમ હોય છે. આ ગુણ ચારિત્રાત્મક હોવાથી નિર્જરા અવશ્ય કરાવે છે. પરંતુ સરાગ હોવાથી પુણ્યબંધ પણ કરાવે જ છે. તત્ત્વાર્થાધિગમ અધ્યાય ૬ સૂત્ર ૨૦માં સરાગસંયમને દેવાયુષ્યના બંધનો હતુ કહ્યો પણ છે.
આ રીતે સરાગસંયમ” પણ સ્વર્ગપ્રાપ્તિ અને પુણ્યબંધનું જ કારણ બનતું હોવાથી અને અનંતરપણે મુક્તિપદનું કારણ ન બનતું હોવાથી તે પણ સંસાર હેતુક જ થવાથી ત્યજવા લાયક થશે. અને જો સરાગસંયમ ન પાળીએ તો સંયમના અભ્યાસ વિના એકદમ સહસા વીતરાગસંયમ આવી જવાનું પણ નથી જ. આ રીતે સીધેસીધો વીતરાગસંયમ આવે નહીં, અને સરાગસંયમ પુણ્યબંધ તથા સ્વર્ગપ્રાપ્તિનો હેતુ હોવાથી અસ્વીકાર્ય જ થાય. તો કોઈપણ કાળે કોઈપણ જીવને સંયમગુણ આવશે જ નહીં. અને મુક્તિ થશે જ નહીં તેથી પ્રાથમિકદશામાં જે કર્તવ્ય હોય તે ઉત્તરાવસ્થામાં અકર્તવ્ય હોય અને ઉત્તરાવસ્થામાં જે કર્તવ્ય હોય તે પ્રાથમિકદશામાં અકર્તવ્ય હોય. આવો નિર્દોષ ન્યાયમાર્ગ સમજવો જોઈએ. અને જીવનમાં ઉતારવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org