________________
જેણે પ્રથમ રાજા, પ્રથમ લગ્નસંસ્થા, પ્રથમ સમાજવ્યવસ્થા, પ્રથમ રાજ્યવ્યવસ્થા આપી તે ઋષભદેવ સર્વ પ્રથમ હૃદયસ્થ રિપુઓ સામે જંગે ચઢવાનું આવાહન કરે છે. કામ, ક્રોધ, લોભ, મોહમાયા જેવા કષાયો રૂપી શત્રુ સામે લડવાનું અને તેમાં જીત મેળવનાર ભગવાન શ્રી ઋષભદેવ દ્વારા લેખક સૂચવે છે કે ગતને જીતી જનારો જો જાતને ન જીતી શક્યો તો એનો વિજય ઝાકળના જળબિંદુ સમાન ક્ષણિક છે. લેખક ઋષભદેવના પાત્ર દ્વારા આ સૂપેરે સૂચવે છે.
યુગલિકોની અજ્ઞાનઅવસ્થાને દૂર કરતો નાદ જેટલી વ્યાપકતાથી અને અણીશુદ્ધ રૂપે ભગવાન શ્રી ઋષભદેવે વર્તમાન કાળમાં પ્રથમવાર જગાવ્યો છે એટલો ઝૂતના અન્ય ચરિત્રોમાં ભાગ્યે જ જોવા મળે છે. એટલે જ આ ચરિત્ર લેખક શ્રી જયભિખ્ખના આકર્ષણનું કેન્દ્ર બન્યું.
લેખક સ્વતંત્રતાની શરૂઆતના સમયને સંદર્ભમાં રાખીને કહે છે કે, આપણું આધ્યાત્મિક ઊર્ધ્વગમનવાળું સંસ્કારી શુદ્ધ જીવન પણ આજની અનેક પ્રકારની રાજકીય ઊથલપાથલો અને વિદેશી સત્તા સાથેના સંઘર્ષમય જીવનમાં આપણે ગુમાવી બેઠા છીએ. આપણું હૃદય આપણા પ્રાચીન ગળથૂથીના સંસ્કારોને હૃદયસ્થ કરીને બેઠું છે અને આપણી બુદ્ધિ નવીનતા તરફ આકૃષ્ટ થઈ રહી છે. હૃદય અને બુદ્ધિના આ અસમંજસના કપરા સમયે ભગવાન શ્રી ઋષભદેવનું ચરિત્ર ઘણુંબધું કહી જાય છે. “સાદું અને નિખાલસતાપૂર્વકનું જીવન જીવી શકીએ તેવી કલા હસ્તગત કરીએ. માનવમાત્ર તરફ બંધુ પ્રેમની અને સહૃદયતાની ભાવના કેળવો.”
સંસ્કારપ્રિય સર્જક જયભિખ્ખું કથાત્રયીમાં જીવનપોષક વિચારોને સતત ગૂંથતા જણાય છે. તેથી જ કથાત્રયીના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં તેઓ કહે છે કે કોઈ પણ કળા જીવનમાં આનંદને પ્રગટ કરતી હોવી જોઈએ અને એ આનંદ આત્માને ઊર્ધ્વગતિએ લઈ જતો હોવો જોઈએ. સાદું અને નિખાલસ જીવન અર્થાત્ સત્ય અને અહિંસાવાળું જીવન જીવવાની કળા શીખવી. આ દૃષ્ટિએ આ કથાત્રયીને તપાસીએ તો જીવન-સંસ્કારને પ્રગાટવતા અનેક સંદેશાઓ લેખકે ભગવાન શ્રી ઋષભદેવ દ્વારા આપ્યા છે. જેમ કે શ્રી ઋષભદેવ જીવનવિકાસ માટે પુરુષાર્થ પર ભાર મૂકે છે. માનવ સ્વયં જ માનવનું ભલું કરશે એમ માને છે. સ્વર્ગ જેવી પૃથ્વી માનવે પોતાની પાપવૃત્તિથી નર્ક સમાન કેવી રીતે બનાવી એ વિશે ઋષભદેવ કહે છે –
પ્રકૃતિની અપાર શક્તિને તમારી પુરુષશક્તિ પિછાની ન શકી. માતા પ્રકૃતિના હાથમાંથી ભરણપોષણનો ભાર તમે માથે લીધો. પેટપૂર જોઈએ એ તમારો પહેલો હક! પેટ પર પોટલો બાંધવાની વૃત્તિ એ તમારું પહેલું પાપ! તમારા હૈયામાંથી આશા ગઈ, તમે શ્રદ્ધા ખોઈ, સંયમ ખોયો, સ્વાચ્ય ખોયું એ બીજું પાપ! પરિણામે ચોરી તમારી જીવનવૃત્તિની મુખ્ય પ્રવૃત્તિ બની, ઉદરવૃત્તિ એ તમારું પરમ ધ્યેય બન્યું. પુરુષાર્થને બદલે આલસ્યને તમારો અધિનેતા બનાવ્યો.
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખ્ખું + ૧૮૫