________________
સાધુ સંસ્થાની વર્તમાન જીવનદશાઃ
પૂ. ન્યાયવિજયજીએ સાધુ સંસ્થા વિશે ખૂબ ખૂબ વિચારો કર્યા છે. સાધુ સમાજમાં ઐક્યતા દેખાતી નથી. તીર્થચર્યાનો બળબળતો પ્રશ્ન લ્યો નથી. સમાજના ઉત્કર્ષ અને સમુન્નતિ માટે જે દર્દ હોવું જોઈએ તે દેખાતું નથી. આજે પદવીના મોહ જાગ્યા છે. વિદ્વત્તા ન હોય અને જોગ પણ કર્યા ન હોય તેવા પંન્યાસ થઈ બેસે અને આચાર્યની મહાન જવાબદારીનો વિચાર કર્યા વિના આચાર્ય થઈ બેસે તો પદવીના માન ક્યાંથી રહે? પદવીનો રાફડો ફાટ્યો છે. પદવીની કિંમત રહી નથી. ચેલા વધારવા ખાતર પણ ભારે કાવતરા રચાય છે. શ્રમણજીવન એ વિશ્વબંધુત્વનું વ્રત છે. તેમના હૃદયકમળમાંથી સુવાસભર્યા – સુધા વચનો નીકળે જે હજારોને શીતળતા આપી જાય. વ્યાખ્યાનમાળા એ શિક્ષણમાળા બનાવી જોઈએ. શ્રોતાઓમાં સારી ભાવના સીંચાવી જોઈએ જેથી તેમના કર્તવ્યમાર્ગનું તેમને ભાન થાય. હાનિકારક રિવાજો દૂર થાય અને તેમની જ્ઞાનશિક્ષામાં વૃદ્ધિ થાય. જૈન શાસનના વિશિષ્ટ ઉદ્યોતો જૈનેતર જનતા અને જૈનેતર વિદ્વાનોવાળી સભામાં વ્યાખ્યાનો આપવાથી થઈ શકે. સાધુઓ પાસે યુવાનો આવતાં ભડકે છે એનું કારણ દૂર થવું જોઈએ. તેમના પ્રશ્નોનો સમતાથી જવાબ આપી શકાય તો તેઓને સંતોષ થાય અને જૈન ધર્મના સિદ્ધાંતો જાણીને પ્રભાવિત થાય. વિતરાગ પરમાત્માની મૂર્તિ પર અંગ પ્રશોભન ઘટે?
પૂ. ન્યાયવિજયજી નવીન વિચારક હતા, નિર્ભીક હતા. પોતાના વિચારોને ખુલ્લંખુલ્લા મૂકવામાં નીડર હતા. તેમના નવા વિચારોથી જુનવાણી માનસ ધરાવતા કેટલાક મુનિવરો સમસમી રહ્યા હતા. છતાં પણ કેટલાક વિદ્વાનો – વિચારકો તેમના વિચારોને અપનાવતા હતા.
આપણે હૃદયશુદ્ધિ માટે, આત્માની લબ્ધિ માટે, ઈન્દ્રિયોના વશીકરણ માટે, કષાયોના પરાજય માટે દેવદર્શને જઈએ છીએ. અંદરનો મેલ ધોવા માટે, અંદરના રોગોને નાબૂદ કરવા માટે, રાગદ્વેષ ખંખેરવા માટે સત્યના પાઠ શીખવા માટે દેવાલય જઈએ. તેમના ગુણોનું ચિંતન કરી જીવનમાં ઉતારવા પ્રયાસ કરવાનો છે. જીવનની શુદ્ધિ કરવાની છે. દેવાલય એ શાંતિનું ધામ છે. એ પ્રતિમાઓ શાંતિ અને મંગલકારી છે. તેને આભૂષણ અંગરચના ઝગમગતી આંગી શોભે ખરી? આંગી વિનાની મૂર્તિ કેવી પ્રશાંત જણાય છે! સાહિત્ય સ્વામી
તેમણે મુંબઈમાં વિદ્યાર્થીઓ અને યુવાન પેઢીને સાહિત્ય દ્વારા જે સંદેશ આપ્યો હતો તેમાં પ્રોત્સાહન, વિરક્ત શાંતિ, આશ્વાસનમ્, આત્મપ્રબોધ, કાત્રિશિકા, મુદ્રાલેખ, પ્રબોધનમ્, પ્રેરણા દીનાક્રન્દન, અનેકાંતવિભૂતિ-વીરવિભૂતિ વગેરે સુંદર પુસ્તકો ભાવવાહી ભાષામાં આપ્યાં છે. લગભગ ૮૦૦ શ્લોકો ગુજરાતી અનુવાદ સાથે રસપ્રદ રીતે આપ્યાં હતાં. ૩૬૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો