________________
અને તે પણ જાણે કાળના મોંમાં કોળિયો થતાં બચી ગયું હોય એ રીતે.
મણિલાલ જ્યારે ચારેક માસના હતા અને ઘોડિયામાં ઝૂલતા હતા એ વખતે એક દિવસ એમને ઘરમાં મૂકીને માતા નદીએ કપડાં ધોવા ગયેલાં. પાછળ એકાએક મહોલ્લામાં આગ લાગી અને એમાં માણેકબહેનનું ઘર પણ ઝડપાઈ ગયું. એ વખતે ત્યાંથી પસાર થતા એક મુસલમાન વહોરા ભાઈએ મકાનમાંથી આવતો બાળકનો રુદનનો સ્વર સાંભળ્યો. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તે તરફ ધસી જઈ, અગનજ્વાળા વચ્ચે પારણામાં સૂતેલા બાળકને લઈને વહોરાભાઈ બહાર નીકળી ગયા.
આ તરફ માતા નદીએથી પાછી ફરી. આગમાં ભરખાયેલું પોતાનું મકાન જોતાં એણે માની લીધું કે પોતાનો પુત્ર જરૂર આગમાં સ્વાહા થઈ ગયો હશે, પરંતુ બીજા દિવસે વહોરા ભાઈએ માતાનો પુત્ર એના હાથમાં મૂક્યો. એ વખતે બાળકને આમ અકસ્માતમાંથી ઉગારી લેવા પાછળ ભાવિમાં વિદ્વવર્ય વિભૂતિના પ્રાકટ્યનો દૈવી સંકેત કોણ કળી શક્યું હશે?
અકસ્માતના બનાવ બાદ પિતાશ્રી ડાહ્યાભાઈ માતા-પુત્રને મુંબઈ પોતાની પાસે લઈ ગયા. મુંબઈમાં પિતૃછાયા નીચે અંગ્રેજી છ ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યાં જ પિતાનું અવસાન થયું. ધર્મનિષ્ઠ વિધવા માતા માણેકબહેનનું અંતર વૈરાગ્ય ઝંખી રહ્યું હતું, પરંતુ પુત્રની બાળવય જોઈને વિચારમાં પડી ગયાં. આખરે પુત્રને પણ દીક્ષા લેવડાવવામાં જ શ્રેય માન્યું. બંનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યું. પુત્ર મણિલાલને શ્રી કાંતિવિજયજીના મુનિમંડળને ચરણે સોંપ્યો. વિ.સં. ૧૯૬૫ના માહ વદિ પાંચમના દિવસે મણિલાલે વડોદરા પાસે છાણી ગામમાં મુનિવર્ય શ્રી ચતુરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. નામ પુણ્યવિજયજી રાખવામાં આવ્યું. ત્યારે તેઓની ઉંમર ચૌદ વર્ષની હતી. મણિલાલની દીક્ષા પછી બે દિવસે જ માણેકબહેને શ્રી મોહનલાલજી મહારાજના સમુદાયમાં પાલિતાણામાં દીક્ષા અંગીકાર કરી. એમનું નામ સાધ્વીજી શ્રી રત્નશ્રીજી અપાયું.
મુનિશ્રી પુણ્યવિજયજીની સાચી કેળવણીનો પ્રારંભ દીક્ષિત જીવનના આરંભથી જ થયો કહેવાય. પ્રગુરુ કાંતિવિજયજી અને ગુરુ ચતુરવિજયજીએ નવદીક્ષિત પુણ્યવિજયજીમાં ઊંડો રસ લઈ એમને કેળવણીની કેડીએ લાવી મૂક્યા. ગુરુ ચતુરવિજયજી તો સંશોધન અને સંપાદન પ્રવૃત્તિમાં ઊંડો રસ ધરાવતા હતા. એમના જ સહવાસથી મુનિશ્રીમાં સંશોધનની જિજ્ઞાસા મહોરી ઊઠી, જેના ફળરૂપે સુદીર્ઘ સંશોધનપ્રવૃત્તિ જોઈ શકાય છે.
પ્રગુરુ કાંતિવિજયજીની વૃદ્ધાવસ્થા હોઈ પ્રશિષ્ય પુણ્યવિજયજીને સતત અઢાર વર્ષ એમની પાસે સેવાર્થે પાટણમાં જ રહેવાનું થયેલ. મળેલી તકનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. સૈકાઓથી સંઘરાયેલી, વિવિધ જ્ઞાનથી ખચિત હસ્તલિખિત પોથીઓથી સમૃદ્ધ એવા પાટણના બધા જ જ્ઞાનભંડારોનું એમણે એ દરમિયાન અવલોકન
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી + ૪૭૯