________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨
૧૭૧
ગુરુ પાસેથી પોતાની શક્તિ અનુસાર સૂત્રો ગ્રહણ કરે. તે સૂત્રોને સ્થિર પરિચિત કરે તેથી શ્રાવકજીવનને ઉચિત એવાં સૂત્રોના વિષયમાં તે કુશળ બને. વળી, સૂત્રોને ગ્રહણ કરીને સ્થિર પરિચિત કર્યા પછી સંવિજ્ઞગીતાર્થ સાધુ પાસે સૂત્રના અર્થોનું શ્રવણ કરે અને તેના અર્થોનો યથાર્થ નિર્ણય કરીને તેમાં પણ કુશળ બને. સૂત્ર-અર્થમાં જેમ કુશળ બને તેમ ક્યારે ઉત્સર્ગની પ્રવૃત્તિ કરવી ઉચિત છે અને ક્યારે અપવાદથી પ્રવૃત્તિ કરવી ઉચિત છે તેનું યથાર્થ જ્ઞાન પણ ગુરુ પાસેથી મેળવીને તેમાં કુશળ બને. વળી, સ્વભૂમિકાનુસાર જે અનુષ્ઠાન સેવે છે તે અનુષ્ઠાનોમાં ઉચિત ભાવોમાં શ્રાવક કુશળ હોય. જેમ ષડૂઆવશ્યકમાં પ્રતિક્રમણની ક્રિયા કરે ત્યારે તે છ આવશ્યક કઈ રીતે સમ્યફ નિષ્પન્ન થાય તેના પરમાર્થને જાણીને તે રીતે જ કરવામાં કુશલ હોવાથી ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરે ત્યારે આ ભગવાનની પૂજા કઈ રીતે ૧૮૦૦૦ શીલાંગ સ્વરૂપ ભાવચારિત્રનું કારણ બને તેને અનુરૂપ નિપુણભાવ કરવામાં કુશલ હોય. ભાવમાં કુશલ થવા માટે શ્રાવક વિધિપૂર્વક શ્રાવકાચાર પાળનારા અન્ય શ્રાવકોનું બહુમાન કરે છે અને સ્વયં પણ ઉત્તમભાવ નિષ્પત્તિને અનુકૂળ બોધાદિની સામગ્રી વિદ્યમાન હોય તો શ્રાવક યથાશક્તિ તે અનુષ્ઠાનોને વિધિપૂર્વક સેવવા પ્રયત્ન કરે છે. કોઈ કારણે તે પ્રકારનો સૂક્ષ્મ બોધ કરાવવા માટેની સામગ્રી વિદ્યમાન ન હોય તોપણ હિંમેશાં ભાવથી વિધિના પરમાર્થને જાણીને વિધિપૂર્વક સેવવાના મનોરથ કરે છે. જેની ઉચિત સામગ્રી થાય તો દરેક અનુષ્ઠાનોના ઉચિત પરમાર્થને પ્રાપ્ત કરીને અવશ્ય તે ભાવોની નિષ્પત્તિનું કારણ બને તે રીતે જ ધર્માનુષ્ઠાન કરે છે.
વળી, વ્યવહારમાં પણ શ્રાવક કુશળ હોય તેથી દેશકાળાદિને અનુકૂળ ગીતાર્થ પુરુષથી આચરિત એવા ઉચિત વ્યવહારને ક્યારેય દૂષિત કરે નહીં પરંતુ વિચારે કે ગીતાર્થ પુરુષો ગુરુ-લાઘવના પર્યાલોચનપૂર્વક જે કૃત્યમાં અધિક લાભ હોય તેવું ઉચિત કૃત્ય કરનારા છે. આ પ્રકારના ઉચિત વ્યવહાર પ્રત્યેના નિર્ણયમાં જે શ્રાવક કુશલ હોય તે શ્રાવક પ્રવચનકુશલ' કહેવાય અને જે ભાવશ્રાવક છે તે હંમેશાં ગીતાર્થના પરિચયથી અલ્પકાળમાં પ્રવચનકુશલ બને છે.
પૂર્વમાં ભાવશ્રાવકનાં જે છ લિંગો બતાવ્યાં તે ક્રિયાને આશ્રયીને હતા, હવે શ્રાવકના નિર્લેપભાવને આશ્રયીને કેવાં લિંગો હોય છે તે સત્તર ભેદથી બતાવે છે –
શ્રાવકને ભોગની ઇચ્છા હોવા છતાં સ્ત્રીને અત્યંત વશવર્તી હોય નહીં જેથી પોતાના શ્રાવકાચારની ઉચિત પ્રવૃત્તિ કરવામાં સ્ત્રીની આધીનતા બાધક બને નહિ.
વળી, શ્રાવક સંસારના પારમાર્થિક સ્વરૂપને જોનાર છે માટે પોતાનામાં જે વિષયોની મનોવૃત્તિ છે તેના નાશ અર્થે હંમેશાં તત્ત્વનું ભાવન કરીને વિષયોથી ઇંદ્રિયોનો વિરોધ કરે છે.
વળી, શ્રાવક સંસારમાં છે તેથી અર્થની આવશ્યકતા રહે છે તો પણ જાણે છે કે આ અર્થ સર્વ અનર્થોનું મૂળ છે; કેમ કે ધન પ્રત્યેના મમત્વના કારણે ઉપાર્જન-સંરક્ષણાદિના શો પ્રાપ્ત થાય છે અને તેના નિમિત્તે અનેક પ્રકારના આરંભ-સમારંભ થાય છે. માટે અનેક પ્રકારના અનર્થના કારણરૂપ એવા અર્થનું ઉપાર્જન કરતો હોય તો પણ તેમાં અતિ લોભને ધારણ કરે નહીં જેથી અનુચિત રીતે પણ અર્થ ઉપાર્જન કરવાનો અધ્યવસાય શ્રાવકને થતો નથી.