________________
(૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના, (૧૧) બોધિદુર્લભ ભાવના અને (૧૨) ધર્મ ભાવના છે.
આ બાર ભાવનાઓનું વારંવાર ચિંતન કરવાથી મનુષ્ય પોતાની વિચારધારાને સુધારી શકે છે. તુચ્છ-હલકા વિચારોને બદલે ઊર્ધ્વગામી વિચારો કરવાથી મનુષ્યનું જીવન પણ ઊર્ધ્વગામી બને છે અને જેવા વિચાર સુધર્યા કે વાણી અને વર્તન તેના આપોઆપ સુધરી જાય છે. આમ બાર ભાવના રૂપી અમૃતનું પાન આ ગ્રંથ દ્વારા તેમણે કરાવ્યું છે. ૬. રત્નગદ્યમાલિકા :
ગુરુદેવે લખેલાં થોડાક લેખો તેમ જ વ્યાખ્યાનો રત્નગદ્યમાલિકામાં પ્રગટ થયાં છે પણ અત્યારે તો તે પણ અપ્રાપ્ય છે. આ ગ્રંથમાં તેમણે સમભાવ, ભ્રાતૃભાવ, દેશદાઝ અને સ્વધર્મી વાત્સલ્યને દિવાળીના તેજસ્વી કિરણો રૂપે ઓળખાવ્યાં છે. જૈન દૃષ્ટિની વિશાળતા એ લેખમાં તેમણે અનેકાંત દૃષ્ટિની સમજણ આપી છે. પુનર્જન્મના સિદ્ધાંતને વૈજ્ઞાનિક દગંતો વડે સિદ્ધ કર્યો છે. માંસ મદિરા જેવા અભક્ષ્ય શરીર માટે હાનિકારક છે એ પશ્ચિમના વિદ્વાનોના અભિપ્રાયો સાથે બતાવ્યું છે. તેમ જ સાંપ્રદાયિકતાથી કેવી હાનિ થાય છે એનું પણ વિશ્લેષણ કર્યું છે. બાળલગ્ન અને કન્યાવિક્રય નિષેધ વગેરે વિષયો પર પણ પ્રકાશ પાડ્યો છે. ૭. અજરામરજી સ્વામીનું જીવનચરિત્ર:
ગુરુદેવે ગ્રંથરચનાની શરૂઆત સૌ પ્રથમ કર્તવ્ય કૌમુદી અને અજરામરસ્તોત્ર સહિત તેમના જીવનચરિત્રથી કરી હતી. આ જીવનચરિત્ર લખતાં પહેલા તેમણે ભક્તામર પાદપૂર્તિ સહિત અજરામર સ્તોત્ર વસંતતિલકા છંદમાં લખ્યું, જેમાં ચોથું ચરણ ભક્તામરનું જ આવે એવી ખૂબી સાથે આ સ્તોત્ર રચવામાં આવ્યું છે. ત્યાર પછીને વર્ષે તેમણે અજરામરજી સ્વામીનું જીવનચરિત્ર લખ્યું. આ ગ્રંથમાં સાધુઓના આચારવિચારમાં સુધારો કરવા માટે પ્રયત્નશીલ અને સ્વ-પર શાસ્ત્રોમાં પારંગત એવા એક મહાન મુનિરાજની જીવનકથા છે, જેમણે સમગ્ર ભારતના સ્થાનકવાસી સંપ્રદાયોના સમસ્ત સાધુ સમુદાયનું સંગઠન તથા વિશુદ્ધીકરણ કરવા માટે ભગીરથ પ્રયત્ન કર્યા હતા. ૮. કારણસંવાદઃ
આ નાની પુસ્તિકામાં પ્રારબ્ધવાદી અને પુરુષાર્થવાદીના વાદવિવાદના ઝઘડામાં ગુરુદેવે માર્ગદર્શન આપ્યું છે. કોઈ પણ કાર્યની સિદ્ધિમાં પાંચ કારણોની ઉપયોગિતા રહેલી છે. જ્યારે કેટલાંક કર્મવાદની અધૂરી સમજણને કારણે માત્ર ક્રિયાકાંડને જ મહત્ત્વ આપતા હતા. તો કેટલાંક ભૌતિક પુરુષાર્થને જ મહત્ત્વ આપતા હતા. તેથી તેમણે કાળ સ્વભાવ, કર્મ, પુરુષાર્થ અને નિયતિ આ પાંચ સમવાયોનું વિશ્લેષણ
વિદ્યાભૂષણ શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી + ૪૬૧