________________
થયાં છે. પાંચમા ભાગમાં પરિશિષ્ટ વિભાગમાં બાકી રહેલા અર્ધમાગધી શબ્દો ઉપરાંત મહારાષ્ટ્રી, પ્રાકૃત અને દેશ્ય શબ્દોનો સંગ્રહ કરવામાં આવેલ છે. આમ આ કોશના પાંચે ભાગો આગમ સાહિત્યના અભ્યાસીઓ માટે તથા સંશોધકો માટે ખાસ ઉપયોગી પુરવાર થાય છે.
૩. જૈન સિદ્ધાંત કૌમુદી :
ગુરુદેવ કૃત જૈન સિદ્ધાંત કૌમુદી' એ જૈન આગમોની અર્ધમાગધી ભાષાનું સંપૂર્ણ વ્યાકરણ છે. પાલિભાષાના ’ચ્ચાયણ’ અને ‘મોગલાન’ વ્યાકરણની જેમ તેમણે અર્ધમાગધીનું સ્વતંત્ર વ્યાકરણ રચી જૈન આગમોની ભાષા સંસ્કૃત પરાવલંબી નહિ પણ તે સ્વતંત્ર ભાષા છે તે સિદ્ધ કર્યું અને આગમ ભાષાને જીવંત બનાવી છે. આ ગ્રંથમાં ચા૨ અધ્યાયો છે. પાણિનિ ઋષિના સૂત્રોમાં ક્યાંક ક્યાંક અઘરાપણું દેખાય છે જ્યારે આ ગ્રંથમાં વધુ સરળતા, સ્પષ્ટતા આપી છે. તેનાં સૂત્રો તથા તેની વૃત્તિ ઉપર તેમણે સંસ્કૃત ટીકા રચી છે. જેથી આ વ્યાકરણનાં સૂત્રો તથા વૃત્તિને સમજવામાં ઘણી સરળતા પડે છે.
૪. કર્તવ્ય કૌમુદી :
આગમ ગ્રંથો સિવાય તેમણે સામાજિક, ધાર્મિક, અને આધ્યાત્મિક ગ્રંથ રચના પણ કરી છે. તેમાંની એક એટલે ‘કર્તવ્ય કૌમુદી' જૈન તેમ જ જૈનેતર સૌને ગૃહસ્થાશ્રમમાં માર્ગદર્શક બને તેવો ગ્રંથ રચ્યો. આ ગ્રંથના બે વિભાગ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં ત્રણ ખંડ છે. તેમાંથી પ્રથમ ખંડમાં સામાન્ય નીતિનો, બીજા ખંડમાં બ્રહ્મચર્યાશ્રમનો એટલે કે વિદ્યાર્થી અવસ્થાના કર્તવ્યોનો અને ત્રીજા ખંડમાં ગૃહસ્થાશ્રમનાં કર્તવ્યોનો બોધ આપવામાં આવ્યો છે. બીજા વિભાગમાં બે ખંડો છે. પ્રથમ ખંડમાં મનુષ્યની ત્રીજી અવસ્થા એટલે કે વાનપ્રસ્થાશ્રમનાં કર્તવ્યોનો બોધ આપ્યો છે. અને બીજા ખંડમાં સંયમી આત્માઓનાં કર્તવ્યોનો બોધ છે. ત્રીજામાં મર્યાદિત ત્યાગ અને ચોથીમાં સંપૂર્ણ ત્યાગ સૂચવેલ છે. ત્રીજી અવસ્થામાં મુખ્ય કર્તવ્ય નિષ્કામ સેવા છે. એ સેવા કુટુંબ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના નાનામોટા તમામ જીવો સુધી આગળ વધે છે. આમ આ ગ્રંથમાં મનુષ્યને જીવન ઉપયોગી જ્ઞાન પીરસ્યું છે.
૫. ભાવનાશતક :
આ ગ્રંથમાં સો જેટલા સંસ્કૃત શ્લોકો છે. તેમાં પ્રથમ મૂળ શ્લોકો, તે પછી તેનો અર્થ અને પછી એક-એક શ્લોક ઉ૫૨ દાખલા-દૃષ્ટાંત સાથે ગુજરાતી ભાષામાં લખેલું વિવેચન આપ્યું છે. આ ગ્રંથમાં આત્માનું કલ્યાણ કરવા ઇચ્છનારાઓ માટે બાર ભાવનાઓનું વિસ્તૃત વિવેચન આપ્યું છે. તે બાર ભાવનાઓ (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકત્વભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિ ભાવના, (૭) આશ્રવ ભાવના, (૮) સંવર ભાવના,
૪૬૦ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો