________________
સમાસચક્ર, રઘુવંશ, કિરાત, અષ્ટકજી, પૂ. ઉપાધ્યાયજીના મોટા સ્તવનો વગેરે પૂજ્યશ્રીના પસંદગીના ગ્રંથો હતા. કોઈ વાત કે વિષય છણવો હોય ત્યારે તેને ઉપયોગી ઘણા ગ્રંથો જોઈ વિષયને વધુ સ્પષ્ટ કરાવવાની સુંદર ટેવ પૂજ્યશ્રીમાં હતી.
એક અદ્ભુત વાત: પૂજ્યશ્રીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૫૦થી અધિક વર્ષ સુધી આ સર્વ કાર્યો કરવા છતાં હાથમાં કલમ પકડી નથી કે કાગળ ઉપર એક અક્ષર લખ્યો નથી. વિ.સં. ૧૯૯૦માં સાધુસંમેલન થયું તેના પટ્ટક પર સહી કરવા માટે લખ્યું એ અપવાદ સિવાય ઉપરની હકીકત વાસ્તવિક હકીકત છે. આ સંયમ જાળવવો એ અસાધારણ વાત છે, સાથે આશ્ચર્ય ઉપજાવે એવી છે.
પૂજ્યશ્રીએ પ્રેરેલાં સર્વ શાસનકાર્યોમાં શાસ્ત્રજ્ઞાનનું, જયણાનું, પાપભીરુતાનું સદા પ્રાધાન્ય રહેતું. શાસ્ત્રનાં ઓઠે અજયણા, આજ્ઞાદ્રોહ તથા અપવાદ માર્ગોના સ્વચ્છંદી સેવન તેમ જ ક્લેશ-અંકલેશને કદી અવકાશ નહીં મળેલો.
બોધિબીજની પ્રાપ્તિ, મોક્ષ ફળને અપાવનાર, પ્રાપ્ત થયેલ સમ્યકત્વની નિર્મળતામાં વૃદ્ધિ કરનાર એવા પ્રાચીન ભવજલતારક તીર્થોના જીર્ણોદ્ધાર કરાવવા, તેમ જ નૂતન તીર્થોનું સર્જન કરવું એ પૂજ્યશ્રીનો જીવનમંત્ર હતો. પૂજ્યશ્રીના પ્રયત્નોથી આપણને માતર, વામજ, તળાજા, કુંભારિયાજી વગેરે અનેક પ્રાચીન તીર્થો પ્રાપ્ત થયાં છે. તેમાંથી ચાર મુખ્ય પ્રાચીન તીર્થોની વિગતો જોઈએ:
(૧) શેરીસા તીર્થ: આ તીર્થનો ઉદ્ભવ પૂજ્યશ્રીના પ્રયત્નથી થયો. શેરીસા નાનકડું ગામ. માત્ર ઇતિહાસના પાના પર એનું નામ શ્રી નાગેન્દ્રગથ્વીય દેવેન્દ્રસૂરિ મંત્રબળે પ્રતિમાજી લાવેલા અને પ્રતિષ્ઠા કરાવેલી. કુમારપાળ રાજા અને વસ્તુપાલતેજપાલે અહીં પ્રતિમાજી ભરાવી અને પ્રતિષ્ઠા પણ કરી હતી. પણ કાળક્રમે અવશેષો, પ્રતિમાજીઓ દટાઈ ગયા હતા. આ નષ્ટ થયેલા મહાન તીર્થના અવશેષો જોયા અને શાસનદેવના આદેશથી પૂજ્યશ્રી શેરીસા પધાર્યા. નિરીક્ષણ કરતાં કરતાં તળાવના કાંઠેથી શ્યામવર્ણ પાર્શ્વનાથ સાથે બીજા છ-સાત જિનબિંબો મળ્યા. તેથી પૂજ્યશ્રીએ આ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. મૂળનાયકનો નિર્ણય કરીને પાર્શ્વનાથ ભગવાનને મૂળનાયક તરીકે બિરાજમાન કર્યા. વિ.સં. ૨૦૦૨માં પૂજ્યશ્રીના હસ્તે ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. આ રીતે જ્યાં શૂન્ય હતું ત્યાં પૂજ્યશ્રીનાં પ્રયત્નથી શેરીસા તીર્થનું સર્જન થયું.
(૨) રાણકપુર તીર્થ: આજે જગતનાં ચોકમાં જે રાણકપુરનું દહેરાસર દેખાય છે તેમાં સૌથી મોટો ફાળો પૂજ્યશ્રીનો છે. વિ.સં. ૧૯૭૨માં પૂજ્યશ્રી આ તીર્થના દર્શન કરવા ગયા. આખાયે દહેરાસરમાં ફર્યા ત્યારે ત્યાં સાપના રાફડા હતા. ઠેરઠેર ઝાડ ઊગી ગયાં હતાં. ધૂળના બધે થર જામ્યા હતા. દેરીઓના પ્રભુજી બધા અંદર ભોયરામાં, એકેય દેરીમાં નહિ. મૂળનાયક ભગવાનનું પરિકર ખંડિત થયેલું હતું. તીર્થની દુર્દશા જોઈને પૂજ્યશ્રીએ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને વહીવટ સોંપી, યોગ્ય માર્ગદર્શન આપી આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. + ૩૮૧