Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી
વિવેચન= મનમાં જે જે સાંસારિક સુખોની ઈચ્છાઓ કરીએ તે તે ઈચ્છાઓને પૂર્ણ કરી આપે એવાં કામકુંભ, ચિંતામણિરત્ન, કલ્પવૃક્ષ, કામધેનુ ઈત્યાદિ પદાર્થો બહુ જ કિંમતી છે. અર્થાત્ અમૂલ્ય છે. પરંતુ ધર્મતત્ત્વ તો તેનાથી પણ કેટલાય ગણું અમૂલ્ય છે. કારણકે કામકુંભાદિક પદાર્થો જે જે સુખ (સુખનાં સાધનો) આપે છે તે તે સર્વે સાધનો નાશવંત છે. રાગાદિ કરાવનારાં છે. કષાયોને ઉત્તેજિત કરનારાં છે. અને મોહબ્ધ કરનાર છે. તેથી સંસારમાં ડુબાડનાર છે. તથા જન્મ, જરા, મૃત્ય, રોગ, શોક આદિ નિત્યદુઃખોમાંથી અંશે પણ બચાવનાર નથી. જ્યારે ધર્મતત્ત્વ, અવિનાશી, વીતરાગાવસ્થાવાળું, કષાયોથી સર્વથા રહિત, એવું સ્વગુણરમણતાનું અનંત, અખંડ, ચિદાનંદ સુખ આપનાર છે. સંસારથી તારનાર અને જન્મ, જરા, મૃત્યુ આદિ નિત્યદુઃખોનો સર્વથા નાશ કરનાર છે તેથી ધર્મતત્ત્વ એ કામકુંભ આદિ થકી અનેકગણું કિંમતી અર્થાત્ અમૂલ્યતત્ત્વ છે. આ ધર્મતત્ત્વ આત્માની સ્ફટિકરત્નના જેવી શુદ્ધ નિર્મળદશા આપનાર હોવાથી તે અમૂલ્ય-અમૂલ્યતત્ત્વ છે. અને આ ધર્મતત્ત્વ આત્મામાં જ છે. બહાર ક્યાંય નથી.
પરંતુ ભરતક્ષેત્રમાં આજે વર્તમાનકાળે આ કુગુરુઓ આ ધર્મને દોકડેથી પસાથી-ધનથી) દાખવે છે. (બતાવે છે-વેચે છે) આ સ્થાનમાં આટલા પૈસા આપો તો આટલો લાભ થશે. (ધર્મ થશે) બીજા આ સ્થાનમાં આટલા પૈસા આપો તો આ ધર્મ થશે. ત્રીજા આ સ્થાનમાં આટલી રકમ આપશો તો આ ધર્મ થશે. એમ જે જે સ્થાનોમાં વધારે વધારે રકમ (પૈસા-ધન) અપાય ત્યાં તમને વધારે લાભ મળશે, વધારે ધર્મ થશે. આવું સમજાવી જ્યાં ત્યાં ધનથી જ ધર્મ દેખાડે છે. જ્ઞાન આપવાનું, સ્વાધ્યાય કરાવવાનું, કષાયોનો વિજય કરાવવાનું, ક્ષમા-નમ્રતા આદિ ગુણો આપવાનું, ત્યાગ-વૈરાગ્ય સમજાવવાનું અને ત્યાગ-વૈરાગ્ય વધારવાનું કાર્ય તો ક્યાંય દેખાતું જ નથી. આત્માના ગુણોનો વિકાસ કરવો એ જ સાચો ધર્મ છે. ધર્મ તો નિજ-ઘરમાં છે. આવું તો પ્રાયઃ કોઈ સમજતું પણ નથી અને સમજાવતું પણ નથી. પરદ્રવ્યથી જ ધર્મ સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org