Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આ બધી પ્રક્રિયા જોઈને હું સીમંધરસ્વામી ભગવાન ! અમને મનમાં એમ થાય છે કે અરેરે, જગતમાં શૂળ જેવું આ શું થયું છે ? શું થઈ રહ્યું છે ? જોઈ શકાતું નથી, વેદનાથી હૃદય પીડાય છે. હૃદય ભરાઈ આવે છે. એટલે જ તમને અમારા હૃદયની પીડાના ઉદ્દગારો જણાવવા સ્તવનની રચના કરવા સ્વરૂપે આ કાગળ લખેલ છે. હુંડી મોકલેલ છે. અમારી આ હૂંડી અવશ્ય સ્વીકારજો.
ધનથી ધર્મ થાય છે અને ધર્મથી ધન વધે છે” આવું આ કુગુરુઓ સમજાવે છે. જો આમ જ હોય અને ધનથી ધર્મ થતો હોય તો કંચન-કામિનીના ત્યાગી, સર્વથા ધનરહિત એવા સાધુ-સંતો-મહાત્માઓ અને આચાર્યોને તો ધર્મ થાય જ નહીં. તેઓ તો મુક્તિપદ પામે જ નહીં. અને ધનવાનો જ મોક્ષે જાય. પરંતુ આવું બનતું નથી. પુણીયો શ્રાવક ધનરહિત હોવા છતાં એવો ધર્મી હતો કે જેના સામાયિકની અનુપમતા પ્રભુએ વખાણી, મમ્મણ શેઠ ઘણો ધનવાન હતો છતાં નરકગામી થયો, શ્રેણીક મહારાજા ધનવાન અને રાજા હતા, છતાં ધનથી ધર્મ વેચાતો લઈને નરક તોડી ન શક્યા. સુભૂમ ચક્રવર્તી, ચક્રવર્તી હોવા છતાં નરકગામી થયા. આવાં અનેક ઉદાહરણો છે.
ઉપરોક્ત ઉદાહરણોથી અને શાસ્ત્રપાઠોથી સમજાય છે કે ધર્મ એ બજારમાં પૈસાથી મળતી અને ખરીદી શકાય તેવી વસ્તુ નથી. પરંતુ વિકાર, વાસના, રાગાદિ કષાયો, અજ્ઞાન અને મોહ ઈત્યાદિ દોષોનો ત્યાગ કરવો અને ગુણોને પ્રાપ્ત કરવા એ જ ધર્મ છે. આત્માની શુદ્ધભાવના રૂપ ધર્મ છે. ધનથી ધર્મ થતો નથી. પરંતુ ધન ઉપરની મૂછના-મમતાના અને રાગના ત્યાગથી ધર્મ થાય છે અને મૂર્છાનો ત્યાગ એ ભાવનાસ્વરૂપ ધર્મ છે. તથા ધર્મથી ધન મળતું નથી પરંતુ પૂર્વબદ્ધ પુણ્યોદયથી ધન મળે છે. ધર્મથી તો ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષ-વૈરાગ્ય આદિ ગુણો પ્રાપ્ત થાય છે કે જે આત્મધન છે. ધર્મથી તો ઉંચા-ઉંચા ગુણો મળવા રૂપ ગુણસ્થાનકોની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ધનની પ્રાપ્તિમાં ધર્મ કારણ નથી. પરંતુ પુણ્ય કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org