________________
ભાવનગરમાં શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના પરમ પૂજ્ય આત્મારામજી મહારાજ (આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી)ના સ્વર્ગવાસ પછી તેઓશ્રીના અનુયાયીઓ અને પ્રશંસકોએ ભક્તિભાવ નિમિત્તે, તેઓશ્રીની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે હેતુથી ૧૮૯૬માં કરેલ હતી. આ સભાનો એક હેતુ પૂર્વાચાર્યોએ રચેલ જૈન સાહિત્યના સંશોધન, પ્રકાશન અને પ્રચારનો હતો. તે કાર્યનો પ્રારંભ કરવામાં અને તેને વેગવંત કરી પ્રશસ્ત બનાવવામાં શ્રી કાંતિવિજયજી મહારાજ, શ્રી ચતુરવિજયજી મહારાજ તેમજ શ્રી પુણ્યવિજયજી મ.સા.નો પુરુષાર્થ અસાધારણ રહ્યો છે. શ્રી ચતુરવિજયજી મ. સાહેબે વિ. સં. ૧૯૬૬માં, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓમાં પૂર્વાચાર્યોએ લખેલા આગમ, દર્શન, કર્મવાદ, અનુયોગવિષયક ગ્રંથો મૂળ, ભાષ્ય, ટીકા, અવચૂરિ વગેરે સહિત સંશોધિત કરીને પ્રસિદ્ધ કરવાની યોજના ઘડી અને તે યોજનાને “શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલા એવું નામ આપીને તેને સરળ બનાવવાનો ભાર પોતે જ ઉપાડી લીધો, ત્યારે શ્રી પુણ્યવિજયજી મહારાજની ઉંમર માત્ર ચૌદ પંદર વર્ષની હતી. અને તેમણે તાજી જ દીક્ષા લીધી હતી, પરંતુ વય અને અભ્યાસ વધતાં તેઓ ગુરુદેવ સાથે આ કાર્યમાં જોડાયા અને વિ.સં. ૧૯૯૬માં ગુરુદેવના કાળધર્મ પામ્યા પછી, આ ગ્રંથરત્નમાલાના પ્રકાશનની સઘળી જવાબદારી તેમણે સ્વીકારી લીધી.
શ્રી આત્માનંદ ગ્રંથમાલામાં નાનામાં નાનાં અને મોટામાં મોટાં અજોડ મહત્ત્વના ગ્રંથો પ્રકાશિત થયા છે. નાનાં-મોટાં સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણોનો સમૂહ તેમાં પ્રસિદ્ધ થયો છે એ તેની વિશેષતા છે. જેને શ્રમણ-શ્રમણીઓને ખૂબ જ લાભ થયો છે. આગમિક, દાર્શનિક, ઐતિહાસિક, કાવ્ય-નાટક વિષયક વિધવિધ સાહિત્યના જે ગ્રંથો પ્રસિદ્ધ થયા તેમાંના ઘણા મોટા ભાગના ગ્રંથોના સંપાદન અને પ્રકાશનની સંપૂર્ણ કાર્યવાહી ગુરુ-
શિષ્યની આ બેલડીને આભારી છે. બૃહત્કલ્પસૂત્ર (છ ભાગમાં), છ કર્મગ્રંથો (બે ભાગમાં), ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર મહાકાય (ચાર પર્વ, બે ભાગમાં) વસુદેવ હિંડી બે ભાગમાં) અને અન્ય એવા અતિ કઠિન ગ્રંથોનું તેમનું સંશોધન-સંપાદન સગવિશુદ્ધ, શાસ્ત્રીય તેમ જ એના પ્રસ્તાવના, પરિશિષ્ય અભ્યાસપૂર્ણ અને અન્ય સંશોધનકાર્યમાં અતિ ઉપયોગી થઈ પડે તેવા છે. પૂર્વના તેમ જ પશ્ચિમના પ્રખ્યાત વિદ્વાનોએ આ સંપાદનોની મુક્તકંઠે પ્રશંસા કરી છે, જે શ્રી પુણ્યવિજયજી મહારાજની વિદ્વત્તા અને પ્રતિભાની કીર્તિગાથા બની રહે એવી છે.
સને ૧૯૬૦ના અરસામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તે સમયના માનદ્દમંત્રી શ્રી ચંદુલાલ શાહને વિદ્યાલય તરફથી મૂળ આગમસૂત્રો પ્રગટ કરવાનો વિચાર આવ્યો, જે તેઓએ મહારાજશ્રીને જણાવતાં પંડિત દલસુખભાઈ સાથે વિચારવિનિમય કરીને આગમો પ્રકાશિત કરવાની યોજના તૈયાર કરી આપી અને આ યોજનાના મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી સ્વીકારી. તે યોજના મુજબ ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા અને મહારાજશ્રીનો સ્વર્ગવાસ થયો! ૪૮૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો