________________
શ્રી ભોગીલાલભાઈના જીવનમાં નિશાળના અભ્યાસ સમયે એક મોટી ઘટના બની. ઈ. સ. ૧૯૩૧માં પાટણમાં મુનિ જિનવિજ્યજી આવ્યા. તેઓ સિંઘી ગ્રંથમાળાની સામગ્રી એકત્રિત કરવા માટે પાટણ આવ્યા હતા અને જૈન બૉર્ડિંગમાં ઊતર્યાં હતા. આ સમયે નવમા ધોરણમાં ભણતા શ્રી ભોગીલાલભાઈ મુનિ જિનવિજ્યજીને મળ્યા અને પોતાને આવડે એવા સવાલો કર્યાં. મેળાપને અંતે મુનિ જિનવિજ્યજીએ કહ્યું કે તમે કાલે આવજો, હું પુણ્યવિજ્યજી પાસે તમને લઈ જઈશ. બીજે દિવસે મુનિજી એમને પુણ્યવિજ્યજી પાસે લઈ ગયા અને કહ્યું કે તમને એક વિદ્યાર્થીની સોંપણી કરવા આવ્યો છું.
પૂજ્ય પુણ્યવિજ્યજી અને મુનિ જિનવિજયજીની ગુજરાતની સાહિત્યિક સમૃદ્ધિ જાણવાની તમન્ના શ્રી ભોગીલાલભાઈને સ્પર્શી ગઈ. અને મુનિશ્રી પુણ્યવિજયજીના માર્ગદર્શન હેઠળ પાટણના પ્રાચીન ગ્રંથભંડારોના અવલોકન અને ઉપયોગની પૂરી અનુકૂળતા પ્રાપ્ત થઈ. એનો યોગ્ય ઉછેર કરે તેવા પ્રાચીન ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને સંશોધક શ્રી રામલાલ ચુનીલાલ મોદીનો મેળાપ થયો. એ સમયે શ્રી રામલાલભાઈ પાટણ હાઈસ્કૂલમાં શિક્ષક હતા. શ્રી રામલાલભાઈ સરકારી તંત્રમાં એક મૅટ્રિક્યુલેટ શિક્ષક તરીકેની નાની નોકરી કરતા હતા. આ નોકરી અંગે સંશોધનનાં સાધનો કે જરૂરી પુસ્તકો મળે નહિ એવાં નાનાં ગામોમાં વર્ષો સુધી રહેવું પડયું. આર્થિક મુશ્કેલીઓ પણ એટલી જ, પરંતુ આ બધી આફ્તોની સામે કોઈ પૂર્વવાસનાથી પ્રેરાઈને કાર્ય કરતા હોય તેમ એમણે ગુજરાતના ઇતિહાસ, પુરાતત્ત્વ અને ભાષાસાહિત્યમાં ઉત્તમ સંશોધન કર્યું. શ્રી રામલાલભાઈની વૈજ્ઞાનિક દૃષ્ટિ, મૌલિક સામગ્રીના અન્વેષણની સૂઝ, વસ્તુઓ અને વિચારોના આંતરસંબંધો સમજવાની અને સમજાવવાની કલ્પનાશક્તિ તેમ જ અનેક વિદ્યાઓમાં વિહરતી એમની શાસ્ત્રવ્યુત્પત્તિ શ્રી ભોગીલાલભાઈને સ્પર્શી ગયાં. પાટણ હાઈસ્કૂલના હેડમાસ્તર શ્રી કલ્યાણરાય નથ્થુભાઈ જોશી પાસેથી પ્રેરણા મળી. કિશોર ભોગીલાલભાઈને સંશોધનમાં રસ પડવા માંડ્યો.
આ સમયે એમનો અભ્યાસ તો આગળ ચાલુ જ હતો. મૅટ્રિકમાં આવ્યા. બધા વિષયમાં પારંગત, પણ એક ગણિતનો વિષય સહેજે ન ફાવે. વાંચન અને સંશોધન એટલું બધું ચાલતું કે ગણિત પર સતત ધ્યાન આપી શકાતું નહિ. ઈ.સ. ૧૯૩૩માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં બેઠા, પણ ગણિતમાં નાપાસ થયા. ફરી વાર ઈ. સ. ૧૯૩૪માં મૅટ્રિકની પરીક્ષામાં બેઠા, પણ પરિણામ એ જ આવ્યું. શ્રી ભોગીલાલભાઈએ માન્યું કે હવે કૉલેજના દરવાજા પોતાને માટે બંધ થઈ ચૂક્યા છે. ૧૯૩૪માં અમદાવાદ આવ્યા. એમના મિત્ર શ્રી યશવંત શુક્લે મૅટ્રિકની પરીક્ષામાં બેસવા માટે ઘણો આગ્રહ કર્યો. ન્યૂ હાઈસ્કૂલમાંથી તેઓ મૅટ્રિકની પરીક્ષા આપવા બેઠા. એ વર્ષે એવો સુખદ અકસ્માત બન્યો કે પરીક્ષકે એક દાખલો ખોટો પૂછ્યો હતો. સૂરત અને અન્ય શહેરોમાંથી આ અંગે પરીક્ષા પછી વિરોધ જાગ્યો. પરિણામે મૅટ્રિકની પરીક્ષામાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને છ ગુણ બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : શ્રી ભોગીલાલ સાંડેસરા - ૫૪૧