________________
જરૂરી ખુલાસા મળવા ઉપરાંત ગાથાઓમાં રહેલું ગૂઢ રહસ્ય સરળ રીતે સમજાવ્યું છે. એ વાંચતા તેમાં સંક્ષિપ્તમાં મોક્ષમાર્ગનો સંપૂર્ણપણે પરિચય થાય છે.
શ્રી રાકેશભાઈ ઝવેરીનું મહત્ત્વનું યોગદાન એ છે કે તેમણે યુવાવર્ગને નવી દિશા બતાવી. સમાજનો શિક્ષિત વર્ગ, ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અધ્યાપક વગેરે જૈન અને જૈનેતર, ભારતનો અને વિદેશનો યુવાવર્ગ મોટી સંખ્યામાં આ સંસ્થા સાથે જોડાયો છે.
તારાબહેન રમણલાલ શાહના સાહિત્ય સર્જનના શિરમોરસમ પ્રબુદ્ધ ચરણે પુસ્તકનો અંતિમ અધ્યાય તેમણે આપણા સહુના પ્રિય એવા ડો. રમણલાલ ચીમનલાલ શાહને અર્પણ કર્યો છે. તેમનો જન્મ માતા રેવાબહેન અને પિતા ચીમનલાલ અમૃતલાલ શાહની કૂખે ૩જી ડિસેમ્બર, ૧૯૨૬ના રોજ વડોદરા જિલ્લાના પાદરા ગામે થયો હતો. ૧૯૫૦માં ગુજરાતી અને સંસ્કૃતના વિષય સાથે એમ.એ.માં પ્રથમ આવવા માટે તેમને બળવંતરાય ઠાકોર સુવર્ણચંદ્રક તથા કેશવલાલ ધ્રુવ પારિતોષિક પ્રાપ્ત થયા. ઝેવિયર્સ કોલેજમાં પ્રથમ આવવા માટે સંત ફ્રાન્સિસ ચંદ્રક મળ્યો. ૧૯૫૧માં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. કૉલેજે અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ શરૂ કરવા માટે તેમને અમદાવાદ મોકલ્યા. ત્યાં પંડિત સુખલાલજી અને મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના સંપર્કને કારણે પ્રાકૃત, અપભ્રંશ તથા જૂની ગુજરાતીનો અભ્યાસ કરી પીએચ.ડી. માટે નળદમયંતીની કથાનો વિકાસ' વિષય પસંદ કર્યો. ગાઈડ પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ ૧૯૬૧માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને ૧૯૬૩માં જ પોતે પણ પીએચ.ડી.ના માર્ગદર્શક બન્યા. ફાગુ, ખંડકાવ્ય વગેરે જેવા ગુજરાતી સાહિત્યના જુદાજુદા વિષયો, ગીતા, રામાયણ, મહાભારત, સ્વામિનારાયણ સંપ્રદાય અને જૈન ધર્મના જુદાજુદા વિષયો, ચંદરાજાનો રાસ, જયશેખરસૂરિ વગેરે વિવિધ વિષયો પર તેમણે ૧૮ વિદ્યાર્થીઓ પાસે શોધનિબંધો તૈયાર કરાવ્યા. રમણભાઈ વિદ્યાર્થીપ્રિય અધ્યાપક હતા. તેમના હાથ નીચે પીચ.ડી. થયેલા કેટલાય વિદ્યાર્થીઓ આજે પોતે પણ પ્રોફેસર તથા પીએચ.ડી.ના ગાઈડ બન્યા છે.
પચીસ વરસની વયે રમણભાઈ શ્રી મુંબઈ જેન યુવક સંઘના સભ્ય બન્યા. થોડા વરસોમાં કારોબારીના સભ્ય બન્યા અને જિંદગીના અંત સુધી કોઈ ને કોઈ પદે ચાલુ રહ્યા. ૧૯૭૨થી તેમણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજીત પર્યુષણ તથા વસંત વ્યાખ્યાનમાળાના પ્રમુખપદે ૩૩ વરસ સુધી પોતાની સેવાઓ આપી.
રમણભાઈ પ્રમુખ બન્યા પછી માનવસેવાની અને કેટલીક સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ શરૂ થઈ. તેમણે શરૂ કરેલી ખૂબ મહત્ત્વની પ્રવૃત્તિ તે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ગુજરાતના પછાત ગ્રામ વિસ્તારમાંની કોઈ ને કોઈ સંસ્થા માટે ફંડ એકઠું કરી તેને મદદ કરવાની હતી. આ પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર સફળતા મળી. અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું દાન લોકોએ કર્યું છે. વિવિધ લોકોપયોગી અને ઉત્તમ પ્રવૃત્તિઓને કારણે સંસ્થાની સુવાસ ખૂબ જ પ્રસરી છે. ૨૪૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો