________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૧૫
જેમ લાકડાદિમાં દુર્ભેદ, દુરુચ્છેદ એવી ગાંઠો હોય છે તેમ આત્મામાં તત્ત્વને યથાર્થ જોવામાં બાધક એવો રાગ-દ્વેષનો પરિણામ છે. જે દુ:ખે કરીને ઉચ્છેદ થાય તેવો દૃઢતર છે અને તેનો ભેદ કરવો અતિદુષ્કર છે. આ રાગ-દ્વેષનો પરિણામ આત્માનો અનાદિ કાળથી સર્વદા છે અને તેવો રાગ-દ્વેષનો પરિણામ તે ‘ગ્રંથિ’ છે. તે ગ્રંથિને કારણે જ જીવો તત્ત્વને પામતા નથી. અને સંસારમાં અનાદિકાળથી ભટકે છે.
જીવો અંતઃકોટાકોટી સાગરોપમ ન્યૂન કર્મની સ્થિતિ કરે છે ત્યારે યથાપ્રવૃત્તિકરણ કરીને ગ્રંથિદેશને પ્રાપ્ત કરે છે. વળી, ગ્રંથિદેશને પામ્યા પછી ફરી રાગાદિથી પ્રેરિત થયેલા તે ચારગતિમાં રહેલા પણ જીવો ઉત્કૃષ્ટ સ્થિતિ કર્મની બાંધે છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગ્રંથિદેશમાં આવે છે ત્યારે તેઓનો રાગદ્વેષનો પરિણામ કંઈક મંદ થાય છે અને ફરી તીવ્ર રાગ-દ્વેષના પરિણામવાળા થાય છે ત્યારે કર્મના ઉત્કૃષ્ટસ્થિતિબંધને યોગ્ય તે જીવો બને છે. આવા જીવોમાંથી જે ભવ્યજીવોનું ભાવિમાં ભદ્ર થવાનું છે અર્થાત્ ભાવિમાં કલ્યાણ થવાનું છે તેવા જીવો પરમવીર્યને ફો૨વીને અપૂર્વક૨ણ કરે છે અર્થાત્ ગ્રંથિદેશમાં આવ્યા પછી ફરી ક્યારેય સાતેય કર્મોના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને યોગ્ય થતા નથી પરંતુ તત્ત્વને જાણવાને અનુકૂળ ૫૨મવીર્યને ફોરવીને અપૂર્વકોટિના તત્ત્વને જાણવાને અનુકૂળ વ્યાપાર કરે છે. જેનાથી તત્ત્વને યથાર્થ જોવામાં બાધક એવા રાગ-દ્વેષની પરિણતિરૂપ ગ્રંથિનો ભેદ કરવાનો પ્રારંભ થાય છે અને દૂરતિક્રમ એવી તે ગ્રંથિને સહસા તેઓ અપૂર્વકરણ દ્વારા અતિક્રમણ કરે છે. જેમ કોઈ મુસાફ૨ ઘણો માર્ગ અતિક્રમણ=પસાર કરીને આવેલો હોય તેથી થાકેલો હોય તોપણ મહાપરાક્રમ કરીને ઘટ્ટભૂમિને=જે ભૂમિનેં ઓળંગવી અતિદુષ્કર છે તેવી ભૂમિને, ઓળંગીને પોતાના ઇષ્ટ સ્થાન તરફ જાય છે. તેમ આ જીવો પણ સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ઘટાડી-ઘટાડીને ઘણો પંથ કાપીને ગ્રંથિદેશમાં આવેલા છે. ગ્રંથિ અતિ ઘટ્ટભૂમિ જેવી છે, કે જેને ઓળંગવા માટે પ્રાયઃ જીવો સમર્થ થતા નથી તેવી ઘટ્ટભૂમિને તુલ્ય ગ્રંથિને પણ અતિપરાક્રમ ક૨ીને અપૂર્વકરણ દ્વારા તે યોગ્ય જીવો ઓળંગે છે. જેથી તે ઘટ્ટભૂમિને ઓળંગીને અર્થાત્ ગ્રંથિભેદ કરીને આત્માના હિતને અનુકૂળ એવા તત્ત્વમાર્ગને પ્રાપ્ત કરે છે. ત્યારપછી તે જીવો અનિવૃત્તિકરણ નામનું ત્રીજું કરણ કરે છે. જે ત્રીજા કરણથી મિથ્યાત્વના દળિયામાં અંતઃકરણ નામની અંતરંગ પ્રક્રિયા કરે છે અને તે અંતઃકરણ કરવાની પ્રક્રિયાકાળમાં આત્મામાં મિથ્યાત્વના દળિયા સતત ઉદયમાં આવે તેવી જે લતા છે તેમાં વચમાં અંતર પાડે છે અર્થાત્ જે આગળમાં વેદન ક૨વા યોગ્ય મિથ્યાત્વના દળિયા છે તે દળિયામાં અંતર્મુહૂર્તકાળ સુધી કોઈ દળિયા ઉદયમાં ન આવે તેવું અંતર પાડે છે. તેથી તે મિથ્યાત્વના દળિયા એક અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં ન આવે તેવા વિરલ કરે છે. તેના કા૨ણે અંતઃમુહૂર્તિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. આ સમ્યક્ત્વને ‘નિસર્ગહેતુક' સમ્યક્ શ્રદ્ધાન કહેવાય છે.
જે જીવો ગુરુના ઉપદેશનું આલંબન કરીને સમ્યક્શ્રદ્ધાન કરે છે તે અધિગમથી થનારું બીજુ સમ્યગ્દર્શન છે. આ રીતે, નિસર્ગથી થનારું અને અધિગમથી થનારું સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવ્યા પછી તે સમ્યગ્દર્શન કેવા માહાત્મ્યવાળું છે ? તે બતાવતાં કહે છે –
સમ્યગ્દર્શન યમ અને પ્રશમનું જીવાતુ છે.