Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ બીજી
૪૩
(૧) આપપ્રશંસા=હંમેશાં સર્વત્ર પોતાની જ બડાઈ દેખાડે, પોતાનો નાનો ગુણ મેરુપર્વત જેવડો મોટો કરી ગાય, બીજાઓ દ્વારા પોતાની પ્રશંસા કરાવે, પોતાનાં માન-પાન વધે તેવા પ્રસંગો ઉભા કરે, પોતાના દોષોને ઢાંકે, કોઈ અન્ય વ્યક્તિ દોષ કાઢે તો પાંચમો આરો, છઠ્ઠું સંઘયણ ઈત્યાદિ બહાનાં કાઢીને દોષને છાવરે, છાપાઓમાં અને કારણવશાત્ છપાતી જુદી જુદી પત્રિકાઓમાં પોતાના નામની આગળપાછળ અનેક વિશેષણો લખવા-લખાવવાની તમન્ના રાખે, પ્રશંસામાત્રની જ તીવ્રભૂખ હૈયામાં વર્તે.
(૨) પરગુણ ઓળવે= અન્ય કોઈ પણ વ્યક્તિના ગુણોને છૂપાવે. અથવા દોષરૂપે જ જાએ. અથવા ગુણોની અવગણના કરે. બીજાના નાના દોષોને મોટા કરે, અને મોટા ગુણોને નાના કરે. હૈયામાં વેર-ઝેર રાખી દૈનિક આદિ પેપરોમાં ખોટી રીતે ચિતરે. દોષો પ્રગટ કરવા દ્વારા પરના ગુણોને આચ્છાદિત કરે. ઇર્ષ્યાવૃત્તિ તીવ્ર રાખે.
(૩) ન ધરે ગુણનો લેશ= આટલો મોટો અહંભાવ અને મોટાપણાની બુદ્ધિ હોવાથી પોતાનામાં બધા ગુણો જ દેખાય. એટલે હવે મેળવવા જેવો કોઈ ગુણ મારે બાકી જ રહ્યો નથી એમ માની ગુણો મેળવવાની ઈચ્છા કે પ્રયત્ન પણ કંઈ ન કરે. જીવનમાં ગુણો તો હોય નહીં પરંતુ ગુણોનો અંશ (લેશ) પણ હોય નહીં, દોષોને જ ગુણોમાં ખપાવે, બોલવાની વાગ્છટાના જોરે બધાંનો પરાભવ કરી પોતે જ સર્વે સર્વા છે એમ મનમાં માનીને ચાલે, એટલે જ ભણવાની કે જ્ઞાન પ્રાપ્તિની લેશ પણ અપેક્ષા રાખે નહીં, વાતોડીયાપણામાં અને લોકસંજ્ઞામાં જ રસિક બની જાય.
(૪) જિનવાણી નવિ શ્રવણે સુણે= પોતાને શાસ્ત્રોનું જ્ઞાન ન હોવા છતાં મનમાં અહંભાવ એવો કે “મને બધું જ આવડે છે. મારે ભણવા જેવું કે સાંભળવા જેવું હવે કંઈ બાકી જ નથી' એમ મનમાં માની લઈ વાતચીતમાં, લોકપરિચયમાં, લોકોની આગતા-સ્વાગતામાં, અને બાહ્યવ્યવસાયોમાં સમય વીતાવે. પરંતુ ગીતાર્થ ગુરુઓની નિશ્રા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org