Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૬
- પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જ્ઞાની ગીતાર્થ સદ્ગુરુરૂપી સૂર્ય સંસારી જીવમાં આ પ્રમાણે જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે છે કે- હે મહાનુભાવ! તારામાં રહેલા તારા જ્ઞાનાદિ ગુણો એ જ તારું ધન છે. તેને પ્રગટ કરવા એ જ ધર્મ છે. ગુણો તારામાં જ છે. તારે જ પ્રગટ કરવાના છે. તારામાંથી જ પ્રગટ કરવાના છે. પ્રગટ કરીને સદાકાળ તેમાં જ તારે વર્તવાનું છે. રમવાનું છે. આ ધર્મની સત્તા તારામાં જ છે.
આત્માના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય થવું એ જ નિશ્ચય ધર્મ છે અને તેના ઉપાય રૂપે શાસ્ત્રાનુસારિણી ધર્મક્રિયામાં પ્રવર્તન કરવું, ત્યાગમાં, વૈરાગ્યમાં પ્રવર્તવું એ વ્યવહારધર્મ છે. ઉપાય રૂપ ક્રિયાપ્રવર્તનમય વ્યવહારધર્મ પણ તારામાં જ છે. અને ગુણોના આવિર્ભાવ રૂપ નિશ્ચયધર્મ પણ તારામાં જ છે. જે સાધન, સાધ્યસિદ્ધિ અર્થે વપરાય તે જ સાધન ખરેખર સાચું સાધન કહેવાય છે.
ઘડા બનાવવા માટે જે માટી લાવ્યા હોય તે માટી એક તગારું પણ જો કોઈ લઈ જાય તો ન પોષાય, કારણ કે તેમાં સાધ્યબુદ્ધિ છે. જ્યારે મકાન પડી ગયું હોય અને માટીના ઢગ થયા હોય ત્યારે કોઈ જો ઘણાં તગારાં ભરીને પણ માટી લઈ જાય તો દુ:ખ થતું નથી અને જો કોઈ ન લઈ જાય તો પૈસા ખર્ચીને પણ બહાર નખાવવી પડે છે કારણકે તેમાં ઘટ બનાવવાની સાધ્યબુદ્ધિ નથી. તેવી જ રીતે શાસ્ત્રાન્સારી ક્રિયાવ્યવહાર એ સાધન છે અને દોષો દૂર કરવાની અને ગુણો મેળવવાની જે દૃષ્ટિ એ સાધ્ય છે. તથા સાધન એ વ્યવહાર છે સાધ્ય એ નિશ્ચય છે. બહિરાત્મ ભાવનો ત્યાગ કરી અંતરાત્મભાવમાં આવવું એ જ સાચો ધર્મ છે. તેનાથી જ આત્મા પરમાત્મભાવ પામી શકે છે. કૂવામાંથી બહાર નીકળવા સાંકળની જરૂરીયાત પણ રહે જ છે. અને સાંકળ મળ્યા પછી જે રીતે બહાર અવાય તે રીતે તે સાંકળનું ગ્રહણમોચન પણ કરવું જ પડે છે. સાધ્યને સાધી આપે, એ રીતે સાધનને જોડવું. તેને સાધ્ય-સાધન દાવ કહેવાય છે. આ રીતે સાધ્ય-સાધન દાવ પૂર્વક, નિશ્ચયશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ જાળવવાપૂર્વક, આત્મામાં જ રહેલા ગુણોરૂપી ધર્મની સત્તા પ્રગટ કરવી એ જ સાચો સન્માર્ગ છે. સાચો ધર્મ છે. આવો ઉપદેશ સદ્ગુરુ મહાત્મા આપે છે અને મોહ-તિમિરને હણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org