________________
જૂન, ૧૮૯૩નો પત્ર મોકલવામાં આવ્યો. આ પત્ર તેમણે જૈન એસોસિએશન ઓફ ઇંડિયાને મોકલી આપ્યો. સાથોસાથ પરિષદમાં ભાગ લેવા માટે જૈન ધર્મનાં પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદભાઈને મોકલવાનો પ્રસ્તાવ પણ આપ્યો, જેનો સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો, કારણ કે તેઓ પ્રખર અભ્યાસી, વિદ્વાન અને સૌમ્ય પરંતુ સ્પષ્ટ વક્તા પણ હતા.
પરિષદમાં જૈન ધર્મની યોગ્ય રજૂઆત થઈ શકે તે માટે વીરચંદભાઈએ પૂ. આત્મારામજી મ.સા. પાસે અમૃતસરમાં છ માસ રહીને અભ્યાસ કરીને સંપૂર્ણ તૈયારી કરી.
મુનિશ્રી આત્મારામજી મહારાજ તરફથી પાઠવવામાં આવેલ શુભ-ભાવના, પરિચય તથા ચિકાગો પ્રશ્નોત્તરથી પ્રભાવિત થયેલા પરિષદના આયોજકોએ સર્વધર્મ પરિષદના અહેવાલ (રિપોર્ટમાં તેમનો ફોટો તથા સુંદર માનવાચક પરિચય પ્રગટ કર્યા હતા.
જૈન ધર્મના તત્ત્વજ્ઞાનને, જૈન ધર્મથી તદ્દન અજાણ એવા વિશ્વના અન્ય ધર્મોનાં નિષ્ણાતો સમક્ષ ટૂંકા સમયમાં રજૂ કરવાનું કાર્ય લગભગ અશક્ય કહી શકાય તેવું હતું. આ કાર્ય માટે વ્યક્તિની વિદ્વત્તા, વાકચાતુર્ય, તુલનાત્મક અધ્યયન શક્તિ, તર્કબદ્ધ સચોટ તથા સરળ ભાષામાં સૌમ્ય રજૂઆત, ભારતીય ત્રણ દર્શનો - હિંદુ, જૈન અને બૌદ્ધ દર્શનોનો ઊંડો અભ્યાસ તદ્દઉપરાંત, મુસ્લિમ અને ઈસાઈ ઉપરાંત વિશ્વનાં ધર્મોનો તલસ્પર્શી અભ્યાસ હોય તેવી વ્યક્તિની જરૂર હોય, જે સર્વ ગુણોનો સમન્વય વીરચંદભાઈ ગાંધીમાં હતો. જે પિછાણીને તેમની પસંદગી કરવામાં પૂ. આત્મારામજી મહારાજની વિદ્વત્તા, વ્યક્તિની ઓળખ અને દુર-અંદેશીપણાની સર્વોત્તમ શક્તિનાં આપણને દર્શન થાય છે. | શ્રી વીરચંદભાઈ શ્રાવકના આચારોનું સંપૂર્ણ પાલન જીવન પર્યંત કરનાર ચુસ્ત જૈન હતા. લાંબી દરિયાઈ મુસાફરી તથા લાંબા વિદેશ વસવાટ દરમિયાન આ આચારોનું પાલન કઠિન સમસ્યા હતી. આખી વિદેશયાત્રામાં શુદ્ધ જૈન ભોજન મળી શકે તે માટે તેમનાં મિત્ર, મહુવાનાં જાદુ-કળાના નિષ્ણાત શ્રી નથુ મંછાને સાથે લઈ ગયા હતા. મોટી મુશ્કેલી સ્ટીમર ઉપર લોઢાનો ચૂલો રાખી રસોઈ કરવાની ખાસ રજા લેવાની હતી. આ માટે સ્ટીમર કંપની પી એન્ડ ઓને તેમના એજન્ટ થોમસ કુક એન્ડ સન મારફત અરજી કરીને રજા મેળવી તથા એ માટે એ જમાનાની મોટી રકમ રૂ. ૧O/-ની ફી ભરેલ. મુંબઈથી એડન, એડનથી બ્રીડીસી તથા સાઉધમ્પટનથી ન્યુયોર્ક એમ ત્રણ સ્ટીમરમાં મુસાફરી કરી તેમ જ ત્રણે સ્ટીમરના કપ્તાન પાસેથી શ્રી વીરચંદભાઈએ ભોજનની અલગ વ્યવસ્થા કરી હતી અને સ્ટીમરનો ખોરાક વાપર્યો ન હતો તેવા સર્ટિફિકેટ પણ લીધા હતા. રસ્તામાં જ્યાં ટ્રેન મુસાફરી હતી તથા રોકાવું પડ્યું ત્યાં સૂકો મેવો અને ફળોથી ચલાવ્યું હતું. લંડનમાં છ દિવસ રોકાવું પડ્યું હતું. લંડનથી સાઉધમ્પટન ગયા, ત્યાંથી ન્યુયોર્ક માટેની સ્ટીમરમાં બેઠા. સ્ટીમરમાં
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૨૩