________________
૧૫૦
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વિવેચનઃ સમ્યકત્વ ગુણ પામવા માટેના પરમાત્માના દર્શન વંદન પૂજન આદિના વ્યવહારો તથા દેશ ત્યાગ અને સર્વત્યાગના વ્યવહારો જે લોકોને ગમતા નથી, કરવા નથી તથા વ્રત, નિયમ, પચ્ચકખાણ આદિના વ્યવહારો પણ જેઓને ગમતા નથી, કરવા નથી એવા કેટલાક કુતર્કવાદીઓ “ઉપરોક્ત વ્યવહારો કરવાની કંઈ જરૂર નથી, આવા વ્યવહારો આદર્યા વિના પણ કેવલજ્ઞાન પામી જીવો મોક્ષે જઈ શકે છે.” આ પ્રમાણે કહે છે માને છે અને જોરશોરથી પ્રચાર કરે છે. અને તે માટે ભરત મહારાજા, ઈલાચીપુત્ર, ચિલાતીપુત્ર, ગુણસાગર, પૃથ્વીચંદ્રરાજા, ઈત્યાદિ આત્માઓના દૃષ્ટાંતો આપીને વ્યવહારની (ધર્મક્રિયાઓ-અનુષ્ઠાન કરવાની) જરૂર નથી. એમ વ્યવહારમાર્ગનો લોપ કરે છે. તે આત્માઓ (તથા માલતુષ મુનિ આદિનાં દૃષ્ટાન્તો આપીને જ્ઞાન મેળવવાની પણ જરૂર નથી. એમ જ્ઞાનમાર્ગને જે લોપ કરે છે. તે બન્ને એકાન્ત કુતર્કવાદી આત્માઓ) પોતાનામાં આવેલા અથવા આવવાના સંભવવાળા “સમ્યકત્વગુણ”નો પણ ઉચ્છેદ કરે છે. અને આવા પ્રચાર દ્વારા અનેકના સમ્યકત્વ ગુણનો ઉચ્છેદ કરીને ઉન્માર્ગે પ્રવર્તાવવાનું પાપકર્મ કરે છે. આવા લોકો ઉન્માર્ગ પ્રરૂપક, પાખંડી, આભિગ્રાહક મિથ્યાત્વવાળા કહેવાય છે. એમ જાણવું.
ભરત મહારાજા આદિ જીવોની અંતર્ગત આત્મપરિણતિ એક વીંટી પડી જવા જેવા સામાન્ય નિમિત્તથી એટલી બધી નિર્મોહી બની હતી કે છ ખંડના રાજ્યના સ્વામી હોવા છતાં અન્યના મોતના ત્યાગની સાથે શરીરના પણ રાગાદિ ત્યજીને શ્રેષ્ઠતર શુદ્ધ આત્મપરિણતિવાળા એવા બન્યા હતા કે જેને ત્યાગના બાહ્ય વ્યવહારો લેવા કે પાળવાનો સમય જ રહ્યો ન હતો. તેથી ઉત્તમ શ્રેષ્ઠ આત્મપરિણતિ દ્વારા આ આત્માઓ કેવળી થઈ મોક્ષે ગયા છે. અને આવાં ઉદાહરણો આપીને ધર્મક્રિયાઓ ન કરવાની વૃત્તિવાળા આત્માઓમાં મોહદશા તો પૂરેપૂરી ભરેલી જ હોય છે. અલ્પમાત્રાએ પણ ઓછી થઈ હોતી નથી, અને આત્મપરિણતિ પણ એટલી નિર્મળ થયેલી હોતી નથી, કેવળ બાહ્ય વ્યવહારો કરવા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org