________________
અહીં એમનો નવો લેખનયુગ શરૂ થયો. પ્રમાણમીમાંસા', “જ્ઞાનબિંદુ, જૈન તર્કભાષા” અને હેતુબિંદુ જેવા ગ્રંથોનું તેઓએ સંપાદન કર્યું. ગૂજરાત વિદ્યાપીઠમાં પંડિત ધર્માનંદ કોસંબીજી સાથે પરિચય થયો હતો, જેના કારણે બનારસમાં તેઓને પાલિ ભાષામાં રસ જાગ્યો. આ વર્ષોમાં ઘણા પંડિતો તેઓને ચેતનગ્રંથો કહે છે. ડૉ. રાધાકૃષ્ણને તેઓને બનારસ યુનિવર્સિટીમાં ગ્રંથસંપાદનનું કામ સોંપ્યું, પરંતુ પંડિતજીએ તેનો સાદર અસ્વીકાર્ય કર્યો. ભારતીય વિદ્યાભવનમાં અને પછી અમદાવાદના ભો. જે. ઇન્સ્ટિટ્યુટમાં માનદ પ્રાધ્યાપક તરીકે કામ કર્યું.
મુંબઈ યુનિવર્સિટીમાં એમણે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં આચાર્ય હરિભદ્રસૂરિજી વિશે પાંચ વ્યાખ્યાનો આપ્યા હતા, જે પુસ્તક સ્વરૂપે ઈ. સ. ૧૯૬૧માં મુંબઈ યુનિવર્સિટીએ પ્રગટ કર્યા હતા. અને તે પુસ્તકને “સમદર્શી આચાર્ય હરિભદ્ર નામ અપાયું હતું.
પંડિત સુખલાલજીએ કેટલાય તરુણોના જીવનમાં વિદ્યાવ્યાસંગ જગાવ્યો જેના પરિણામે પદ્મભૂષણ દલસુખભાઈ માલવણિયા, ડૉ. પદ્મનાભ જૈન, ડૉ. ઈન્દુકલાબહેન ઝવેરી, ડૉ. નગીનદાસ શાહ જેવા કેટલાય વિદ્વાનો સમાજને પ્રાપ્ત થયા.
‘દર્શન અને ચિંતન', “તત્ત્વાર્થસૂત્ર', “સન્મતિતર્ક અને “ભારતીય તત્ત્વવિદ્યા” જેવા ગ્રંથોમાં સમર્થ તત્ત્વવેત્તા તરીકે પંડિતજીના દર્શન થાય છે. તેઓએ આવા ગ્રંથો લખીને ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય સેવા કરી. પંડિત સુખલાલજી નિઃસ્પૃહ હતા. તેઓને વિદ્યા, અધ્યાપન અને લેખનકાર્ય માટે અનેક સુવર્ણચંદ્રકો અને એવૉર્ડ મળ્યા અને તેમના પુરુષાર્થની કદર થઈ, પરંતુ તેમના વાણી કે વર્તનમાં આની કોઈ જ અસર પડેલ ન હતી. પંડિત સુખલાલજી સમન્વયસાધક તત્ત્વવેત્તા હતા પરિણામે સર્વત્ર આદર પામતા હતા. પંડિતજી જ્યારે કાશીમાં ભણતા હતા ત્યારે એમને એ વખતે રૂ. ૫૧નું ઈનામ મળ્યું હતું. એ રકમમાંથી રૂ. ૧૦ ભાઈજી જે નિવૃત્ત જીવન જીવતા હતા તેમને મોકલેલા.
પંડિતજીમાં હૃદયની ઉદાર ભાવના અને ઋણ ચૂકવવાની ભાવનાના દર્શન થાય છે. પંડિત સુખલાલજી મુંબઈ જૈન યુવક સંઘની પ્રેરણામૂર્તિ હતા. મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ કરવાની તેઓએ જ પ્રેરણા આપેલી. યુવક સંઘના તેઓ પ્રથમ પ્રમુખ હતા. દર વર્ષે જૈન ધર્મનો એકાદ વિષય લઈ વ્યાખ્યાન પણ આપતા.
પંડિત સુખલાલજીએ શ્રી પરમાનંદ કાપડિયાની સામાજિક પ્રવૃત્તિઓને પણ ટેકો આપ્યો હતો.
તેઓની જૈન માટેની વ્યાખ્યા વિશિષ્ટ છે. તેઓ કહે છે:
“જે પારકાના શ્રમનો ઉપયોગ કરવાની વૃત્તિથી મુક્ત હોય, જે શ્રમનું મૂલ્ય પિછાણતો હોય અને જે લોભ-લાલચની વૃત્તિ ઉપર વિજય મેળવી શકે તે જૈન.”
(જૈન ધર્મ અને દર્શન ભાગ-૨, પંડિત સુખલાલજી) બાળ શિક્ષણની મોન્ટેસોરી પદ્ધતિ અને પુરુષ-સ્ત્રીની સમાનતા જેવા વિષયો
દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી + ૪૪૭