________________
ત્યાં પહોંચ્યા પછી પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મરુભોમમાં વેરવિખેર ગામડાં, અબુધ પ્રજાજનો સાથે પનારો પડવો, બળબળતી રેતીમાં ખુલ્લે પગે પ્રવાસ ખેડવો, જ્ઞાનભંડારના નિયમકડ રક્ષકોને રીઝવવા, આ બધું જ સહીને જેસલમેરના જ્ઞાનભંડારમાં સંશોધન કાર્ય હાથ ધર્યું. ત્યાંના દોઢેક વર્ષના રોકાણ દરમિયાન ખાવાપીવાની પણ પ્રતિકૂળતા. મકાઈના રોટલા ને જાડી દાળ પર જ એઓશ્રી દિવસો ગુજારતા. પીવાના પાણીની પણ ભારે તંગી રહેતી, પરંતુ આ સંકટમય સંજોગો એઓશ્રીની અવિરત કર્મયાત્રાને સહેજ પણ થંભાવી શક્યા નહિ. આખા ભંડારને પુનર્વ્યવસ્થિત કર્યો તેમ જ શ્રમસાધ્ય વિસ્તૃત સૂચિ તૈયાર કરી. દુષ્માપ્ય હસ્તપ્રતોની જાળવણી કેમ થાય એનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. ત્યાંની અમૂલ્ય તાડપત્રીઓની એમણે માઈક્રો ફિલ્મ લેવડાવી કે જેથી પછીના કાળમાં સહુ એનો ઉપયોગ કરી શકે. આ તાડપત્રીઓનો ભારતના તેમજ ભારત બહારના પણ અનેક અભ્યાસીઓએ ઉપયોગ કર્યો પણ છે. જેસલમેરનું કાર્ય મુનિશ્રીજીની તીવ્ર જ્ઞાનોપાસના, દૂરંદેશીપણું તેમ જ અપાર ખંતની ગવાહી પૂરે છે.
જૈન આગમોનો અદ્યતન ઢબે અભ્યાસ કરી તેની પુનર્વાચનાઓ તૈયાર કરવાનો એમનો પુરુષાર્થ શિરમોર સમાન છે. પિસ્તાળીશ જેટલા જેન આગમોનો, એની નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાઓનો પ્રથમ તો કેટલાંક વર્ષો સુધી એમણે મૂક અભ્યાસ કર્યો, ત્યાર પછી સંનિષ્ઠ લહિયાઓની મદદથી એમણે સંપાદન તૈયાર કર્યા. એ સમયે એ લહિયાઓને ચૂકવવાના પૂરા પૈસાની પણ સગવડ નહિ. છતાંય પોતાનું અજાચક વ્રત એમણે છોડ્યું નહિ. ઈ. ૧૯૪૬૪૮માં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને જાણ થતાં એમણે મુનિશ્રીનું કાર્ય નિહાળ્યું અને પ્રસન્ન થઈ લહિયાઓનું લહેણું ભરપાઈ કરી આપ્યું, એટલું જ નહિ પણ મુનિજીને પોતાનું સંશોધનકાર્ય આગળ ધપાવવામાં સર્વ રીતે સહાય કરવાનું એમણે વચન આપ્યું. આ આગમોની છેલ્લી વાચનાઓ લગભગ પંદર સો વર્ષ પૂર્વે વલભીપુરમાં શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના માર્ગદર્શન નીચે તૈયાર થયેલી, ત્યાર પછી છેક આ સમયે મુનિશ્રી પુણ્યવિજયજીએ અપાર પુરુષાર્થથી જે નવી વાચનાઓ તૈયાર કરી એ જૈનધર્મમાં અને આ સદીના સંપાદન ક્ષેત્રે અમૂલ્ય અને અદ્વિતીય પ્રદાન લેખાશે.
મહારાજશ્રીએ વિશાળકાય બૃહતકલ્પસૂત્રનાં અનેક પરિશિષ્ટો અને પ્રસ્તાવનાથી અલંકૃત કરેલા સંપાદન પછી નિર્યુક્તિઓના કર્તા ભદ્રબાહુસ્વામી પહેલા કે બીજા” એ વિષયનો એક લેખ તૈયાર કરેલ. તેમણે નિર્યુક્તિઓના આંતરબાહ્ય પરીક્ષણ પછી નિર્ણય કર્યો કે મળી આવતી કેટલીક નિર્યુક્તિઓ અવશ્ય ચૌદ પૂર્વધર ભદ્રબાહુસ્વામીની નહિ પરંતુ વરાહમિહિરના ભાઈ બીજા ભદ્રબાહુસ્વામી રચિત લાગે છે. એમનો આ નિર્ણય જૈન સાધુસમાજમાં નિર્યુક્તિઓ બધી પહેલા ભદ્રબાહુસ્વામી રચિત છે. એવી માન્યતાઓ સામે ખળભળાટ મચાવે એવો હતો. તેમણે કેટલાંયે પ્રમાણો આપીને પોતાના નિર્ણય વિષયક લેખ લખેલ જે એક જેને માસિક પત્રમાં પ્રગટ કરવા આપવામાં આવ્યો. પરંતુ માસિક પત્રના
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી + ૪૮૧