________________
૩૬
ધર્મસંગ્રહ ભાગ-૨) દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ વિશ્રાંત થનાર હોવાથી તેઓ પહેલા ગુણસ્થાનકથી છઠ્ઠા કે સાતમાં ગુણસ્થાનકે આવ્યા છે તેમ વ્યવહારથી કહેવાય છે. છતાં સમ્યક્તનાં આવારક, દેશવિરતિનાં આવારક અને સર્વવિરતિનાં આવારક કર્મોનો ક્ષયોપશમ ક્રમસર જ થાય છે. તેથી તે જીવો પણ પ્રથમ ચોથા ગુણસ્થાનકને સ્પર્શે, પછી પાંચમા ગુણસ્થાનકને સ્પર્શે અને પછી છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકને સ્પર્શે છે; કેમ કે “ગુણસ્થાનકની પ્રાપ્તિના ક્રમનું અનુલંધનીયપણું છે.” આ પ્રકારનું શાસ્ત્રવચન છે. છતાં, એક સાથે પ્રાપ્ત થયેલ હોવાથી વ્યવહારથી પહેલા ગુણસ્થાનકથી સીધું છઠું કે સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત થયું તેમ કહેવાય છે.
જેમ કોઈ ઉપદેશકના વચનને શ્રવણ કરે ત્યારપછી તે શબ્દોને અવધારણ કરે અને ત્યારપછી તે લખવાની ક્રિયા કરે ત્યારે તે ત્રણેય ક્રિયા ક્રમસર થનાર છે, એક સાથે થનાર નથી. તોપણ વ્યવહારથી કહેવાય છે કે શ્રવણની ક્રિયા અને લેખનની ક્રિયા તે પુરુષ એકકાળમાં કરે છે. આથી જ ૧૫૦૦ તાપસી ગૌતમસ્વામીને પ્રાપ્ત કરે છે ત્યારે ગૌતમસ્વામીના ઉપદેશના બળથી તેઓ સર્વવિરતિને પ્રાપ્ત કરે છે ત્યારે પણ સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ ગુણસ્થાનકને ક્રમસર સ્પર્શે છે. ફક્ત વ્યવધાન વગર એક ઉપયોગના બળથી તે ત્રણેય ગુણસ્થાનકનો ક્રમસર સ્પર્શ થતો હોવાથી તે ૧૫૦0 તાપસો પ્રથમ ગુણસ્થાનકથી છઠા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે તેમ વ્યવહારનયથી કહેવાય છે.
જે જીવોએ દેશવિરતિ કે સર્વવિરતિને ગ્રહણ કરેલ છે અને દેશવિરતિ કે સર્વવિરતિ ગુણસ્થાનકમાં રહેલા છે તેવા જીવને પણ ક્યારેક દેશવિરતિ ગુણસ્થાનક કે સર્વવિરતિ ગુણસ્થાનકથી વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતા ન હોય છતાં કોઈક રીતે આભોગ વગર જ અંતરંગ રીતે દેશવિરતિના પરિણામનો કે સર્વવિરતિના પરિણામનો નાશ થાય તો તેઓ દેશવિરતિથી કે સર્વવિરતિથી પાત પામેલા પરિણામવાળા થાય છે. અને તેવા જીવો યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ કર્યા વગર જ દેશવિરતિ કે સર્વવિરતિની ક્રિયાના બળથી ફરી દેશવિરતિના પરિણામને અથવા સર્વવિરતિના પરિણામને પ્રાપ્ત કરે છે. જેઓ આભોગથી=આ પ્રવૃત્તિ પોતાના ગુણસ્થાનકને વિરુદ્ધ છે તેવો બોધ હોવા છતાં, તે ગુણસ્થાનકથી વિપરીત પ્રવૃત્તિ કરવા પ્રત્યેની ઉત્કટ ઇચ્છાને કારણે ગુણસ્થાનકથી પાત પામે છે અને આભોગથી જ મિથ્યાત્વને પામે છે=આ દર્શનાચારની વિરુદ્ધ પ્રવૃત્તિ છે તેવું જ્ઞાન હોવા છતાં તે પ્રકારની પ્રવૃત્તિ કરવાની ઉત્કટ ઇચ્છાથી તે પ્રવૃત્તિ કરે છે તેથી આભોગથી મિથ્યાત્વને પામે છે. તેઓ જઘન્યથી અંતર્મુહૂર્ત પછી અને ઉત્કૃષ્ટથી ઘણા કાળ પછી પૂર્વ કહેલા તે તે ગુણસ્થાનક માટેનાં કરણોને કરીને ફરી તે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે કર્મપ્રકૃતિની વૃત્તિમાં કહેલું છે. તેથી એ ફલિત થાય કે જે જીવો સ્વીકારેલા ગુણસ્થાનકને ઉચિત સર્વપ્રવૃત્તિ કરે છે અને સ્વીકારેલા ગુણસ્થાનકમાં અતિચાર ન થાય તેના માટે યત્નાવાળા છે અને થયેલા અતિચારોની આલોચનાદિ દ્વારા શુદ્ધિ કરે છે તેવા જીવો અનાભોગથી ગુણસ્થાનકથી પાત પામેલા હોય તોપણ કરણો કર્યા વગર તે તે ગુણસ્થાનકની ઉચિત ક્રિયા દ્વારા ફરી તે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. અને જેઓ રાગાદિથી આકુલ થઈ ગુણસ્થાનકથી વિપરીત પ્રવૃત્તિ કરે છે તેઓ પ્રાપ્ત થયેલા ગુણસ્થાનકથી પાત પામ્યા પછી ફરી તે ગુણસ્થાનક માટે ઉદ્યમ કરે ત્યારે તે ગુણસ્થાનક માટે અપેક્ષિત કરણોના અધ્યવસાયપૂર્વક તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.