________________
કવિવર્ય પૂ. નાનચંદ્રજી મ.સા.નું સાહિત્યસર્જનઃ
પ્રાર્થના મંદિર કવિવર્ય નાનચંદ્રજી મહારાજ “સંત શિષ્ય' દ્વારા તૈયાર કરાયેલ આ સુંદર પ્રાર્થના સંગ્રહ છે. જેમાં પ્રાર્થનાઓ, ભજનો અને ધૂનો સંગૃહીત થયેલ છે. આમાં કવિવર્યે પોતાના સ્વરચિત રચનાઓ ઉપરાંત સુપ્રસિદ્ધ સંતો અને ભક્તકવિઓની રચના સંગૃહીત કરી છે.
આ સંગ્રહની અંદર આવૃત્તિઓ પ્રકાશન પામી ચૂકી છે તે જ એની લોકપ્રિયતાનો પુરાવો છે.
સંસ્કૃત કાવ્યાનંદ ૧થી ૩ મુનિશ્રી નાનચંદ્રજી સ્વામીએ આ નાનકડી પુસ્તિકામાં ૩૭૧ સુંદર અને પ્રસિદ્ધ શ્લોકોનું સંકલન કર્યું છે.
સંસ્કૃત કાવ્યાનંદનો આ બીજો અને ત્રીજો ભાગ પ્રબોધ પ્રભાકર' રૂપે પ્રગટ થયો.
આ પુસ્તિકામાં સંસ્કૃત ગ્રંથો જેવા કે ગીતા, વિવેક ચૂડામણિ, જ્ઞાનાર્ણવ, હૃદયપ્રદીપ, વિચારપ્રદીપ, ગરુડપુરાણ વગેરેમાંથી ખાસ ચૂંટવામાં આવેલા શ્લોકો, વિવિધ વિષયો પરનો બોધદાયક સુભાષિત સંચય ઈત્યાદિ સાહિત્યસામગ્રી આપવામાં આવી છે.
પૂ. નાનચંદ્રજીના શિષ્ય મુનિશ્રી સંતબાલજીએ ગીતાના આ શ્લોકોમાંથી પ્રેરણા મેળવી જેન દૃષ્ટિએ ગીતાદર્શનના બે સુંદર ગ્રંથોની રચના કરી.
પ્રેરણા પીયુષ આત્માના ઊર્ધ્વકરણના હેતુને લક્ષમાં રાખીને કવિવર્ય નાનચંદ્રજી મ.સા. સંપાદિત ૧૧૨ પાનાના આ પુસ્તકમાં મહર્ષિ અરવિંદ ઘોષની જીવનની ઝાંખી કરાવતો ‘અધ્યાત્મ પથદર્શન' નામનો લેખ પૂરા ૪૫ પાનાનો છે. તત્ત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી સુશીલે અરવિંદના બંગાળી અને અંગ્રેજી સાહિત્યમાંથી તારવેલ સાધક જીવનને ઉપયોગી થાય એવી સુંદર કંડિકાઓનું આ સંકલન છે. આ કંડિકાઓ આધ્યાત્મિક જીવનની અભીપ્સા સેવનારાઓ માટે ખરેખર ઉપયોગી તેમજ માર્ગદર્શક બની રહે છે.
જ્યારે પરમેશ્વરની હજુરમાં એ શીર્ષક નીચેના લખાણમાં ચિંતક અને લેખક વાડીલાલ મોતીલાલ શાહે ભક્તિયોગની દૃષ્ટિએ જૈન તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરેલ છે. છેલ્લે સંસ્કૃત સુવાક્યો, આગમ સુધાબિંદુ અને વચનામૃતો છે.
કવિવર્ય નાનચંદ્રજી મ.સા.નું જૈનસાહિત્યમાં યોગદાન ૯૯